મધ્ય પ્રદેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની દિશામાં મુખ્યમંત્રી મોહન યાદવ (Mohan Yadav) ની સરકારે એક ઘણો મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રવિવાર 19 July 2026 ના રોજ રાજધાની ભોપાલના સરહદી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક જગદીશપુર (Jagdishpur) ખાતે આયોજિત કેબિનેટની વિશેષ બેઠકમાં યુસીસી (UCC) ના ડ્રાફ્ટ બિલને સત્તાવાર રીતે મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આ મહત્વપૂર્ણ વિધેયકને 20 July 2026 થી શરૂ થઈ રહેલા મધ્ય પ્રદેશ વિધાનસભાના 5 દિવસીય ચોમાસુ સત્રમાં (Monsoon Session) રજૂ કરવામાં આવશે.

મહિલા સશક્તિકરણની દિશામાં મોટું પગલું
કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી મોહન યાદવે પત્રકારો સાથે વાતચીત કરતા આ નિર્ણયને મહિલા સશક્તિકરણ અને સામાજિક સમરસતાની દિશામાં એક ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું. મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે મધ્ય પ્રદેશના આદિવાસી (Tribal) સમુદાયના હિતોનું રક્ષણ કરવા માટે તેમને આ કાયદાના દાયરામાંથી સંપૂર્ણપણે બહાર રાખવામાં આવ્યા છે. સીએમ યાદવે વધુમાં માહિતી આપી હતી કે આ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરનારી કમિટી સમક્ષ રાજ્યની અંદાજે 80 ટકા મુસ્લિમ મહિલાઓએ અને 40 ટકા મુસ્લિમ પુરુષોએ આ કાયદાનું ખુલ્લા દિલથી સમર્થન કર્યું છે. તેમણે તમામ રાજકીય પક્ષોને વોટ બેંકની રાજનીતિથી ઉપર ઉઠીને રાષ્ટ્રીય એકતાના હિતમાં આ બિલને ટેકો આપવા અપીલ કરી હતી.
શું છે આ બિલની મુખ્ય જોગવાઈઓ?
નિવૃત્ત જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ (Justice Ranjana Prakash Desai) ની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા આ વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં કુલ 4 ભાગ, 404 કલમો (Sections) અને 7 અનુસૂચિઓ (Schedules) નો સમાવેશ થાય છે. આ ડ્રાફ્ટ તૈયાર કરવા માટે કમિટીને જનતા તરફથી 9.58 લાખથી વધુ લેખિત સૂચનો પ્રાપ્ત થયા હતા.
આ નવા કાયદા હેઠળ મધ્ય પ્રદેશમાં વસતા તમામ નાગરિકો માટે નીચે મુજબની બાબતોમાં એક સમાન નિયમો લાગુ થશે:
લગ્ન (Marriage) અને છૂટાછેડા (Divorce).
ભરણપોષણ (Maintenance) અને જમીન-મિલકતનો ઉત્તરાધિકાર (Property Inheritance).
બાળક દત્તક લેવાની પ્રક્રિયા (Adoption) અને સરોગેસી (Surrogacy).
આ નવા કાયદા હેઠળ હવેથી ‘લિવ-ઈન રિલેશનશિપ’ (Live-in Relationships) નું રજીસ્ટ્રેશન કરાવવું કાયદાકીય રીતે ફરજિયાત બનશે.
ટેસ્ટ ટ્યુબ બેબી (Test Tube Babies) દ્વારા જન્મેલા બાળકોને પણ પરિવારની મિલકતમાં સમાન કાનૂની દરજ્જો અને હક આપવામાં આવશે.
મુખ્યમંત્રી મોહન યાદવે વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી (BJP), આમ આદમી પાર્ટી (AAP) અને ડાબેરી પક્ષોએ કમિટી સમક્ષ પોતાના સકારાત્મક સૂચનો રજૂ કર્યા હતા, પરંતુ કોંગ્રેસ હંમેશા દરેક મુદ્દાને હિન્દુ-મુસ્લિમના ચશ્માથી જ જોતી હોવાથી તે આ સમગ્ર પ્રક્રિયાથી જાણીજોઈને દૂર રહી હતી.

