ગરીબ ઘરમાંથી આવેલી તરુ હવે ગરીબીમાંથી તો બહાર નીકળી ગઈ પરંતુ

‘તમે ઈચ્છો તો શું ન કરી શકો? પણ તમારામાં જરાય આગળ વધવાની, મહેનત કરવાની તાલાવેલી જ નથી. જુઓ સુનિતાનો વર કેટલો આગળ નીકળી ગયો પાંચ વરસમાં, ને આપણે જ્યાં હતા ત્યાં ને ત્યાં જ પડ્યા છીએ હજી.’ તરુએ પોતાના પતિ વિમલને સવારે નાસ્તો આપતાં કહ્યું.

‘આપણે શું વાતની ખોટ છે? આખો નહિ તો અડધો રોટલો તો મળી જ રહે છે. કોઈને ભૂખ્યા સૂવું નથી પડતું તે વાતમાં મને તો સંતોષ છે.’ વિમલે હંમેશને માફક પોતાનો જવાબ દોહરાવ્યો.

‘તમને સંતોષ છે પણ ખાલી સંતોષના શું આથણાં કરવા છે? થોડી ધન-સંપત્તિ પણ જોઈએ કે નહિ?’

‘જેટલું વધારે હોય તેટલી ચિંતા પણ વધારે. ઓછામાં ખુશ રહેતા શીખ.’

‘શું કહેવું તમને. બેસો તમે તારે, મારે જ કઈંક કરવું પડશે.’ તરુને અંદર અંદરથી તેના પતિની આ સંતોષવૃત્તિ કોરી ખાતી હતી. તેને પોતાને જ સમજાતું નહોતું કે તે કેવી રીતે વિમલને પ્રોત્સાહિત કરે કે દુનિયાદારીમાં માત્ર સંતોષ નહિ પરંતુ સાથે સાથે પ્રગતિ પણ જરૂરી છે.

તરુ અને વિમલના લગ્નને પાંચ વર્ષ થયા હતા. હજી એકેય બાળક નહોતું. તરુ એ જ નિર્ણય કરેલો કે જ્યાં સુધી આર્થિક સ્થિતિ વધારે સારી ન થાય ત્યાં સુધી બાળક નહિ પોસાય. વિમલ તો કહેતો કે જોયું જશે, ઓછામાં ચલાવી લઈશું. પરંતુ તરુને તે જ તો નહોતું ગમતું – ઓછામાં ચલાવવાનું. તેને તો લાગતું કે કઈ વધારે નહિ તો એક મોટું મકાન હોય, પોતાની ગાડી હોય અને સારા કપડાં, ઘરેણાં પહેરી શકાય તેટલું ધન તો હોવું જ જોઈએ. આ તે વળી શું કે એક નાની દુકાન લઈને બેસવાનું અને આખો દિવસ દુકાને બેસીને પણ માત્ર એટલું જ મળે કે એક નાનું મકાન સચવાય અને સાધારણ, મધ્યમવર્ગ પણ માંડ કહી શકાય તેવી જિંદગી જીવવાની. આમ તો ગામના સારા લોકો ક્યારેય બોલાવે પણ નહિ અને પોતાના જેવા લોકો પણ કઈ ખાસ ઈજ્જત ન આપે.

વિમલને એક કરિયાણાની દુકાન હતી અને તે સવારથી સાંજ સુધી દુકાનમાં બેસતો. ઘરાકી એટલું સારી નહિ. શહેર પણ નાનું એટલે લોકોની ખરીદી પણ ઓછી જ હોય તે સ્વાભાવિક હતું. વિમલને જરાય એવો વિચાર ન આવતો કે એ પોતાનો ધંધો વધારે કે બદલે. તેને તો એ વાતથી જ સંતોષ હતો કે ઘરની બહાર જ દુકાન છે અને આ સવારે ઉઠીને ચા નાસ્તો કરીને દુકાન ખોલી, બપોરે ઘરે આવીને ગરમ ગરમ રસોઈ જમવા મળે અને સાંજે સમયસર દુકાન વધાવીને પાછા ઘરે આવીને ટીવી જોતા વાળું પણ થઇ જાય. વચ્ચે બે વાર ગરમગરમ ચા પણ ઘરેથી પહોંચી જાય. તેના પિતાએ આ દુકાન શરુ કરેલી અને પછી તેમના અવસાન બાદ વિમલે બાવીસ વર્ષની વયે જ દુકાન સાંભળી લીધેલી. તેના મમ્મી પણ તબિયતે નાજુક રહેતા અને મોટાભાગે પોતાના ખાટલા પર બેસીને માળા ફેરવતા રહેતા.

વિમલના સગાવ્હાલા પણ બહુ નહોતા અને પિતાના અવસાન પછી પોતે તો દુકાન અને ઘર સિવાય ક્યાંય જતો નહિ. મમ્મીની તબિયત નાજુક હોવાને કારણે તે પણ બહાર બહુ જાય નહિ. એમાં ને એમાં જ તેના લગ્નને પણ મોડું થઇ ગયેલું. ત્રીસ વર્ષની પાક્કી વયે તેના લગ્ન તરુ સાથે થયેલા ત્યારે તરૂની ઉંમર ચોવીસની હતી. ગરીબ ઘરમાંથી આવેલી તરુ હવે ગરીબીમાંથી તો બહાર નીકળી ગઈ પરંતુ હજીયે ધનવાન કહી શકાય તેવી સ્થિતિએ તો નહોતી જ પહોંચી.

