દિવાળી એટલે પ્રકાશનું પર્વ. સમગ્ર દેશમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી થાય છે. ગુજરાતીઓના નવા વર્ષના વધામણઆં કરવાનો પણ અનેરો આનંદ હોય છે. ગુજરાતમાં અનેક ગામ એવા પણ છે, જ્યાં દાયકાઓ જુની પરંપરા સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે.
આજે વાત કરીએ એવા જ ગામની, જ્યાં આ પરંપરાઓ હજુ પણ જોવા મળે છે.
રાજા રજવાડાના સમયથી ગાયો દોડાવવાની છે પરંપરા
સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના વડગામ ખાતે નવા વર્ષમાં ગાયો દોડાવાની વર્ષો જૂની પરંપરા છે. ઢોલ નગારા અને ફટાકડા ફોડીને ગાયોની આ દોડ શરૂ કરવામાં આવે છે. કહેવાય છે કે આ ભગવાનના આશીવાર્દ છે. વડગામ ઉપરાંત પણ આસપાસના અનેક ગામોમાં ગાયો દોડાવવાની પરંપરા આજે પણ યથાવત છે.
આદરીયાણા ગામના કથાકાર રાજેન્દ્રભાઈ પંડયા ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, આદરીયાણા, પાટડી, ધામા, નગવાડા અને પાનવા સહિતના રણકાંઠાના ગામોમાં 150 વર્ષથી એટલે કે રાજા રજવાડાના સમયથી ગાયો દોડાવવાની અનોખી પરંપરા છે. નૂતન વર્ષની વહેલી સવારે ગામના ભાગોળે ગાયોની દોડ હરીફાઇ યોજાય છે. કહેવાય છે કે નવા વર્ષે જ આખા ગામમાં ગાયો દોડવાથી ગામનું વાતાવરણ પવિત્ર થઈ જાય છે. આવનારા વર્ષ દરમિયાન ગામ પર કોઈ ઉપાધી નથી આવતી.
બેસતા વર્ષે 300થી વધારે ગાયોના શીંગડાઓને ઘી લગાડવાની સાથે પરંપરાગત રીતે એમનો શણગાર કરી જૂથ પ્રમાણે ગોવાળ સાથે દોડાવવામાં આવે છે. આ અનોખી હરીફાઇમાં પ્રથમ આવનાર ગાયનાં ગોવાળનેં પાઘડી પહેરાવીનેં આગવી રીતે સન્માન પણ કરાય છે.
સુરેન્દ્રનગર જીલ્લાના જુદા-જુદા ગામના ભાગોળે ગોવાળોનો સમૂહ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે. વિક્રમ સંવતનું વર્ષ ડીજીટલ યુગમાં ભલે પ્રવેશ્યું હોય પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ પ્રાચિન પરંપરાઓ જીવંત છે. કહેવાય છે કે ગાયોની દોડ જોખમી હોવા છતાં આજ દિવસ સુધી એક પણ વાર કોઇ અકસ્માત સર્જાયો નથી જેને ગ્રામજનો ભગવાનના આશીર્વાદ માને છે.
સાવરકુંડલાનું ઈંગોરિયા યુદ્ધ
હવે વાત કરીએ અમરેલી જીલ્લાના સાવરકુંડલા ગામની જ્યાં દિવાળીની અલગ જ અંદાજમાં ઉજવણી કરવામાં આવે છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લા 100 વર્ષથી દિવાળીની રાત્રીએ પારંપારિક યુદ્ધ છેડાય છે. આ યુદ્ધને ઈંગોરિયાના યુદ્ધ તરીકે ઓખળવામાં આવે છે. અમરેલી જિલ્લામાં સાવર અને કુંડલા બે ગામ વચ્ચે નાવલી નદી આવેલી છે. વર્ષો પહેલાં અહીં બંને ગામના યુવાનો દિવાળીની રાત્રે એકબીજા પર ઈંગોરિયા ફેંકી અનોખી ઉજવણીની શરૂઆત કરી હતી, જે પરંપરા આજે પણ યથાવત છે. આ ઈંગોરિયા યુદ્ધને જોવા માટે દૂર દૂરથી લોકો અહીં આવે પહોંચે છે.
છેલ્લા 30 વર્ષથી ઈંગોરિયાની રમત રમતા સાવરકુંડલાના દેવેનભાઈ રાજપરા ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, દિવાળીની રાત્રે બે ગ્રુપ સામ સામે આવીને એકબીજા પર ઈંગોરિયા નાંખે છે. આ ઈંગોરીયા એક પ્રકારના વૃક્ષમાંથી બને છે. દિવાળી પહેલા એને બનાવવા માટે ખુબ મહેનત કરવામાં આવે છે. કોઈ 500 નંગ ઈંગોરિયા બનાવે તો કોઈ હજાર નંગ બનાવે. આખી રાત ઈંગોરિયા યુદ્ધની રમત ચાલે છે. સબનશીબે અત્યાર સુધીમાં કોઈને ઈજા નથી થઈ.
ઈંગોરિયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે. એના ચીકુ જેવા ફળને ઈંગોરિયું કહેવામાં આવે છે. દિવાળી પહેલાં એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરિયા શોધી વૃક્ષ પરથી તોડી એને સૂકવી દે છે. એ સુકાઈ જાય પછી એની છાલને છરી વડે કાઢી એમાં કાણું પાડી અંદર દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરીને ભરવામાં આવે છે. કાણાંને માટીના પથ્થરના ભુક્કાથી બંધ કરી એને સૂકવવામાં આવે છે.ઈંગોરિયું તૈયાર થઈ જાય પછી દિવાળીની રાત્રિએ ઈંગોરિયા યુદ્ધ રમવામાં આવે છે.
દિવાળીની રાત્રે સાવરકુંડલામાં ખેલાતા ઈંગોરિયા યુદ્ધનું લોકોમાં અનોખું આકર્ષણ રહ્યું છે. આ યુદ્ધ નિહાળવા માટે લોકો અમદાવાદ, મુંબઈ, કોલકાતા, રાજકોટ જેવાં મોટાં શહેરમાંથી આવે છે. આ એક નિર્દોષ રમત છે. જે દાયકાઓથી પરંપરાગત ચાલે છે.
દક્ષિણ ગુજરાતમાં રમાય છે ઘોર રમત
દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજની કેટલીક પરંપરાઓ આજે પણ અંતરિયાળ ગામડાઓ જોવા મળે છે. ત્યારે આવી જ પરંપરા દક્ષિણ ગુજરાતની છે. જે પરંપરાનું નામ ઘોર છે. દક્ષિણ ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં આજે પણ આદિવાસી સમાજના લોકો દિવાળી અને નવા વર્ષના પાવન અવસરે ઘોર રમે છે. જેમાં આદિવાસી સમાજના ખેતી કરતા લોકો ધાન્ય પાકની કાપણી બાદ ઘોર નૃત્ય કરી માતાજીના આશીર્વાદ મેળવે છે. મહાભારતના સમયથી રમાતી ઘોર આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આસ્થાનું પ્રતીક છે. દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસી અને કોળી પટેલ સમાજના લોકો ખેતરમાં પાકની કાપણી બાદ નવું ધાન્ય માતાજીને અર્પણ કરે છે. અને માતાજીને આજીજી કરે છે કે અમારા અનાજના ભંડાર અખૂટ રાખજો. ઘેરૈયા નૃત્યને દેશી ભાષામાં ઘોર કહેવાય છે.
વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો:
View this post on Instagram
(હેતલ રાવ-અમદાવાદ)