`જહાઁ ન જાયે હવાઈ ગાડી વહાઁ જાયે રેલગાડી, જહાઁ ન જાયે રેલગાડી વહાઁ જાયે મોટરગાડી, જહાઁ ન જાયે મોટરગાડી વહાઁ જાયે બૈલગાડી ઔર જહાઁ ન જાયે બૈલગાડી વહાઁ જાયે મારવાડી! આ મેં પહેલી વાર માલેગાવના સંતોષમામા લોઢાના મોઢેથી સાંભળ્યું છે. ઘણાં વર્ષ પૂર્વે, એટલે કે,ત્રીસ-પાંત્રીસ વર્ષ પૂર્વે મેં ટુર મેનેજર તરીકે હિમાચલની ટુર્સ કરવાનું શરૂ કર્યું હતું. મુંબઈમાં નવી, દુનિયાનો અનુભવ નહીં, કઈ રીતે વર્તવું, કઈ રીતે બોલવું તે પણ ખબર નહોતી. જેથી ટુર કંડક્ટ કરતી વખતે બહુ પ્રેશર હતું. `પર્યટકો મને ટુર મેનેજર તરીકે સ્વીકારશે કે કેમ? આપણે જે રીતે ટુર કરીશું તે તેમને ગમશે કે કેમ?’ આવા પ્રકારની ફિકર વત્તા ડર લાગતો હતો. આ પછી હું મારી ટુર પર પર્યટકોને કહેવાની માહિતી માટે અથવા સૂચનાઓ માટે બહુ અભ્યાસ કરતી અને રોજ સવારે મનમાંના `ડર ફિકર ચિંતા’ આ ત્રણ રાક્ષસોની ઐસી-તૈસી કરીને બહુ આત્મવિશ્વાસથી, હસતા પ્રસન્ન ચહેરે પર્યટકો સામે જતી. તે દિવસ સફળ કરવો એ એકમાત્ર ધ્યેય રહેતો.
પર્યટકોને તે દિવસનો અપેક્ષિત અથવા અપેક્ષાથી વધુ આનંદ મેળવી આપવા હું અને ટુર પરના સહયોગીઓ બહુ મહેનત લેતાં અને તે દિવસ પર્યટકો માટે આનંદિત અને અમારે માટે સંતોષકારક બનાવીને આગળના દિવસની સફળતાનાં સપનાં સેવીને શાંતિથી ઊંઘી જતાં. આ શરૂઆતના દિવસોમાં એક ટુર પર લોઢાનું મારવાડી ગ્રુપ આવ્યું હતું. માલેગાવના લોઢા, પનવેલના ભાટિયા, મુંબઈના લુણાવત, બીજાપુરના રુણવાલ, જલગામના સંઘવીની ફેમિલીઝ હતી. તેમના ઘણા બધા ભાણેજો તેમને `મામાસા’ કહેતા. અમે પણ તેમને ટુર પર સંતોષમામા કહેવાનું શરૂ કર્યું તે આજ સુધી ચાલુ છે. એકદમ જોલી ગ્રુપ હતું. અમારી ટુર સફળ કરવા માટેના પ્રયાસોને તેમણે એવી દાદ આપી કે રોજના દિવસ ખડખડાટ હસવામાં વધુ વીતતા હતા. આ ટુર પર મારી કરિયરની બાલ્યાવસ્થામાં મને સમજાયું કે, દરેક ટુર પર જો પર્યટકો અને તેમની સાથે આપણે આ રીતે મન મોકળું કરીને ખડખડાટ હસી શકીએ તો તે ટુર સંપૂર્ણ સફળ.’ આ વણલખ્યો નિયમ પછી આવનારા દરેક ટુર મેનેજર માટે ટુર પરના દરેક દિવસનો માઈલસ્ટોન નીવડતો રહ્યો. હા, ટુર પરના દિવસોને માઈલસ્ટોન જ કહેવું જોઈએ. જેટલા દિવસોની ટુર તેટલા માઈલસ્ટોન્સ ટુર મેનેજર્સ તરીકે અમારે પાર પાડવાના હોય છે. તે ટુરની આનંદિત હાસ્યસભર સફળતા માટે.