‘મારા પપ્પાને પણ હું બહુ કહેતી કે કોઈક રીતે વધારે પૈસા કમાઈ શકાય તેવું કામ કરો પણ તે તો શેઠને વફાદાર રહેવામાં જ માનતા અને એટલે જ આખી જિંદગી ડ્રાઇવરી કરીને કાઢી. તેને તો શેઠ સાથે રહેવામાં મજા આવતી પણ અમારે ઘરમાં કેમ ચાલતું તેની ચિંતા પપ્પાને ક્યારેય નહોતી થતી. હવે હું તમને પણ એજ કહી કહીને થાકું છું કે આખો દિવસ દુકાનમાં જ વિતાવતો હોય તો પછી ધંધો વધારવામાં શું ખોટું છે? પણ તમનેય આ વાત સમજમાં આવે તો ને.’ આ વાત તરુ કેટલીયવાર વિમલને અલગ અલગ સમયે કહી ચુકી હતી. પરંતુ વિમલનો જવાબ એક જ રહેતો કે વાત સમયની નહિ પણ શાંતિની છે. વધારે હાઇહોઈ કરવાથી મનની શાંતિ છીનવાઈ જાય છે.

આ બધી વાતોમાં તરુના મનની શાંતિ તો ક્યારીનીય છીનવાઈ ગયેલી હતી. મનોમન તે દુઃખી રહેતી પરંતુ કોઈ ઉપાય નહોતો.

તેની સાસુમા પણ પોતાના દીકરાનો પક્ષ લેતી અને કહેતી કે પૈસા પાછળ આંધળી દોટ ન કરવી. ભગવાનનું દીધું બધું છે, તો શાંતિથી રહેવું અને ઉપરવાળાનો પાળ માનવો. તરુ સાસુમાં સામે તો કોઈ દલીલ ન કરતી પરંતુ વિમલ સાથે કેટલીવાય આ વાત કરતી.

આ રીતે બે વર્ષ બીજા વીત્યા.

‘હવે તો તમે વિચારો કઈંક. આવનારા બાળકને તો સારી જિંદગી એવી પડશે ને.’ તરુએ એક દિવસ પોતાના ગર્ભ પર હાથ મૂકીને વિમલને કહ્યું.

‘આવનારો પોતાના નસીબનું લઈને જ આવશે. બે મહિનામાં ડિલિવરી થશે એટલે તું ચિંતા કરીને પોતાની અને એની તબિયત ખરાબ ન કર.’ દલીલ ન કરવાનો નિર્ણય કરીને તરુએ આગળ કઈ ન કહ્યું.

આ વાતના દોઢ મહિના બાદ એક દિવસ સવારે ચાર વાગ્યે તરુને લેબર પેઈન શરુ થયું. જલ્દીથી ટેક્ષી બોલાવીને વિમલ તરૂને લઈને દવાખાને જવા નીકળ્યો. પરોઢ થવાને હજી વાર હતી. ટેક્ષી રસ્તા પર દોડતી હોસ્પિટલ તરફ જઈ રહી હતી. સામેથી કોઈ કોઈ વાહન આવતું હતું. ટેક્ષી ડ્રાઈવર આખી રાતની ડ્યુટી કરીને થાકેલો હતી. સવાર પડતા ઊંઘ પણ આવવા લાગે છે. પરંતુ તેની ગાડીમાં એક ગર્ભવતી સ્ત્રી હતી એ વાતથી સભાન ડ્રાઈવર સતર્ક રહીને ગાડી ચલાવતી હતો. હોસ્પિટલથી લગભગ પંદર મિનિટની દુરી હતી. થોડીવારમાં હાઇવે છોડીને શહેરનો રસ્તો લેવાનો હતો એટલે ડ્રાઈવરે ગાડીની લેન બદલીને એક્ઝીટ બાજુ લેવા સિગ્નલ તો આપ્યું પરંતુ ત્યાં તો સામેથી આવતા એક ટ્રકે તેની ગાડીને આગળ ઠોકર મારી. ટેક્ષી ફંગોળાઈને રોડની બહાર ફેંકાઈ ગઈ. ડ્રાઈવરને માથામાં આવ્યું અને લોહી નીકળ્યા. તરુ પણ ઉછાળીને ગાડીની સીટ પર પટકાઈ પડી. પરંતુ વિમલની બાજુનો દરવાજો ખુલી ગયો અને તે ફંગોળાઈને રોડ પર ફેંકાઈ ગયો.

એક સપ્તાહ બાદ દવાખાનેથી પછી આવેલી તરુના ઘરે સાંત્વના આપવા આવેલા લોકો પૈકી એક સ્ત્રી કહી રહી હતી: બધું જ અચાનક બની ગયું. યુવાનીમાં પતિ તો ગયો પણ ગર્ભનું છોકરું ય ન બચ્યું. હવે ખબર નહિ એકલી બાઈ કેવી રીતે ઘર ચલાવશે, કેવી રીતે ઘરડી સાસુનું ધ્યાન રાખશે અને કેવી રીતે બાકીનો જન્મારો કાઢશે.

બીજી સ્ત્રી જવાબમાં કહી રહી હતી: શાંતિથી કામ લેવું પડશે. ભગવાન બધું સારું કરશે.

‘શાંતિની સાથે સાથે આર્થિક સુરક્ષા માટે પણ જાતે જ કામ કરવું પડશે તે આ લોકોને ખબર નહિ હોય.’તરુના મનમાં આ શબ્દો આવ્યા પણ કોઈને કઈ કહેવાની આવશ્યકતા નહોતી. જેને કહેતી તેણે તો ક્યારેય આવા દિવસ વિશે વિચાર જ નહોતો કર્યો.