ભારતનો સમુદ્રી ઈતિહાસ હમેંશાથી ખૂબ જ સમૃદ્ધ રહ્યો છે. હજારો વર્ષોથી ભારતના વેપારીઓ દરિયાઈ માર્ગે આફ્રિકા, મિડલ ઈસ્ટ અને છેક યુરોપના વિવિધ પ્રાંતની સફર કરતા હોવાના ઘણા પૂરાવા મળે છે. મહારાષ્ટ્રમાં આવેલ અજંતાની ગુફાઓના વિશ્વવિખ્યાત ભીંતચિત્રોમાં પણ ભારતના આ બહાદુર ખલાસીઓના કિસ્સાઓનું વર્ણન જોવા મળે છે. અહીં ચિત્રોમાં ખલાસીઓ કયા દેશનો પ્રવાસ કરતા તેના વર્ણન ઉપરાંત તેઓ એ સમયે કયા પ્રકારનું વહાણ લઈને દરિયો ખેડતા તેનો પણ ઉલ્લેખ જોવાં મળે છે.
ભારતના વડાપ્રધાનના આર્થિક સલાહકાર અને સુપ્રસિદ્ધ લેખક સંજીવ સાન્યાલે પણ પોતાના અજંતાના પ્રવાસ દરમિયાન આપણા સમૃદ્ઘ વારસાને દર્શાવતા આ ચિત્રો જોયા હતા. આ ચિત્રોમાં એ સમયે વપરાતા વહાણનું ખૂબ સરસ વર્ણન હતું, જે જોઈને સંજીવ સાન્યાલ ખૂબ પ્રભાવિત થયા હતા. માટે તેમને આ ચિત્રમાં જોવા મળતું વહાણ બનાવડાવાનો વિચાર આવ્યો અને ૧૭ ડિસેમ્બર ૨૦૨૧માં વડાપ્રધાન તરફથી તેની મંજૂરી પણ મળી ગઈ. મિનિસ્ટ્રી ઓફ કલ્ચર તરફથી આ જહાજ માટે ખાસ બજેટ પણ ફાળવવામાં આવ્યું. જહાજનું નામ નક્કી થયું INSV (ઈન્ડિયન નેવી સેલિંગ વ્હીકલ) કૌડિન્ય. સદીઓથી ભારત અને ઓમાન વચ્ચે દરિયાઈ માર્ગે વેપાર થતો આવે છે. માટે એક વાર આ વહાણ તૈયાર થઈ જાય એટલે તેને ભારત તરફથી મિત્રતાના સંદેશ તરીકે ઓમાન મોકલવું તેવું પણ નક્કી થયું.
છેક પાંચમી સદીમાં વપરાશમાં લેવાતા વહાણને આજના સમયમાં તૈયાર કરવું ભારે જટિલ સાબિત થાય તેમ હતું. કારણ કે આજથી પાંચ સદી પહેલા ન કોઈ ટેકનોલોજી હતી, ન વીજળી, કે ન કોઈ મોડર્ન મશીનરી. છતાં ભારતના ખલાસીઓ મજબૂત જહાજ બનાવી તેનાથી હજારો કિલોમીટરની દરિયાઈ સફર કરતા હતા. માટે પહેલા તો સંજીવ સાન્યાલે પોતાના સ્તરે તપાસ શરૂ કરી. સૌથી પહેલા તો આ પ્રકારનું જહાજ કોણ બનાવી આપે તે પ્રશ્ન ઉભો થયો અને તેના જવાબ હતો ગોવા સ્થિતિ એક ખાનગી કંપની હોડી ઈનોવેશન. આ કંપની મોડર્ન છતાં કુદરત માટે નુકસાનકારક સાબિત ન થાય તેવા જહાજ બનાવવા માટે જાણીતી છે.
વહાણ બનાવવાનું કામ તો સોંપાય ગયું, પંરતુ આજના સમયમાં આ પ્રકારનું જહાજ બનાવનારો કારીગર ક્યાંથી શોધવો? થોડી શોધ બાદ કારીગર મળ્યો પણ ખરો. કેરળ સ્થિત બાબુ શંકરન નામના એક કારીગરે આ પ્રકારનું પારંપરિક વાહન બનાવી આપવાની સંમતિ દર્શાવી. છેક ઓમાન સુધી આ પ્રકારના વહાણને પહોંચાડવું સરળ નથી. માટે જહાજની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કામ સોંપાયું ભારતીય નૌકાદળને. સાથે નૌકાદળના કેટલાક ચુનિંદા કમાન્ડરો અને ખલાસીઓ જ આ જહાજને ઓમાન સુધી લઈ જશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો. જુલાઈ ૨૦૨૩માં આ હોડીની ફાઈનલ કોન્ટ્રાક્ટ સાઈન કરવામાં આવ્યો અને ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૩થી બાબુ શંકરન અને તેમના સાથીદારોએ હોડી ઈનોવેશનના ગોવા સ્થિત શિપયાર્ડમાં કામ શરૂ કર્યું.