આજે દુનિયાના દેશોનો અથવા અલગ-અલગ રાજ્યોનો `હેપ્પીનેસ ઈન્ડેક્સ’ ગણવામાં આવે છે. તેમ અમારી દરેક ટુર પર `લાફ્ટર ઈન્ડેક્સ’ ગણી શકાવો જોઈએ. પર્યટક તેટલાં જ મન મોકળું કરીને હસી શકે છે. જ્યારે તેમની ટુર પરની બધી જરૂરતો વ્યવસ્થિત નક્કી થયા પ્રમાણે પાર પાડવામાં આવે અને તેમની સાથે તેમની સંગાથે રહેલી ટુર મેનેજરની ટીમ તેમને ભરપૂર મજા કરાવે છે. મુંબઈ જેવાં અનેક શહેરમાંથી કોન્ક્રિટના જંગલથી દૂર, નોકરી વ્યવસાયની દોડધામનું જીવન ભૂલીને જ્યારે પર્યટકો ટુર પર આવે છે, ત્યારે તેમને તે ટુરના અમુક દિવસો માટે આ રીતે ખડકડાટ હસાવવું તે અમારા ટુર મેનેજર્સની મુખ્ય ફરજ છે એવું મને લાગે છે. આપણી મહેનત સાચી હોય ત્યારે પર્યટકો સાથ આપે છે, એવો છેલ્લાં ચાળીસ વર્ષનો અનુભવ છે. તો આ વણલખ્યો નિયમ બનવાનું નિમિત્ત લોઢા ગ્રુપમાંના સંતોષમામાનો ફોન આવ્યો કે, `ચાલો, ફરી એકવાર સાત-આઠ દિવસ ક્યાંક જઈએ. અમારા અગાઉના ગ્રુપમાંના બધાને ભેગા કરવાનો પ્રયાસ કરું છું. જેટલા આવે તેટલા આપણે બધા જઈશું અને ધમ્માલ કરીશું. ભરપૂર મજા કરવાની,ખૂબ હસવાનું.’
સંતોષમામાના ફોનને લીધે મારી અંદરની ક્રિયેટિવિટીએ એકદમ ઊથલો માર્યો. અરે, ખરેખર વર્ષમાં પાંચ-છ વાર આવું કરવામાં શું વાંધો છે! એવાં ઓફ્ફબીટ ડેસ્ટિનેશન્સ શોધી કાઢવાનાં કે જ્યાં અનેક ગયા નહીં હોય, કદાચ અમે પણ, એટલે કે, હું અને સુધીર પણ. આ પછી `અમે પણ જઈ રહ્યા છીએ, તમે પણ ચાલો’ એવી સંકલ્પના તે પર્યટકો સુધી પહોંચાડવાની. હસવાનું, નાચવાનું, ભટકવાનું… દે ધમ્માલ કરવાની. ઉંમરનું બંધન નહીં,. અર્થાત ફિઝિકલી ફિટ હોવું જોઈએ. ફક્ત મહિલા અથવા ફક્ત જ્યેષ્ઠ નાગરિકો એવી લક્ષ્મણરેખા નહીં. હસવાની કોઈ મર્યાદા નહીં, રુઆબ છાંટવાની મર્યાદા નહીં, ખુશીનો કોઈ પાર નહીં અને આ બધું કરતી વખતે વીણા વર્લ્ડ ટુર મેનેજર આપણી સંગાથે હશે જ. આ કલ્પના માત્રથી હું આકાશમાં વિહરવા લાગી. અલગ-અલગ ઓફ્ફબીટ ડેસ્ટિનેશન્સમાં જઈ પહોંચી. મનમાં આવ્યું કે ડાયરીના કાગળ પર ઉતારવાનું અને કાગળ પરનું એક્ચ્યુઅલ પ્રેક્ટિસમાં લાવવાનું એ પદ્ધતિ. મારી સંકલ્પના મેં સુધીર, સુનિલા અને નીલને વાંચી બતાવી. કિંતુ પરંતુ પર ચર્ચા થઈ અને તેમની પણ સંમતિ મળી. હસવા માટે અને આનંદ માટે આપણને અલગ-અલગ બાબતો નિર્માણ કરવી પડે છે. અથવા તે કરતાં આવડવું જોઈએ. થોડા સમય પૂર્વે અમે એક જાહેરાત કરી હત. જેનું ટાઈટલ હતું, `જીવન એટલે અફલાતૂન યાદોંનો અનોખો આલેખ!’ લખીને મોકલ્યું, અમારી ટીમે તુરંત કહ્યું, `સમથિંગ ઈઝ રોંગ, યાદોં એટલે ભૂતકાળ ને? બની ચૂક્યું છે તે, તો પછી `બનાવીએ’ એવા ભવિષ્યકાળમાં તમે કઈ રીતે પહોંચી ગયાં?
