સુરત: ૧૯૬૨ના ચીનયુદ્ધ વખતે દેશ માટે લડતાં-લડતાં કેટલાય જવાનો શહીદ થયા. તે સમયે આજની સેલ્ફીનું તો અસ્તિત્વ જ નહોતું, પણ તસવીર ખેંચવાનો પણ ખાસ જમાનો નહોતો એટલે એ સમયે એવા કેટલાય પરિવાર હતા જેમના ઘરમાં એમના વહાલસોયા શહીદની તસવીર જ નહોતી. હરિયાણાના ફૂલવાડી ગામના પોસવાલાપરિવાર પણ એક એવો જ પરિવાર હતો. પરિવારના ખેમરાજ પોસવાલા ૧૯૪૮ના વર્ષમાં સેનામાં હવાલદાર તરીકે જોડાયા હતા. ચીન સાથેના યુદ્ધમાં એ શહીદ થયા હતા.
આ વર્ષે પરિવાર તેમ જ ગ્રામજનો મળીને ખેમરાજ પોસવાલાની પ્રતિમા ગામમાં મૂકવાનું વિચારતા હતા, પણ પ્રતિમા બનાવવી કેવી રીતે? શહીદ ખેમરાજની તસવીર તો હતી નહીં. પરિવારે પૂર્વ સૈનિક કલ્યાણ સમિતિનો સંપર્ક કર્યો, પણ સમિતિ પાસે પણ એમની તસવીર નહોતી. જો કે સમિતિ તરફથી કોઈએ સુરતના દેશભક્ત જિતેન્દ્રસિંહનો સંપર્ક કર્યો… અને આ જિતેન્દ્રસિંહના પ્રયાસોથી ખેમરાજ પોસવાલાના પરિવારજનોને છથી વધુ દાયકા પછી એમના શહીદ પુત્રની તસવીર જોવાનું સૌભાગ્ય મળ્યું.
– તો આજે મળીએ સુરતના એક અનોખા દેશભક્ત જિતેન્દ્રસિંહ ગુર્જરને.
સવારના સાત વાગ્યા છે. સુરતના પીપલોદ વિસ્તારની સરદાર વલ્લભભાઈ નૅશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી (એસવી એનઆઈટી) સંકુલની સિક્યોરિટી કૅબિનમાં એક ચોકીદાર હાથમાં કલમ પકડીને પોસ્ટકાર્ડ લખી રહ્યો છે. એની આસપાસ ઘણાં બધાં કોરાં પોસ્ટકાર્ડ અને એક બુકમાં લખેલાં ઍડ્રેસ દેખાય છે. મોટી ભરાવદાર મૂછ અને સૈનિક જેવી છટા એના વર્તનમાં ઝળકી રહી છે. સિક્યોરિટીની વરદીમાં ક્યાંક-ક્યાંક ટેભા મારેલા છે, પણ ચહેરા પરનો આત્મવિશ્વાસ ક્યાંયથી ઓછો પડે એવો નથી. ફોન કરો કે રૂબરૂ મળો, એના મોંમાંથી પહેલો શબ્દ એ જ સાંભળવા મળે, જય હિંદ… ને એનો આખો મોબાઈલ શહીદોના ફોટાથી ભરેલો. ચોકીદારીનું કામ કરતાં કરતાં પણ કયા સ્તર સુધી દેશસેવા થઈ શકે એનું એ જીવંત દૃષ્ટાંત છે.