આજથી બે હજાર વર્ષ પૂર્વે જહાજ બનાવવા ખિલીનો ઉપયોગ કરવામાં આવતો ન હતો. માટે જહાજનું માળખું પણ ધાતુના ખીલા, બોલ્ટ અથવા સ્ક્રૂ વગર બનાવવામાં આવ્યું છે. તેના બદલે લાકડાના પાટિયાને નાળિયેરના રેસામાંથી બનેલ દોરડાનો ઉપયોગ કરીને એકાબીજા સાથે જોડી દેવામાં આવ્યા છે. જ્યાર બાદ પાટિયા વચ્ચેની જગ્યામાં કુદરતી રેઝિન, તેલ અને કપાસ ભરી જહાજના માળખાને વોટરપ્રૂફ બનાવી દેવામાં આવ્યું છે. ભારતમાં વર્ષોથી ઉપયોગમાં લેવાતી આ ટાંકાઈ પદ્ધતિ તૂતકને સંપૂર્ણ રીતે લવચીક બનાવે છે, જેથી સમુદ્રના મોજાનો પ્રતિકાર કરવાને બદલે જહાજ તેનો માર શોષી લેવા સક્ષમ બને છે.
કૌડિન્ય સંપૂર્ણપણે પવન-સંચાલિત વહાણ છે અને તેમાં કોઈપણ પ્રકારનું એન્જિન લગાડવામાં આવ્યું નથી. તેની ગતિવિધિ ફક્ત હવાના પ્રવાહ, પરંપરાગત ચોરસ સઢ અને હલેસા પર આધાર રાખે છે. આ જહાજમાં આજના સમય જેવા ત્રિકોણ સઢની જગ્યાએ ચોરસ આકારના વિશાળ સઢ ઉપયોગમાં લેવામાં આવ્યા છે. જહાજની દિશા બદલવા માટે પણ ખાસ પ્રકારના લાકડાના પાટિયાની ઉપયોગ કરાયો છે. તેમજ જહાજને રોકવા હડપ્પન શૈલીનું ખાસ પથ્થરનું બનેલું લંગર પણ આ જહાજ પર છે. કૌડિન્યમાં સફર દરમિયાન ખલાસીઓની જરૂરિયાતનો તમામ સામાન પણ પાંચમી સદીમાં જે રીતે સંઘરવામાં આવતો એ રીતે વિશાળ કદના માટલા, પટારા અને લાકડાના ડ્રમમાં ભરવામાં આવ્યો છે. ખલાસીઓને નિત્યક્રમ પતાવવા અહીં જહાજના તૂતક પર લટકતું એક પોર્ટેબલ ટોયલેટ પણ છે.
આ જહાજનો આકાર અને ગોઠવણી સાંસ્કૃતિક અને પુરાતત્વીય પુરાવાઓ, ખાસ કરીને પ્રાચીન કલામાંથી પુનઃનિર્માણ કરવામાં આવી હતી. નૌકાદળના આર્કિટેક્ટ્સ અને ઈતિહાસકારોએ ચોક્કસ બ્લુપ્રિન્ટ્સની ગેરહાજરી હોવા છતાં અજંતાની ગુફાના ભીંતચિત્રો અને અન્ય સ્ત્રોતોમાંથી વિગત મેળવી જહાજની ડિઝાઈન તૈયાર કરી છે. જ્યાર બાદ દરિયાઈ યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે આધુનિક હાઈડ્રોડાયનેમિક મૂલ્યાંકન દ્વારા સંપૂર્ણ માળખાની ભૂમિતિને તૈયાર કરવામાં આવી છે.
ફેબ્રુઆરી ૨૦૨૫માં આ જહાજ તૈયાર કરી તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. જ્યારબાદ ૧૫મી મેના દિવસે તેને નૌકાદળના કેરળમાં આવેલા કારવાર હાર્બર પર લઈ જવામાં આવ્યું હતું. જ્યાં ૨૧મી મેના રોજ નૌકાદળે આ જહાજને સત્તાવાર રીતે તેમના કાફલામાં સ્થાન આપ્યું હતું. નૌકાદળ માથે આ જહાજની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી હતી. માટે તેમણે વિવિધ સ્તરે આ જહાજની મજબૂતી ચકાસી જોઈ. નૌકાદળના ખલાસીઓએ આઈઆઈટી મદ્રાસની મદદથી દરિયાઈ તોફાન સામે જહાજ ટકશે કે નહીં તેનું પણ પરીક્ષણ કરી જોયું અને દિવસ તેમજ રાતના સમયે આ જહાજ ચલાવવામાં કેવી સમસ્યાઓ આવે છે તેનો પણ અંદાજ લગાડવામાં આવ્યો છે.
