પોતાના રમુજી સ્વભાવથી જીવનના તણાવની ક્ષણોને જોત-જોતામાં ભગાડી દેનાર ડૉ. હર્નિશકાંત પરીખની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ અને અભ્યાસ રાજપીપળામાં, પાંચ ભાઈ, એક બહેનનું કુટુંબ,અત્યારે ભાઈ-બહેનોમાં તેઓ એકલા જ છે! પિતાજી નાના હતા ત્યારે એમનાં વડીલો ગુજરી ગયાં હતાં. તેમણે પોતાના ભાઈબહેનોને મોટાં કરી બહુ હાર્ડશીપમાં જિંદગી કાઢી. દારૂની ફેક્ટરીના એજન્ટ બન્યા, છતાં આખી જિંદગી ચા ચાખી ન હતી! જો કે માતાને “ચા”નો શોખ! આખો વાટકો ભરી ચા પીએ નહીં ત્યાં સુધી તેમની સવાર ઊગે નહીં!
રાજપીપળાથી એસએસસી કરી સુરત કોલેજમાં કમ્બાઇન એલોપેથી અને આયુર્વેદનો કોર્સ કરી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં જોબ લીધી. પછી અમદાવાદમાં લેબર-હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કર્યું. ત્યારબાદ વડોદરા (દશરથ) અને પછી પોતાનું ક્લિનિક કર્યું. થોડા સમયમાં પ્રેક્ટિસ બંધ કરી ભરૂચ(ગરુડેશ્વર)માં પંચાયતમાં મેડિકલ-ઓફિસર તરીકે અને પછી નેત્રંગમાં ભરૂચ નગરપાલિકામાં દસ વર્ષ કામ કર્યું. ઝઘડિયાની કન્યા સાથે 1959માં લગ્ન કર્યા. પત્ની એમએસસી ભણેલા અને કોલેજમાં લેક્ચરર તરીકે કામ કરતાં હતાં.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
રાતના 11 વાગ્યા સુધી વાંચન અને ટીવી ચાલે. અનિંદ્રાનો રોગ એટલે સવાર મોડી પડે. 8:00 વાગે ઊઠે, જાતે ચા બનાવે, પછી છાપુ અને ટીવી. હજી પ્રેક્ટિસ ચાલુ છે. જરૂરિયાત પ્રમાણે ઘરમાંથી પ્રેક્ટિસ કરે છે. આખો દિવસ મેડિકલનું વાંચે, GOOGLE કરે, નવી-નવી વસ્તુઓ અને દવાઓ જાણે અને શોધે!
શોખના વિષયો :
જૂના હિન્દી ગીતો બહુ ગમે. રોજ રાત્રે એક કલાક જૂના હિન્દી ગીતો સાંભળે. મુકેશ-મન્ના ડે ફેવરિટ કલાકાર, ક્લાસિકલ સંગીત પણ ગમે. પ્રવાસ કરવો બહુ ગમે. આખા ભારતમાં ફર્યા છે. દીકરી સાથે 81 વર્ષે યુરોપનો પ્રવાસ પણ કર્યો છે!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
બાળપણથી અખાડામાં જતા, અત્યારે પણ કસરતની ટેવ છે. રોજ 40-45 મિનિટ કસરત કરે, ખાવા-પીવામાં ઘણું સાચવે. ઘણી વસ્તુઓની એલર્જી ડેવલોપ થઈ છે. તજ-લવિંગ-કાંદા-લસણ ખવાતા નથી. ઘણી એલોપેથી ડ્રગ્સની એલર્જી છે. બીપી/ડાયાબિટીસ જેવો કોઈ મોટો રોગ નથી, ક્યારેક હાઈપર-એસિડિટી થાય છે. 86 વર્ષે એક પગનું ઓપરેશન કરાવ્યું ત્યારે બધાનો વિરોધ હતો, પણ જમાઈએ સપોર્ટ આપ્યો! એક કાનનું ઓપરેશન કરાવ્યું છે.