જિતેન્દ્રસિંહ ગુર્જર મૂળ રાજસ્થાનના ભરતપુરના. પિતા રામસ્વરૂપ ભારતીય સેનામાં સિપાહી હતા, તો દાદા કિશનસિંહ તો પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સરકાર વતી લડેલા. ખાનદાની પરંપરા સાથે જિતેન્દ્રસિંહને પણ સેનામાં જ જવું હતું, પણ અમુક કારણસર એ શક્ય ન બન્યું. જિતેન્દ્રને એમાં નિષ્ફળતા મળી, પણ એ હાર એમની દેશભક્તિને પચાવી પાડે એટલી મોટી નહોતી. આર્થિક તંગી દૂર કરવા એમણે નાની-મોટી નોકરી કરી. આ દરમિયાન કારગિલયુદ્ધ શરૂ થયું. ટ્રેનમાંથી ફેંકાયેલા એક અખબારના ટુકડામાં જૂનાગઢના શહીદનો આર્ટિકલ હતો, એમાં શહીદ જવાનના પિતાના નામે લખ્યું હતું કે બેટા ગયા તો ક્યા હુઆ? દેશ તો સલામત હૈ!
આ વિધાને જિતેન્દ્રસિંહના દિલને હલાવી નાખ્યું. બીજું તો કશું ન થઈ શકે, પણ એ પિતાને દિલાસો આપવા અને સલામ કરવા પત્ર તો લખી જ શકાય. એ રીતે એમનો પહેલો પત્ર પહોંચ્યો જૂનાગઢ… ને એ સાથે શરૂ થઈ શહીદપરિવારને પત્ર લખવાની એક પરંપરા. કારગિલમાં શહીદ થયેલા અનેક જવાનોના પરિવારને એમણે પત્રો લખ્યા.
જો કે આ કાર્ય અવિરત થવા પાછળ એક ઘટનાનો ઉલ્લેખ કરતાં જિતેન્દ્રસિંહ ગુર્જર ચિત્રલેખા.કોમને કહે છે: ‘કારગિલયુદ્ધ વખતે એક જવાને યુદ્ધમોરચેથી ઘરે પત્ર લખ્યો કે યુદ્ધ શરૂ થયું છે, પણ હું અહીં સલામત છું. અમે લડાઈથી દૂર છીએ. તમે સૌ કેમ છો એ લખજો… વક્રતા જુઓ, ચિઠ્ઠી પહોંચે એ પહેલાં એ જવાનનો તિરંગામાં લપેટાયેલો મૃતદેહ ઘરે પહોંચ્યો. એનાથી મોટી કરુણતા એ આવી કે મૃતદેહ આવ્યાના ૧૦ દિવસ બાદ એ કાગળ આવ્યો… શું હાલત થઈ હશે એ પરિવારની! બસ, ત્યારથી મેં નક્કી કર્યું કે જવાન દ્વારા લખાયેલી એ આખરી ચિઠ્ઠી નહીં હોય. એમના ઘરે શહીદના નામે પત્ર ચોક્કસ મળશે.’
…ને ત્યાર પછી અત્યારની ઘડી છે, દેશમાં જ્યારે પણ કોઈ શહીદ થાય કે તરત એનું નામ-સરનામું મેળવી જિતેન્દ્રસિંહનો કાગળ ત્યાં પહોંચી જાય. પહેલાં તો સરનામાની શોધ માટે પણ ખૂબ મહેનત પડતી. આજે મોબાઈલ યુગમાં એ હવે સરળ બન્યું છે. આ માટે દરરોજ છાપાં ખરીદવાનાં, એનાં કટિંગ કરવાનાં, સાચવવા માટે ફાઈલિંગ એ રીતે ખર્ચ વધવા લાગ્યા એટલે થોડી વધુ કમાઈના ઉદ્દેશ્યથી ૨૦૦૮થી એ પત્ની અને પુત્ર સમેત પરિવાર સાથે સુરત આવી પહોંચ્યા. વળતર થોડું વધ્યું એટલે એમનું કામ જરાક આસાન બન્યું, પણ હવે પત્રો સાથે શહીદોની માહિતી, ફોટા એકત્ર કરવાનું કામ શરૂ થયું.
