વડોદરા: છેલ્લા 115વર્ષથી ચાલતી સરકારી કર્મચારીઓની સહકારી પ્રવૃત્તિની સંસ્થાએ સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કર્યો છે. વડોદરાના તત્કાલીન મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી સ્થપાયેલી આ સહકારી સંસ્થાએ વડોદરામાં ફરજ બજાવતા અનેક સરકારી કર્મચારીઓના ઘરના ઘરની સ્વપ્નને સાકાર તો કર્યું છે, પણ સાથે નાણાંકીય ભીડના સમયે આર્થિક સહાય પણ કરી છે.
આ વાત 1910ના વર્ષની છે. બરોડા રાજ્યના રાજવી સર સયાજીરાવ ગાયકવાડે પોતાના કર્મચારીઓ અને અધિકારીઓને સહકારી પ્રવૃત્તિ કરવા માટે પ્રેરિત કર્યા. તે સમયના બરોડા રાજ્યના ઉચ્ચ અધિકારી અનંત નારાયણ દાતારની પહેલથી અન્ય સનદી અધિકારી પુરુષોત્તમ નાથાલાલ દેસાઇના પ્રમુખ સ્થાને તા. 17-12-1910ના રોજ ધી બરોડા ગવર્નમેન્ટ સર્વન્ટ અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી.
સ્થાપના સમયે તેમાં બરોડા રાજ્યના 13 સનદી અધિકારીઓ જોડાયા હતા. બાદમાં સભાસદોની સંખ્યા 66 થઇ હતી. આમ, રાજ્યની સૌથી જૂની ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી કાર્યાન્વિત થઇ. દેશને આઝાદી મળી એ બાદ બરોડાનો મુંબઇ રાજ્યમાં સમાવેશ થતા આ સહકારી સંસ્થા ધી ગવર્નમેન્ટ સર્વન્ટ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વડોદરા તરીકે ઓળખાવા લાગી. શરૂઆતમાં તેમાં મહેસૂલ, બાંધકામ, જિલ્લા પંચાયતના કર્મચારીઓ જોડાયા હતા.
બાદમાં આ સહકારી પ્રવૃત્તિને નીહાળીને વડોદરા જિલ્લાના સરકારી, અર્ધસરકારી, યુનિવર્સિટી, મ્યુનિસિપલ કોર્પોરેશન, ટેલિફોન, આકાશવાણી, ગેરી વગેરે ખાતાના કર્મચારીઓ પણ ઉમેરાતા ગયા. પ્રારંભિક સમયે આ સંસ્થા શહેરની શાસ્ત્રી પોળમાં ભાડાના મકાનમાં ચાલતી હતી. તે બાદ સંસ્થા વસાહતમાં રૂ. 9 હજારથી જમીન ખરીદી અને તા. 20-10-1957ના રોજ બરોડા રાજ્યના પૂર્વ પ્રધાન છોટાલાલ સુતરિયા તથા સંસ્થાના પ્રથમ સભ્ય શંકર બળવંત ડિડમિસેના હસ્તે કરવામાં આવ્યું હતું. બાદમાં સમયાંતરે આધુનિક ઓફિસ બનાવવામાં આવી.
1992થી સતત પ્રમુખ તરીકે સેવા આપતા પ્રતાપરાવ એસ. ભોઇટે કહે છે, આ સહકારી સંસ્થા 1975 સુધી સભાસદોને રૂ. 2500 સુધીનું ધીરાણ કરતી હતી. બાદમાં 1995 સુધી સરકારી પગાર ધોરણોને ધ્યાને રાખી રૂ. 15 હજાર સુધીનું ધીરાણ કરવામાં આવતું હતું. સહકારી પ્રવૃત્તિનો સુદ્રઢ વહીવટથી આર્થિક સદ્ધરતા વધતા ક્રમે ક્રમે ધીરાણની મર્યાદા વધારવામાં આવી અને હાલમાં રૂ. 20 લાખ સુધીનું ધીરાણ કરવામાં આવે છે. રાજ્યમાં સૌથી વધુ ધીરાણ કરવામાં અને થાપણમાં આ સંસ્થા સમગ્ર રાજ્યમાં અવલ્લ છે. 1981થી ઓડિટમાં અ વર્ગ મળે છે.
સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ એવા સભાસદોને રૂ. 20 લાખ સુધીનું ધીરાણ આપવામાં આવતું હોવાથી અનેકના ઘરના ઘરનું સપનુ સાકાર થયું છે. કેટલાયના દીકરા-દીકરીના લગ્નપ્રસંગો સુપેરે પત્યા છે. આ ઉપરાંત આરોગ્યલક્ષી સહાય, વાર્ષિક ભેટ, ડિવિડન્ડ, શૈક્ષણિક સહાય આપવામાં આવે છે. આજે આ સહકારી પ્રવૃત્તિઓ સાથે 11,347 લોકો જોડાયેલા છે. સંસ્થાએ ગત્ત વર્ષે રૂ. 186 લાખનો નફો કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા તા. 1 થી સહકારી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ત્યારે વડોદરાની આ સંસ્થા સહકારથી સમૃદ્ધિના મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે.
( દર્શન ત્રિવેદી-વડોદરા)