વિવિધ પરીક્ષામાં સફળ થયા પછી ૧૩મી ડિસેમ્બરે INSV કૌડિન્યને પોરબંદર લાવવામાં આવ્યું. જ્યાંથી ૨૯ ડિસેમ્બરના દિવસે આ જહાજને વેસ્ટર્ન કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ વાઈસ એડમિરલ કૃષ્ણ સ્વામિનાથનના હાથે ફ્લેગ ઓફ કરી ઓમાન તરફ રવાના કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભારતમાં ઓમાનના એમ્બેસેડર ઇસા સાલેહ અલ શિબાની પણ હાજર રહ્યા હતા. પોરબંદરના કંઠેથી ૧૩ ખલાસીઓ અને ચાર ઓફિસર સાથે રવાના થયેલા આ જહાજના કમાન્ડર ઈન ચીફ તરીકે જહાજના નિર્માણમાં શરૂઆતથી સામેલ કમાન્ડર વાય. હેમંતકુમારને પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે કમાન્ડર વિકાસ શેરોન જહાજના સ્કીપરની ફરજ નિભાવશે. આ સંપૂર્ણ યાત્રા દરમિયાન INSV કૌડિન્યમાં સવાર નૌકાદળના અધિકારીઓ અને ખલાસીઓની જરૂરિયાત તેમજ સુરક્ષાની જવાબદારી ગોવા સ્થિત ઈન્ડિયન નેવી ઓશન સેલિંગ નોડની છે.
૧૪૦૦ કિમોમીટરની સફર કરી આશરે ૨૨ દિવસે INSV કૌડિન્ય ઓમાન પહોંચશે તેવી સંભાવના છે. મજાની વાત તો એકે સંજીવ સાન્યાલ પોતે પણ આ જહાજમાં બેસી ઓમાન જવા રવાના થયા છે. ઓમાન અને ભારત વચ્ચે પાછલા ૭૦ વર્ષથી વેપાર સબંધો છે. આમ તો આઝાદી પૂર્વે પણ ઓમાન સાથે આપણો વેપાર સદીઓ જૂનો છે. સુપ્રસિદ્ધ સિલ્ક રૂટનો પણ ઓમાન મહત્વપૂર્ણ ભાગ રહ્યું છે અને ભારતથી મસાલા, કાપડ, ચંદન, સિલ્ક વગેરે માલસામાન ઓમાનના રસ્તે જ યુરોપ મોકલવામાં આવતો હતો. એટલે જ ઈતિહાસને પુનર્જીવિત કરનારા આ જહાજને ઓમાન મોકલવાનો નિર્ણય લેવાયો છે. ૨૦-૨૫ દિવસના સફરે ઓમાન પહોંચ્યા પછી આ જહાજ ભારત પાછું ફરશે.
કોણ હતા કૌડિન્ય?
કૌડિન્ય પાંચમી સદીમાં થઈ ગયેલ ભારતીય ખલાસી હતા. તેઓ દક્ષિણપૂર્વ એશિયામાં દરિયાઈ યાત્રા કરનાર પ્રથમ ભારતીય પ્રવાસી તરીકે જાણીતા છે. કંબોડિયન અને વિયેતનામની લોકવાયકા અનુસાર, કૌડિન્યની યાત્રાને કારણે જ ફનન સામ્રાજ્યની રચના થઈ હતી અને તેના કારણે જ દક્ષિણપૂર્વ એશિયાઈ સંસ્કૃતિમાં ભારતનો પ્રભાવ જોવા મળે છે. ભારતમાં જોકે કૌડિન્ય વિશે કોઈને સાંભળ્યું હોય તેની શક્યતા ઓછી છે. દક્ષિણપૂર્વ એશિયાના અમુક દેશમાં તો કૌડિન્યના પૂતળા પણ છે. પાંચમી સદી અને તેની આસપાસના સમયગાળા દરમિયાન ઘણા ભારતીય ખલાસીઓ દુનિયાના વિવિધ ભાગનો પ્રવાસ કરતા હતા. આ જ કારણોસર સંભવતઃ ભારતથી છેક ન્યૂ ઝિલેન્ડ સુધી લંબાતા સમુદ્રને હિન્દ મહાસાગર ગણવામાં આવે છે.
(નિતુલ ગજ્જર- વડોદરા)