અત્યારે જિતેન્દ્રસિંહ પાસે ૨.૭૦ લાખ શહીદોનો ડેટા છે. પ્રથમ વિશ્ર્વયુદ્ધથી હાલના સમયના શહીદોનો એમાં સમાવેશ થાય છે, જેમાં એ તમામની રૅન્ક, સર્વિસ નંબર અને સરનામાં પણ છે. ૨૩,૧૫૬ શહીદોના લેમિનેશન કરેલા ફોટા છે. ૧૫,૫૦૦થી વધુ શહીદપરિવારના મોબાઈલ નંબર છે. અત્યાર સુધીમાં ૯૦૦૦ જેટલા પત્રો એ લખી ચૂક્યા છે. જ્યારે શરૂઆત કરી ત્યારે પોસ્ટકાર્ડની કિંમત ૧૫ પૈસા હતી, હાલમાં ૫૦ પૈસા છે.
વિશ્વયુદ્ધ, લડાઈ, સ્પેશિયલ ઑપરેશન… આ બધી વિગતો એમણે સાલ પ્રમાણે ફાઈલમાં સાચવી છે. તમે કોઈ શહીદનું નામ આપો તો એની રૅન્ક, હોદ્દો, ફોટો બધું જ આપી દે. એની શહીદી વિશેની માહિતી પણ આપશે, પણ મોટી વિટંબણા એ છે કે એક સરસ સંગ્રહાલય બને એટલો આ ડેટા સાચવવા એમની પાસે હવે જગ્યા નથી. અત્યારે તો એ જ્યાં નોકરી કરે છે એ એસ.વી. એન.આઈ.ટી. સંકુલમાં એમને જગ્યા મળી છે, સંચાલકો એમના કામને પ્રોત્સાહિત પણ કરે છે. એમનું સમ્માન અને રાષ્ટ્રીય તહેવારમાં એમની સ્પીચ પણ થાય છે. એમની પાસેથી પ્રેરણા લઈને એક વાર વિદ્યાર્થીઓએ આ જ રીતે શહીદપરિવારોને એક લાખ પત્રો લખ્યા હતા. જિતેન્દ્રસિંહને અમુક સંસ્થાઓ પણ અમુક ખાસ દિવસે મુખ્ય મહેમાન તરીકે આવકારે છે. બજાજ કંપનીએ તો એમનાં કાર્યોથી ખુશ થઈને એમને એક બાઈક પણ ભેટ આપી અને એક વાર ફ્લાઈટની ટિકિટ સાથે શહીદપરિવારના ઘરની મુલાકાતો માટે ટૂર પણ કરાવી.
જિતેન્દ્રસિંહ કહે છે: ‘પત્ર લખવાનું મારું કામ છેલ્લા શ્વાસ સુધી ચાલશે. પત્રો માટે કે ફોટા લેમિનેશન માટે ક્યારેક ક્યારેક કોઈ દેશસેવક આર્થિક સહાય કરતા રહે છે, પણ આ જે ડેટા એકત્ર થયો છે એ સાચવવાની મને ચિંતા છે. જો કોઈ પ્રકારે આના માટે સંગ્રહાલય બને તો આ બધું સચવાઈ જાય. સરકાર કે કોઈ સંસ્થા અથવા સમાજ એની શરતે આગળ આવે એવી ઈચ્છા છે. મને મારા નામની ફિકર નથી. બસ, આ દસ્તાવેજીકરણ ભાવિ પેઢીને પ્રેરણા આપતું રહે એ જ ભાવના છે.’
સુરતમાં શહીદો અને એમના પરિવારો માટે કામ કરતી કેટલીક સંસ્થા છે, તો આ એક અલગ મિજાજી પોતાની રીતે નોખું કામ કરી રહ્યા છે.
જિતેન્દ્રસિંહ એમની મહેચ્છા જણાવતાં ઉમેરે છે: ‘જો પુનર્જન્મ જેવું કશું હોય તો આગલા જન્મમાં મારે સૈનિક બનવું છે.’
(અરવિંદ ગોંડલિયા -સુરત)
(તસવીરો- ધર્મેશ જોશી)





