એક નાના ગામમાં બે પડોશી રહેતા — કમલ અને શિલા. બંનેએ પોતાના ઘરોને દિવાળી માટે સુંદર રીતે સજાવ્યા, દીવા, રંગોળી, મીઠાઈ બધું તૈયાર હતું. પણ બંને વચ્ચે જૂનો ઝઘડો હતો. વરસોથી વાતચીત બંધ. બહાર તો દીવા ઝળહળતા હતા, પણ બંનેના હૃદયમાં અંધકાર હતો.
દિવાળી ની સાંજે કમલની નાની દીકરીએ કહ્યું,
“મમ્મી, આપણે ઘરની બધી બાજુએ દીવા રાખ્યા, પણ શિલા કાકીના ઘર તરફ કેમ અંધારું રાખીએ છીએ? એક દીવો એ તરફ મુકીએ તો કેટલું સુંદર લાગે.”
“આપણી બોલચાલ બંધ છે તો શા માટે એ તરફ જોવું પડે.” મમ્મીએ નન્નો ભણી દીધો.
બીજા દિવસે સાંજે કમલ તેના પરિવાર સાથે બહારથી આવી ત્યારે દરેકના ઘર બહાર રોશની સુંદર દેખાતી હતી. પરંતુ પોતાના ઘર પાસે આવતા તેની નજર શિલાના ઘર બાજુની દીવાલ અંધારી હતી અને એ કારણે રોશની સુંદર લાગતી નહોતી. કમલને પોતાની ભૂલ દેખાઈ સાથે દીકરીની વાત યાદ આવી. માત્ર એક દીવો પણ અંધારું દુર કરવા બસ છે. તેનું મન પીગળી ગયું. અને બે દીવા એ તરફની પાળી ઉપર મૂકી આવી.
થોડીવાર પછી નજર ગઈ તો બીજા ચાર દીવા એ તરફની પાળી ઉપર ઝગારા મારતા શોભી રહ્યા હતા.
આ જોતા નાની દીકરી ખુશીથી ઉછળી પડી ” મમ્મી જો બે દીવાના છ થઇ ગયા. આ કેવો જાદુ કહેવાય? “
” હા બેટા આ તો સદભાવનાનો દીવો છે તેની સાથે બીજા ચારને લઇ આવે.” કમલના પતિએ હસતાં વાત સમજાવી.
બસ નાની પહેલ અને વર્ષો જૂની તિરાડ ભરાવા લાગી. સામાન્ય રીતે સમય જતા મનની કડવાશ આપોઆપ ઓછી થવા લાગે છે. પરંતુ પહેલ કોણ કરે તેની રાહ જોવામાં સમય સરતો જાય છે. બીજા દિવસે શિલા હાથમાં મીઠાઈ લઈને કમલના ઘેર આવી. બંને હસતાં મળ્યાં, વર્ષોનો અંધકાર એક પળમાં દૂર થઈ ગયો. એ રાતે દીવો ફક્ત ઘરોમાં જ નહીં, દિલોમાં પણ પ્રગટ્યો. સદભાવના પ્રગટે ત્યારે જ તહેવારની સાચી ઉજવણી થાય છે.
તહેવાર એટલે આનંદ, મળવાણું અને પ્રેમનો પ્રસંગ. દરેક તહેવાર આપણને સદાચાર, એકતા અને માનવતાનો પાઠ શીખવે છે. પરંતુ આજકાલ તહેવારો ફક્ત દેખાવ અને ભૌતિક ચમક સુધી મર્યાદિત થઈ રહ્યા છે. ઘરો ઝળહળે છે, પણ ક્યારેક દિલોમાં અંધકાર છવાયેલો રહે છે.
દિવાળી જેવા પવિત્ર તહેવારમાં આપણે દીવા પ્રગટાવીએ છીએ, પરંતુ સાચો દીવો તો ત્યારે જ પ્રગટે છે જ્યારે આપણા હૃદયમાં સદભાવના, પ્રેમ, અને ક્ષમાનો પ્રકાશ થાય. જો આપણે આસપાસના લોકોને ખુશી આપીએ, જરૂરિયાતમંદોને મદદ કરીએ અને દુશ્મન પ્રત્યે પણ ક્ષમાશીલ બનીએ, તો એ જ તહેવારની સાચી ઉજવણી ગણાય.
જો તહેવારના દિવસે આપણે કોઈ સાથે વર્ષો જૂની ખટાશ ભૂલી જઈને હસતાં ચહેરા સાથે મળીએ, તો એ એક દીવો આપણા અંતરમાં પ્રગટે છે. તે દીવો અહંકાર, ઈર્ષ્યા અને દ્વેષના અંધકારને દૂર કરે છે. સાચી ખુશી ત્યારે મળે છે જ્યારે આપણે આપણા આનંદમાં અન્ય લોકોનો પણ ભાગ આપીએ. બહારના દીવા તો થોડા સમય માટે પ્રકાશ આપે છે પરંતુ અંતરમાં પ્રકાશિત થતો સદભાવના નો દીવો સદાય માટે પ્રકાશ ફેલાવે છે.
🌼 સંદેશ
તહેવાર ફક્ત દેખાવ માટે નહીં, પરંતુ દિલમાં પ્રેમ, ક્ષમા અને સદભાવના જગાવવા માટે છે.
બહારના દીવાઓ કરતાં પણ વધુ તેજસ્વી છે અંતરના દીવા, જે આપણને સાચી ઉજવણીની અનુભૂતિ કરાવે છે.
(રેખા પટેલ- ડેલાવર, અમેરિકા)
