ફોનની રીંગ ક્યારનીય વાગી રહી હતી પરંતુ અરિંદમ તો અન્યમનસ્ક બનીને એમ જ બેસી રહ્યો હતો. મેજ પર કોરા કાગળો ફરફરી રહ્યા હતા અને એની આંગળીઓ યંત્રવત્ પેન્સિલને રમાડી રહી હતી.
મન જાણે કે શૂન્યમાં ગરક થઈ ગયું હોય એમ કોઈ જ વિચારની રેખાઓ કાગળ પર ઊતરી રહી નહોતી
એક અવ્યક્ત-અકથ્ય પીડાના ભારથી અરિંદમે આંખો મીંચી દીધી પરંતુ એમ કરવાથી તો ઊલટાનાં T.V. પર વ્હેલી સવારે જોયેલાં દૃશ્યો જીવંત થઈને ખડાં થઈ ગયાં.
ગાઝાપટ્ટી પર થઈ રહેલા વિનાશક હુમલાનું રિપોર્ટિંગ આવી રહ્યું હતું. ભોગ બનેલ ઇમારતોનો કાટમાળ, એમાં દબાયેલા—દટાયેલા માણસોની મરણચીસો, જીવ બચાવવા કરેલી જીવલેણ કોશિશોનાં, ભગ્નાવશેષો, બૉમ્બમારાના ભયાનક વિનાશથી હેબતાઈ ગયેલાં બાળકો, રઘવાઈ માતાઓ, સ્વજનોને શોધતા પ્રિયજનોનો વિલાપ, અહીં-તહીં ઊડતાં—ગંધાતાં માનવઅંગો કમકમાટી ઉપજાવી રહ્યાં હતાં.
લડાઈનો અર્થ પણ ન જાણી શકનારાં બાળકોએ જે કંઈ જોયું, અનુભવ્યું હતું એ એટલું તો વિદારક હતું કે હવે પછીથી એ બાળકનો વિકાસ દુનિયાના કેવા નાગરિક તરીકે થવાનો હશે! એના વિશે ઈશ્વર સિવાય કોઈનેય કંઈ ખબર નહોતી!
સળગતાં ઘર – શેરીઓ—સળગતાં સ્વજનો, સળગતાં અરમાનોમાંથી પસાર થયેલ વ્યક્તિ પાસેથી વિશ્વ પ્રેમાળ હોવાની અપેક્ષા કેવી રીતે રાખી શકે ?
અરિંદમ …! બેટા ફોન તો રિસીવ કર! આ શું? સવાર-સવારમાં ચિત્ર કરવા બેસી ગયો છે! ત્યાં T.V. પર પણ યુદ્ધના સમાચારો જ આવે છે…… જોવું જ શા માટે જોઈએ સવાર-સવારમાં આવું બધું!! ચેનલ ફેરવી નાખ જોઉં…’
ઓ…હ…!!!..
લિવિંગરૂમના પેસેજમાં, વોશિંગ મશીનમાં કપડાં નાખતાં નાખતાં માએ અરિંદમને જરાક અણગમાભર્યા સ્વરે કહ્યું.
માના શબ્દો કદાચ અરિંદમના કાનમાં તો રેડાયા પણ મન સુધી ન ગયા હોય એમએ ખુલ્લી બારીમાંથી દેખાતા આકાશને અનિમેષ તાકી રહ્યો. હવે માએ નજીક આવી… ટેબલ પર જરાક હથેળી થપકાવીને, થોડાં ઝૂકીને અરિંદમને કહ્યું:
આશુના મેરેજ ફંક્શનમાં જવાનું છે ને અરિ…? તો! આ બૂઠી પેન્સિલને મૂક બાજુએ અને ઊભો થઈને તૈયાર થા જોઉં… બેઠો છે…! ચિત્ર બનાવવા તે… ચલ… ચલ… ઊઠ જોઉં…’ જરાક ઊંચા સ્વરે કહેવાયેલું વાક્ય અરિંદમને જાણે કે હચમચાવી ગયું!!
માએ રીતસર અરિંદમને ખભામાંથી ઝકઝોળી નાખ્યો. અરિંદમ ઉદાસ નજરે બૂઠ્ઠી પેન્સિલને જોઈ રહ્યો એના અંતરમાં એક એવી અજાણી અણી ભોંકાણી હતી કે માની વાતોથી જાણે કે વિષયાંતર થઈ ગયું પણ તેમ છતાં… પેન્સિલની બૂઠ્ઠી ધાર અણીદાર બનીને અરિંદમની સંવેદનાઓ પર અટ્ટહાસ્ય કરી રહી હતી.
(રેખાબા સરવૈયા)
(લેખિકા હાલમાં પોરબંદર ખાતે એડિશનલ કલેક્ટર તરીકે કાર્યરત છે. ગુજરાતી સાહિત્યમાં લઘુકથાઓ ઉપરાંત કવિતા, વાર્તા અને નિબંધોથી જાણીતું નામ છે.)