યાદગાર પ્રસંગ:
બીજાને હસાવે અને જાતે હસે! જિંદગીમાં ઘણી તકલીફો આવી છે, ઘણા અપ્સ-અને-ડાઉન્સ આવ્યા છે, હવે લાંબો વિચાર કરતો નથી. વર્તમાનમાં જ જીવે છે. મોટી દીકરીએ પારસી સાથે લગ્ન કર્યા છે. શરૂઆતમાં બંને કુટુંબમાં વિરોધ હતો પણ હવે બહુ સરસ સંબંધો છે. નાની દીકરીના લગ્નમાં પણ ઘણી તકલીફો આવી હતી. દીકરો બહુ હોંશિયાર, CEPTમાંથી સરસ રીતે અભ્યાસ કરી આર્કિટેક થયો, સ્વીઝરલેન્ડ ભણવા ગયો. દુબઈમાં જોબ કરતો હતો પણ એના મગજમાં ટ્યુમર ડેવલપ થઈ. મુંબઈ ડોક્ટર ભગવતીને બતાવ્યું. ત્રણ વાર ઓપરેશન કર્યું, પણ તેની 54 વર્ષની ઉંમરે તે ભગવાનને ઘેર સિધાવ્યો. HE WAS A WONDERFULL PERSON!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?:
રોજ કલાકો સુધી ગુગલિંગ કરે છે. મેડિકલની રીસન્ટ ડેવલપમેન્ટ્સ વાંચે, દવાઓના ઓપ્શન્સ શોધે, નવા મોલેક્યુલ્સ વિશે માહિતી મેળવે. આજના ડોક્ટરો પણ નથી કરતા તેવો ડિપ સ્ટડી તેઓ ટેકનોલોજીની મદદથી કરે છે. જમાઈ તેમના વખાણ કરતા થાકતા નથી!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
ત્યારના દેશી-ઘી અને અત્યારની ટ્રાન્સફેટ વાળી ચરબીમાં જેટલો ફેર હોય તેટલો ફેર ત્યારમાં અને અત્યારમાં છે! ફાસ્ટ-ફૂડની લારીઓ વધી રહી છે અને ઘરનું ખાવાનું ઘટી રહ્યું છે! ગુજરાતીઓ ફરસાણ ખાય અને તેલ વારંવાર ગરમ થાય એટલે એ તેલ પેટમાં ઝેરનું કામ કરે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
તેમનાં દર્દીઓ ત્રણ-ચાર પેઢી સુધી તેમની સાથે હોય! તેઓ માત્ર દર્દીઓની નહીં પણ આખા કુટુંબની ટ્રીટમેન્ટમાં ઇન્વેસ્ટ કરે! દવાનું ટ્યુનિંગ થાય ત્યાં સુધી ખાણી-પીણી, રહેણી-કરણીની માહિતી મેળવે. દર્દીઓને આ બહુ ગમે છે. આટલું બધું કરવા માટે આજે સમય કોની પાસે છે? પેઢી-દર-પેઢીના દર્દીઓ તેમની પાસે હોય. તેઓ સાસુ-વહુના પ્રશ્નો પણ સાંભળે અને સોલ્વ કરે! આવા ડોક્ટરો ક્યાં મળે જે ચાર પેઢીથી કુટુંબની દવા કરતા હોય! કુટુંબના સભ્યો કરતાં તેમને કુટુંબની હિસ્ટ્રી વધારે ખબર હોય!
સંદેશો :
યુવાનોએ ક્યારેય શોર્ટ-કટ શોધવા નહીં. શાંતિથી જીવવું હોય તો રમુજી સ્વભાવ રાખવો. વર્તમાનમાં જીવવું અને ભૂલો રીપીટ ન થાય તેનું ધ્યાન રાખવું.