સાનંદાશ્ચર્ય! ભારતીય ખાણું વિશ્વપ્રિય થઈ રહ્યું છે!!!
ભારતીય વાનગી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રિય વાનગીઓમાંની એક છે. આ વાનગીઓ તેમાં નાખવામાં આવતા સુગંધિત મસાલા અને સમૃદ્ધ ગ્રેવી સાથેના સ્વાદ સાથે કોઈપણ સ્વાદરસિયાના દાઢે વળગે એવી હોય છે.
બહુ જ આનંદની વાત છે કે, ભારતીય વિવિધ વાનગીઓ વિદેશમાં પણ દિન-પ્રતિદિન લોકપ્રિય થતી જાય છે. આ વાત સોશિયલ મીડિયા પર વિદેશીઓ દ્વારા મૂકવામાં આવેલા વીડિયો તેમજ તેમાં તેમણે કરેલી ટિપ્પણી દ્વારા પ્રતીત થાય છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા આ વીડિયોમાં ભારતીય વ્યંજન ખાતાંવેંત તેમના ચહેરા પર જે હાવભાવ જોવા મળે છે. તે જોતાં જ ખ્યાલ આવી જાય છે કે, તેઓ ભારતીય ભોજનના રસિયા થઈ રહ્યાં છે!
થોડા દિવસ અગાઉ એક કોરિયન ફૂડ વ્લોગરે પોતાના માતા-પિતાને ભારતીય ભોજન ખવડાવ્યું. ત્યારે ભારતીય ભોજન ચાખતાં જ તેમના માતા-પિતા જે હૃદયસ્પર્શી પ્રતિક્રિયા આપે છે. તેનો તેમણે વીડિયો શૂટ કરીને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂક્યો હતો.
જ્યારે પણ તમે ભારતીય ભોજન રાંધો છો, ત્યારે તે આખા ઘરને સુગંધથી ભરી દે છે. આ જ વાતને લઈને તાજેતરમાં દુબઈ સ્થિત ટ્રાવેલ કન્ટેન્ટ ક્રિએટર એક મહિલા સાસએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણી પોતાના ભારતીય પડોશી માટે થોડી નફરત બતાવે છે. પણ સાથે એ કબૂલાત પણ કરે છે કે, તેમના રસોડામાંથી આવતી સ્વાદિષ્ટ ગંધનો પ્રતિકાર તે કરી શકતી નથી. ક્લિપમાં, તેણીને એમ કહેતી સાંભળી શકાય છે, ‘મને ભારતીય પડોશીઓ રાખવાથી ધિક્કાર છે, તમે જાણો છો કેમ? કારણ કે, જ્યારે પણ હું કચરો બહાર લાવું છું અને તેમના ફ્લેટ પાસેથી પસાર થાઉં છું. ત્યારે તેમના રસોડામાંથી ખૂબ જ સરસ સુગંધ આવતી હોય છે. આજે તો કોઈક વાનગીની બહુ જ વિશેષ સુગંધ આવી રહી હતી. તેથી મારાથી રહેવાયું નહીં અને મેં તેમના દરવાજા ખટખટાવ્યા, મેં તેમને પૂછ્યું કે, તેઓ કઈ વાનગી રાંધી રહ્યાં છે. તો તેઓએ તેમણે બનાવેલી વાનગીની ડિશ મને આપી.’
દુબઈ સ્થિત ટ્રાવેલ કન્ટેન્ટ ક્રિએટર મહિલા સાસએ તેમના ભારતીય પડોશીના રસોડામાંથી પાઉંભાજી ચાખી અને તેણીએ પોતાની પ્રતિક્રિયા સાથેનો આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂક્યો છે. તે જાડી ગ્રેવીથી ભરેલો બાઉલ બતાવે છે જેમાં ભાજી હોય તેવું લાગે છે. તેણી કહે છે, ‘કૃપા કરી આને જુઓ. આ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાચું કહું તો થોડું મસાલેદાર લાગી રહ્યું છે. તે તીખું હોવાનો મને ડર લાગે છે. પરંતુ તેઓએ કહ્યું કે તે મસાલેદાર નથી.’ પછી તેણીએ બે ટોસ્ટેડ પાવ દર્શાવતા કેમેરાને પેન કર્યો. બનથી પ્રભાવિત થઈને, વ્લોગર કહે છે, ‘શું આપણે આ ભવ્ય બ્રેડની પ્રશંસા કરવા માટે થોડો સમય કાઢી શકીએ.’ તે બનનો ટુકડો ગ્રેવીમાં બોળે છે અને તેનો સ્વાદ લે છે. વાનગીની સમીક્ષા કરતી વખતે, તેણી કહે છે, ‘મારા ભગવાન, બ્રેડ સાથે કરી. વાહ, મને આ રેસીપી જાણવાની જરૂર છે. નહિંતર, હું દરરોજ તેમના રસોડામાં દોડી જઈને નવી વાનગીઓ માટે તેમને હેરાન કરીશ! આ કેટલું સરસ છે! આ ગ્રેવી અથવા કરી એટલી જાડી છે. પણ તેનો સ્વાદ બહુ જ અદ્ભુત છે! એક જ સમયે આટલા બધા ફ્લેવર્સ!!! ઓહો, હું તેની ખૂબ જ મોટી પ્રશંસક બની ગઈ છું!
વીડિયોનો કોમેન્ટ્સ વિભાગ અનેક મનોરંજક કોમેન્ટસથી ભરેલો છે.
એક જણે લખ્યું ‘તેણે તમને પાઉંભાજી ખાવા આપી?’
બીજાએ લખ્યું, ‘જો તમે તમારા ભારતીય પડોશીઓ સાથે મિત્રતા કરો છો. તો તમારી પાસે જીવનભર ઉત્તમ ખોરાકનો પુરવઠો ચાલુ રહેશે અને તે માટે તમારે ક્યારેય તેમને પૂછવું નહીં પડશે. તેઓ જ્યારે પણ સારી વાનગી રાંધશે ત્યારે તે નવીન વાનગીથી ભરેલી પ્લેટ તેમના બાળકોને હાથે તમારા માટે મોકલશે. અમે ભારતીય છીએ, અમને શેર કરવાનું ગમે છે!’
અન્ય એકે લખ્યું ‘ભારતીયો હંમેશા દરેકનું દિલ જીતે છે.’
એક યુઝરે તો વ્લોગરની જ લાગણી શેર કરતાં થોડાક હળવા મૂડમાં લખ્યું, ‘મને ભારતીય પડોશીઓ માટે નફરત છે. તેઓ ખૂબ જ સરસ છે. અને તેઓ મને ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન આપે છે.’
દુબઈ સ્થિત ટ્રાવેલ કન્ટેન્ટ ક્રિએટર મહિલા સાસએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલો આ વીડિયો જોવા નીચે આપેલી લિન્કનો ઉપયોગ કરો.