મેં કહ્યું, `હવે ટાઈટલ તો સૂઝ્યું છે અને તે બરોબર છે એવું મને લાગે છે. તમે ઓબ્જેકશન લીધા પછી પણ મેં વિચાર કર્યો, પરંતુ તે મને બરોબર જ લાગે છે.’ સામેના ચહેરા પર મૂંઝવણ ઓછી થતી દેખાતી નહોતી, તે બરોબર હતું. લાઈન ક્નફ્યુઝિંગ હતી, નો ડાઉટ. અમારી ટીમે વિચાર કર્યો હશે, `જાહેરાતોના ક્ષેત્રમાં કહેવાય છે ને, `ઈફ યુ કાન્ટ કન્વિન્સ ધેમ, ક્નફ્યુઝ ધેમ’ એવું મોટે ભાગે તેમના મગજમાં કાંઈક હશે, ન્યૂ સ્ટ્રેટેજી.’ હવે તેમના મનની મૂંઝવણની દિશા આડે માર્ગે લઈ જવા પૂર્વે ઉકેલ લાવવાનું જરૂરી હતું. તેમને કહ્યું, `અહીં કશું પણ મિસલીડિંગ નથી, આપણે કોઈ પણ પર્યટકોને ક્નફ્યુઝ કરવાના નથી. તે છતાં આ ભૂતકાળ ભવિષ્યકાળને જોડનારું વાક્ય ટાઈટલ તરીકે આપણને આગામી કેમ્પેઈનમાં લઈ જશે.’
યાદો એટલે શું? તો હવે આપણે જે કરી રહ્યા છીએ તે યાદો બનવાની છે આગળની ક્ષણે. આ જ રીતે આપણે આવતીકાલે જે કરવાના છીએ, આગામી મહિનામાં જે કરવાના છીએ તે પણ એક વાર તે બની ગયા પછી યાદો બનવાની છે. જો આપણે આજે, આવતીકાલે, પરમદિવસે, આગામી મહિને, આગામી વર્ષે જે કાંઈ કરીશું તે યાદોના રૂપમાં પરિવર્તિત થવાનું નહીં હોય તો પછી આજે વિચારપૂર્વક બાબતો કરવાનું જરૂરી છે નહીં? આવી અનેક સારી-ખરાબ યાદોનો સંગ્રહ એટલે જ જીવન. પછી આ યાદો જેટલી વધુમાં વધુ સારી કરી શકાય તેટલી કરવાની. આપણને જીવનમાં કેટલીય બાબતોની ખટપટ ચાલતી રહે છે અને આપણો ઘણો બધો સમય `અરે હું આવું કેમ વર્ત્યો?’ `આવું કર્યું હોત તો બાબત થોડી અલગ થઈ હોત’ એવું વિચારવામાં વેડફાય છે. જીવન જેમ આગળ જાય તેમ અગાઉની આવી અનેક બાબતો અપરાધીપણાની ભાવના આપણા દરેકના મનમાં બેક ઓફ ધ માઈન્ડ જાગૃત રાખતી હોય છે. સમય નીકળી જાય છે પણ આવા નાના મોટા પશ્ચાતાપ ક્યારેક ક્યારેક માથું ઊંચકે છે અને આપણે દીર્ઘ શ્વાસ લઈએ અથવા નિસાસો નાખીએ છીએ. ક્યારેક-ક્યારેક આવી બાબતોની ચિંતા આપણી તબિયત પર હુમલો કરે છે, આપણું મન-સ્વાસ્થ્ય છીનવી લે છે. આવું થતું રહે છે. આજના યુગમાં આપણા વર્તમાનમાં જ એટલી ચેલેન્જીસ છે કે ભૂતકાળમાં બની ગયેલી, નહીં બદલી શકાતી બાબતોનો બોજ મન પર લઈને શા માટે આપણે આપણું જીવવાનું નાના-મોટા પ્રમાણમાં અસહ્ય કરી દેવું જોઈએ? આ ટાળવું હોય તો વર્તમાનમાં આપણે શું કરીએ તે મહત્ત્વનું નીવડે છે.
