ચિત્રકલા, ગરબા, ગુંથણ-સીવણ જેવી અનેક કલાઓમાં પારંગત, નિર્ભય વિચારધારા ધરાવનાર અને કુશળ ગૃહ-લક્ષ્મી એવાં ચંદ્રિકાબેન જોધાણીની વાત સાંભળીએ તેમની પાસેથી
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
તેમનો જન્મ અમદાવાદમાં થયો. બાળપણ સાંકડી-શેરીમાં પસાર થયું. પિતા દાંતના જાણીતા ડોક્ટર….ડોક્ટર પટણી, ઝવેરીવાડમાં દવાખાનું. ચાર ભાઈ અને પાંચ બહેનનું કુટુંબ. ચંદ્રિકાબહેન ભણવામાં હોશિયાર હતાં એટલે એસએસસી અને પછી એસટીસી ભણ્યાં. અભ્યાસ પછી બાળ-મંદિરમાં શિક્ષીકાની નોકરી લીધી. નાની-બહેનોનાં લગ્ન થઈ ગયાં. જમાના પ્રમાણે તેમના બાળ-વિવાહ પણ થઈ ગયા હતા, પરંતુ ઓછું ભણેલા પાત્ર સાથે લગ્ન કરવાનું ચંદ્રિકાબેનનું મન હતું નહીં. ‘ભણેલી છોકરી અભણ છોકરાને કેમ પરણે?’ એમ વિચારી નાતના વડીલોએ પણ સાથ આપ્યો. આજની યુવતીઓને પણ શરમાવે તે રીતે પાંચ વર્ષ ડેટિંગ કરી તેમણે આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કર્યાં અને ઈર્ષા આવે તેવું દાંપત્ય જીવન જીવ્યાં. લેખક-વિચારક ‘જયભિખ્ખુ’ની સહાયથી અને એકદમ સાદગીથી આર્યસમાજની વિધિથી નાત-બહાર લગ્ન કર્યાં. સ્વાતંત્ર-સેનાની સસરા મનુભાઈ જોધાણીના ઘરેથી પૂરેપૂરો સાથ મળ્યો.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
તેઓ સવારે છ વાગે ઊઠી, ચા પાણી કરી, છાપુ જુએ. પછી સેવા પૂજા કરે. માળા ફેરવે અને વાંચન કરે. ખોડિયાર માતામાં અખૂટ શ્રદ્ધા છે. રસોડામાં થોડી મદદ કરે. વહુએ રસોડું સંભાળી લીધું છે એટલે તેમણે રસોઈ કરવી છોડી દીધી છે! બપોરે જમીને આરામ કરે, ટીવી જુએ, રસોઈ-શો જોવો બહુ ગમે છે. સીવણ અને ભરત-ગુંથણ કરે, કલર-કામ કરે. ચાકળા બનાવવા બહુ ગમે. ઘણાં ચાકળા બનાવ્યા છે. પહેલા તો બાળકોને ટ્યુશન પણ આપતાં. આખો દિવસ મનગમતા કામમાં પ્રવૃત્ત રહે છે.
શોખના વિષયો :
ક્રોસવર્ડ ભરવા,અંતાક્ષરી રમવું, ગરબા મંડળમાં જવું, વાંચન કરવું , સીવણ અને ભરત-ગુંથણ કરવું, કલર-કામ કરવું, ટીવી જોવું જેવા અનેકવિધ શોખથી તેઓ જીવંત છે!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તેમને હાઈ બ્લડ પ્રેશર છે, પણ તેઓ ઘરમાં હરતાં-ફરતાં છે. વર્ટીગોની તકલીફને લીધે થોડો સમય તબિયત નાદુરસ્ત રહી પણ મજબૂત મનોબળથી સ્વાસ્થ્ય સારું છે. વહુ બહુ સાચવે છે. આવાં દીકરા-વહુ આ જમાનામાં મળે નહીં! બે વર્ષ પહેલાં જ પતિનું અવસાન થયું એટલે તેમની ગેરહાજરી બહુ સાલે છે. ચંદ્રિકાબહેનને એક પુત્ર, બે પુત્રી છે. એક દોહિત્રી, એક દોહિત્ર અને બે પૌત્રીઓ છે.
યાદગાર પ્રસંગ:
કુટુંબની દીકરી માટે છોકરો જોવા દિલ્હી ગયાં હતાં. તે સંબંધમાં તો વાત આગળ ચાલી નહીં પણ બાજુના ઘરમાં રહેતી દીકરી તેમને વહુ તરીકે પસંદ પડી ગઈ અને પોતાના દીકરા માટે વહુ લઈ આવ્યાં! પરનાતની વહુ હોવા છતાંય વિસ્તારી કુંટુબનાં શીખેલાં વહાલ થકી સાસરીમાં બધાને પોતાનાં કરી લીધા.
પહેલાં સંયુક્ત-કુટુંબમાં મોટા બંગલામાં રહેતાં હતાં. સમય જતાં કંઈક ગેરસમજને કારણે, નાની-અમથી વાતમાં બોલચાલ થતાં, મોટું ઘર છોડી એક રૂમના નાના ઘરમાં રહેવા જતાં રહ્યાં. એ નાના ઘરમાં જ છોકરાંઓને ભણાવ્યાં-ગણાવ્યાં. પ્રેમલગ્નના પતિએ પૂરેપૂરો સાથ આપ્યો. પતિને મિલની રાતપાળીની નોકરી હતી. એ ચાર વર્ષનું જીવન બહુ આકરું હતું, પણ હિંમતથી તે સમય પસાર કર્યો. સાસુ-સસરાએ પણ સાથ આપ્યો.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
ટેકનોલોજી માટે પોઝીટીવ છે. youtube અને ટીવી ઉપર જૂનાં ગીતો જાતે જોઈ લે છે, સાંભળી લે છે. મોબાઇલનો ઉપયોગ પણ સારી રીતે કરી જાણે છે. ઈન્ફ્લુએન્સર દોહિત્રીની સોશીયલ મિડીયા ગતિ-વિધિથી વાકેફ રહે છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
તે સમયે મહિલાઓ જાતે ઘરકામ કરતી, એકબીજા સાથે હળતી-મળતી અને આનંદમાં સમય પસાર કરતી.હવે કોઈને જાતે કામ કરવું નથી, સાથે રહેવું ગમતું નથી. સ્વતંત્ર રહેવું છે. તેમનું કહેવું છે કે થોડું લેટ-ગો કરો અને સહન કરો પણ સાથે રહો!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
યુવાનો સાથે મર્યાદિત સંપર્ક છે. પુત્રના મિત્રો સાથે બહુ ફાવે! બધા માસી-માસી કહી બોલાવે! ગાર્ડનમાં ફરવા પણ લઈ જાય! દાદાને પણ પૌત્ર-પૌત્રી સાથે બહુ ફાવતું. અમેરિકાસ્થિત દોહિત્ર સાથે અમેરિકામાં ગાળેલાં વેકેશનમાં મનગમતી રમતો રમ્યાં છે અને ભારતીય સંસ્કાર શીખવ્યાં છે.
સંદેશો :
થોડું લેટ-ગો કરી, થોડું સહન કરીને પણ મા-બાપને સાચવો અને તેમની સાથે રહો.