મળો એ ભાઈને, જે ફ્લાઈટ વિના પહોંચ્યા લંડનથી મુંબઈ, પણ કેવી રીતે?

મુંબઈ: હા, એક સમય હતો જ્યારે દેશ વિદેશની મુસાફરી કરવા માટે પ્લેનનો ઉપયોગ નહોતો થતો. પરંતુ શું આજના યુગમાં તમે ફ્લાઈટ વિના વિવિધ દેશોની મુસાફરીની કલ્પના કરી શકો? એનો જવાબ છે હા,કલ્પના પણ કરી શકો અને ધારો તો મુસાફરી ય કરી શકો. મુંબઈના ભાઈએ આ કરી બતાવ્યું છે. મૂળ થાણેના અને હાલમાં યુકેના રેડિંગમાં રહેતા વિરાજીત (વિરાજ) મુંગલે કાર દ્વારા લંડનથી મુંબઈની મુસાફરી ખેડી છે.

 

વિચાર આવ્યો કે એેરક્રાફ્ટ વગર અન્ય દેશમાં કે ભારતમાં પહોંચવું હોય અને માતાને મળવું હોય તો ? જાણ્યું તો ખબર પડી કે ગાડી દ્વારા વિવિધ દેશોની સરહદ પાર કરી ભારત પહોંચવાનો રસ્તો છે. ત્યાર બાદ યુકેથી થાણે ગાડી ડ્રાઈવ કરીને જવાનો અને થાણે પહોંચી માતાને મળવાનો દ્રઢ નિશ્ચય કર્યો. વિવિધ તપાસ કરી કેવી રીતે જવું તેનું પ્લાનિંગ તૈયાર કર્યુ. અગાઉ કોઈ વિશાલ અગ્રવાલ નામની વ્યક્તિ પણ ગાડી દ્વારા મુસાફરી કરી ચૂકી છે. તેમનો સંપર્ક કરી વધુ માહિતી જાણવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાંથી કંઈ વધારે મદદ મળી નહીં. જોકે, આ મુસાફરી કરવી એક સપનાં જેવું બની ગયું હતું અને આખરે એ પૂરું કર્યું…આ શબ્દો છે આઈટી પ્રોફેશનલ વિરાજીત મુંગલેના.

પડકારજનક સફર ખેડનારા વિરાજીત મુંગલેએ ચિત્રલેખા.ડૉટ કૉમ સાથે વાત કરતા જણાવ્યું કે ” લંડનથી શરૂ થયેલી આ યાત્રા પૂર્ણ કરવા માટે મેં 59 દિવસમાં 16 દેશોનો પ્રવાસ કર્યો. ‘SUV’ કાર ચલાવીને 18,300 કિલોમીટરનું અંતર કાપ્યું. બ્રિટન, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, પોલેન્ડ, લિથુઆનિયા, લાતવિયા, એસ્ટોનિયા, રશિયા, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, ચીન, તિબેટ, નેપાળની સરદહ પાર કરીને અંતે હું ભારત પહોંચ્યો. આ પ્રવાસમાં મારી સાથે મારો નેપાળી મિત્ર રોશન પણ હતો. જે નેપાળના કાઠમંડુ સુધી મારી સાથે હતો.”

 

તેમણે ઉમેર્યુ કે 59 દિવસની જર્ની અમે ખૂબ માણી છે. એકદમ ખાલી રસ્તા પર ક્યારેક લાઉડ મ્યુઝિક તો ક્યારેક ડાન્સ કરવાની યાદો ક્યારેય નહીં ભૂલાય. જોકે, ત્રણેક દિવસ થોડા કઠિન રહ્યાં હતાં, જ્યારે અમારે કારમાં જ સૂવું પડ્યું હતું.

17 જૂને થાણે પહોંચેલા વિરાજીતે વધુમાં કહ્યું કે,’હું દરરોજ લગભગ 400-600 કિલોમીટર ડ્રાઇવ કરતો હતો. કેટલીકવાર 1,000 કિમી સુધી પણ કાર ચલાવી હતી, પરંતુ રાત્રે વાહન ચલાવવાનું ટાળીને હંમેશા સલામતીને પ્રાથમિકતા આપી હતી.

વિરાજે જણાવ્યું કે તેણે નોકરીમાંથી બે મહિનાની રજા લીધી અને દરેક દેશમાંથી જરૂરી પરવાનગીઓ અને કાનૂની મંજૂરી લીધી. આ મુસાફરીમાં અનેક પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો. બરફ અને ઠંડી સહિતની આત્યંતિક હવામાન પરિસ્થિતિઓનો સફર દરમિયાન સામનો કરવો પડ્યો હતો. વિરાજે જણાવ્યું કે તે પ્લેન દ્વારા બ્રિટન પરત ફરશે અને શિપ દ્વારા પોતાની કાર પરત મોકલશે.

છે ને ગજબની આ સફર…! લંડનથી મુંબઈના થાણે સુધીની.

 

(કાલાણી નિરાલી-મુંબઈ)