અમુક બાબતો ઓટોમેટિકલી બને છે અને અમુક બાબતો આપણે ઘડીએ છીએ અથવા તે ઘડવી પડે છે. વ્યવસ્થાપનના ક્ષેત્રમાં તેને `બાય ડિફોલ્ટ’ અને `બાય ડિઝાઈન’ એમ કહેવાય છે. આપણે જ્યારે એકાદ વ્યવસાય શરૂ કરીએ અથવા હમણાંની ભાષામાં જેને સ્ટાર્ટઅપ કહેવામાં આવે છે તે શરૂઆતમાં બધાની મહેનતથી અને કષ્ટથી વધતું રહે છે. જેને `બાય ડિફોલ્ટ’ કહેવાય છે. સમયાંતરે જો કે તે વ્યવસાય વૃદ્ધિને આકાર આપવો પડે છે અને તે પછી માર્ગક્રમણ થાય છે તે નક્કી કરીને માપીને વ્યવસ્થાપન કૌશલ્યની મદદ લઈને, જેને `બાય ડિઝાઈન’ કહેવાય છે. આ જ બાબત આપણે આપણા આનંદની બાબતમાં પણ કરી શકીએ. તે બાબત જાગૃત હોવું મહત્ત્વનું છે. અમારા વ્યવસાયનો સાર આનંદ મહેસૂસ થવો તે છે. પર્યટનના માધ્યમથી બધા માટે સારી પળો નિર્માણ કરવી અને યાદો આનંદિત બનાવવી. આપણા રોજના જીવનમાં પણ તે શક્ય છે જો આપણે `બાય ડિફોલ્ટ’ને `બાય ડિઝાઈન’ની જોડ આપીએ તો. કોઈ પણ બાબત કરતી વખતે એક સાદો પ્રશ્ન પોતાને જ પૂછવો જોઈએ. `હું બરોબર કરી રહી છું ને? જે કાંઈ કરી રહી હોઉં તેને કારણે મને આગળ ભવિષ્યમાં પશ્ચાતાપ તો કરવો પડશે નહીં ને?’ અનેક વાર હું પોતાને ચેતવું છું, `વેઈટ ફોર અ મિનિટ થિંક એન્ડ પ્રોસીડ.’ આ એક નાની બાબતનો ખૂબ ફાયદો થાય છે. સો, ચાલો આપણે વિચારપૂર્વક વર્તીને યાદો આનંદિત બનાવીએ. મન મોકળું કરીને હસતા આવડવું જોઈએ. આપણો લાફ્ટર ઈન્ડેક્સ આપણે ગણી શકવો જોઈએ, વધારી શકવો જોઈએ.
આ લેખના શરૂઆતમાં લખેલા મારવાડી સમુદાયની માનસિકતા જે સંતોષમામાએ મારી કરિયરની શરૂઆતમાં એક વાર બસમાં અમને કહી હતી. તે મેં એકાદ ઈન્સ્પિરેશન ટોનિકની જેમ મારી પાસે રાખી છે. એકદમ નવા ઠેકાણે કશુંક નવેસરથી કરવું હોય તો સ્વાભાવિક રીતે જ ડર લાગે છે, પણ તે સમયે આ ટોનિકનો એક ડોઝ લઉં છું, પોતાની અંદર જીત જગાવું છું અને પગલું આગળ મૂકું છું. તુલનાત્મક રીતે અમારો વ્યવસાય બહુ નાનો છે પણ અનેક પડકારોથી ભરચક છે. આ ચેલેન્જીસનો સામનો કરતી વખતે આપણો દ્રષ્ટિકોણ ઠીક કરવો અને આપણી વ્યવસાયયાત્રા અથવા જીવનયાત્રા આનંદિત બનાવવી તેજ આ ધ્યેય છે અને તેથી જ પ્રવાસનના નાના-મોટા અનુભવોનું આ આદાન-પ્રદાન છે.
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)
