જે સવારથી આકાશ ધૂંધળું હતું. પરિણામે ઉગતો સૂર્ય પણ સામાન્ય દિવસ કરતાં અલગ દેખાતો હતો. હવામાં ધુમાડાની ગંધ અનુભવાતી હતી. તેના કારણે ઘણા લોકોને આંખમાં બળતરા, ગળામાં ખંજવાળ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.
ખાસ કરીને અસ્થમા, હૃદયરોગ અથવા શ્વાસની બીમારી ધરાવતા લોકો માટે આ સ્થિતિ વધુ જોખમી બની શકે છે. તેથી શક્ય હોય તેટલું ઘરની અંદર રહેવા તથા બારીઓ અને દરવાજા બંધ રાખવાની સલાહ આપવામાં આવી.
ગયા વર્ષે પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. તેનું મુખ્ય કારણ કેનેડા અને ઉત્તર અમેરિકાના જંગલોમાં લાગેલી ભયાનક વાઇલ્ડફાયર હતી. આ આગમાંથી નીકળતો ધુમાડો હજારો કિલોમીટર સુધી પવન સાથે ફેલાય છે અને અમેરિકાના અનેક રાજ્યો સુધી પહોંચી જાય છે.
આ ધુમાડામાં રહેલા ૨.૫ માઇક્રોનથી પણ નાના સૂક્ષ્મ કણો (PM2.5) અને કાર્બન મોનોક્સાઇડ જેવા પ્રદૂષકો સીધા ફેફસાં સુધી પહોંચી શકે છે.
કેટલાક કણો લોહીના પ્રવાહમાં પણ પ્રવેશી શકે છે, જેના કારણે શ્વાસ, હૃદય જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
આ વર્ષે ઘણા વિસ્તારોમાં અસામાન્ય ગરમી, ઓછો વરસાદ અને સૂકા પવનોને કારણે જંગલો અત્યંત સૂકા બની ગયા હતા. આવી પરિસ્થિતિમાં વાઇલ્ડફાયર ઝડપથી ફેલાય છે.
વધતું જતું તાપમાન, ઓછો વરસાદ અને સૂકા જંગલોને કારણે વિશ્વના ઘણા ભાગોમાં વાઇલ્ડફાયરની સંખ્યા, તેની તીવ્રતા અને સમયગાળો સતત વધી રહ્યા છે. આજે કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ગ્રીસ, પોર્ટુગલ સહિત અનેક દેશો માટે વાઇલ્ડફાયર એક ગંભીર પર્યાવરણીય પડકાર બની ગયો છે.
અમેરિકા વિશાળ જંગલ વિસ્તાર ધરાવે છે. તેની ભૌગોલિક આબોહવાની પરિસ્થિતિને કારણે દર વર્ષે હજારો વાઇલ્ડફાયર નોંધાય છે. ખાસ કરીને કેલિફોર્નિયામાં સૂકી હવા, ઊંચું તાપમાન અને જોરદાર પવનો આગને ઝડપથી ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
દર વર્ષે અમેરિકામાં વાઇલ્ડફાયર પર નિયંત્રણ મેળવવા માટે અબજો ડોલરનો ખર્ચ થાય છે.
અમેરિકાના ઇતિહાસમાં અનેક વિનાશક વાઇલ્ડફાયર નોંધાયા છે. ૧૮૨૫નું ‘મિરામિચી ફાયર’ જેમાં લાખો એકર જમીન સળગી ગઈ હતી. મોન્ટાના, આઇડાહો, વોશિંગ્ટન, વાયોમિંગ, કોલોરાડો, ઓરેગોન, યુટાહ, ન્યૂ મેક્સિકો અને ખાસ કરીને કેલિફોર્નિયાના જંગલોમાં વારંવાર વાઇલ્ડફાયર થાય છે.
દરેક વાઇલ્ડફાયરને અલગ નામ આપવામાં આવે છે જેથી તેનો ઇતિહાસ અને અભ્યાસ સરળતાથી થઈ શકે.
વાઇલ્ડફાયર સામે લડતા ફાયરફાઇટર્સનું કાર્ય અત્યંત જોખમી હોય છે. ૩૦ જૂન, ૨૦૧૩ના રોજ એરિઝોનાના યાર્નેલ હિલ ફાયર દરમિયાન લોકોને બચાવવા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતાં ૧૯ ફાયરફાઇટર્સ આગમાં ઘેરાઈ ગયા અને શહીદ થયા હતા.
આ દુર્ઘટના આજે પણ અમેરિકાના ફાયરફાઇટિંગ ઇતિહાસની સૌથી કરુણ ઘટનાઓમાંની એક ગણાય છે.
વાઇલ્ડફાયર માત્ર જંગલોને જ નહીં, પરંતુ માનવજીવન, પર્યાવરણ, ખેતી, પશુ-પક્ષીઓ અને સમગ્ર પૃથ્વીના હવામાનને પણ ગંભીર અસર પહોંચાડે છે. કુદરતનું સંતુલન જાળવવું અને પર્યાવરણનું સંરક્ષણ કરવું એ હવે સમગ્ર માનવજાતની સામૂહિક જવાબદારી બની ગઈ છે.
“સળગતું રણ, સળગતું જંગલ અને સળગતું મન — ત્રણેય અંતે વિનાશ જ વેરે છે.”
(રેખા પટેલ – ડેલાવર, અમેરિકા)




