પ્રીતમભાઈએ કહ્યું: પાંચ લાખ ઘટે છે, તારા કૃષ્ણભગવાન આપે તો થાય

‘કિંજલની ફી ભરવાને હવે વધારે સમય નથી. જો એડમિશન પાકું કરાવવું હોય તો આવતા અઠવાડિયા સુધીમાં આપણે પાંચ લાખની વ્યવસ્થા કરવી પડશે હો.’ મીનાબહેને  તેના પતિ પ્રીતમભાઈએ સંબોધતા કહ્યું. પ્રીતમભાઈએ છાપું હટાવી પોતાની પત્ની સામે નજર કરી અને થોડા ચિડાઈને જવાબ આપ્યો, ‘તને ખબર છે હું પ્રયત્ન કરી રહ્યો છું. મને પણ ઈચ્છા છે કે દીકરીનું મેડીકલમાં એડમિશન થઇ જાય તો તેનું ભવિષ્ય સુરક્ષિત જોઈ શકીએ. મારી બધી બચત એકથી કરીને પણ અત્યારે પાંચ લાખ ઘટે તેમ છે તો હવે તારા કૃષ્ણભગવાન આપે તો થાય. બીજી તો કોઈ આશા દેખાતી નથી મને.’

પ્રીતમભાઇ તેમની પત્નીની કૃષ્ણભક્તિ અને વારે વારે દરેક વાતમાં ‘મારો કાનુડો બેઠો છે ‘ને. તે બધું જોઈ લેશે’ તેવું કહેવાની આદતના સંદર્ભમાં કટાક્ષ કરી રહ્યા હતા.

‘હા, હા, હવે. મને ખબર છે કે તમને એ બધી અંધશ્રદ્ધા લાગે છે પણ મને તો વિશ્વાસ છે કે આ જન્માષ્ટમી સુધીમાં તો મારો કાનુડો કઇંક વ્યવસ્થા કરી જ દેશે જોજો ને તમે.’ મીનાબહેને બે હાથ જોડી, આંખો બંધ કરીને તે જ વખતે આકાશ તરફ ચેહરો કરતા કહ્યું.

કિંજલ ભણવામાં હોશિયાર હતી પણ તેને કોરોના થઇ ગયેલો અને એટલે ઘણો સમય તેનો અભ્યાસ બગડેલો. પરીક્ષા તો આપી પરંતુ થોડા ટકા ઓછા પડેલા એટલે ખાનગી કોલેજમાં એડમિશન લેવું પડે તેમ હતું. પ્રીતમભાઈની બચત માર્યાદિત હતી. સરકારી કલાર્કની નોકરીમાં સારી રીતે પરિવારનું ગુજરાન ચાલે અને દીકરીના ભણતરનો ખર્ચો નીકળે. થોડી ઘણી બચત થાય તેમાંથી ઘર, વાહન, વેકેશન વગેરેનો ખર્ચ પૂરો થાય. પરંતુ આજકાલની ખાનગી મેડિકલ કોલેજની ફી ભરવા જેટલા પૈસા એક સામટા તેમની પાસેથી નીકળે તેમ નહોતા. પરિસ્થિતિ એવી ઉભી થઇ ગયેલી કે કિંજલનું એડમિશન તો નિશ્ચિત થઇ ગયું હતું પરંતુ ખાનગી સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. દીકરીએ ભણવામાં સારી મહેનત કરી હતી તો હવે પિતા તરીકે તેમની ફરજ હતી કે ત્રણ-ચાર વર્ષ સુધી થોડી અગવડ ભોગવીને એ ભણતરનો ખર્ચ ઉઠાવી લે અને છોકરીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી દે – તેવું માનનારા પ્રીતમભાઇ સામે હવે કપરી પરિસ્થિતિ આવી ઉભી હતી.

ત્રણ-ચાર દિવસ આમ-તેમ વિચાર કરવામાં અને કોઈપણ રીતે શક્ય જણાય ત્યાં પૂછપરછ કરવામાં નીકળી ગયા. જન્માષ્ટમીનો તહેવાર આવી રહેલો એટલે બધી સરકારી ઓફિસોમાં પણ લગભગ રજા જેવું જ હતું અને તેનો લાભ લઈને પ્રીતમભાઈએ બધો સમય દીકરીના એડમિશન માટે ફીની વ્યવસ્થા કરવામાં આપ્યો પણ કઈ ખાસ આશા દેખાઈ નહિ એટલે તેઓ હવે ચિડાઈ ગયા હતા. આ ચીડપણ ખરેખર તો તેમની પિતા તરીકે દીકરી માટેની લાગણી જ બતાવતું હતું.

મીનાબહેન સ્વભાવે શાંત હતા અને તેમની ભગવાનમાં શ્રદ્ધા અડગ હતી એટલે તેમને ગુસ્સો ન આવતો અને હંમેશા સ્મિત સાથે વાત કરતા. કિંજલને આ બધી વાતની ખબર પડવા દીધી નહોતી. તે તો સૌને એમ જ કહેતી ફરતી હતી કે તેનું એડમિશન થઇ ગયું છે અને તે સપ્ટેમ્બરથી હોસ્ટૅલમાં જતી રહેશે. ફી ભરવામાં જે કઠણાઈ થઇ રહી હતી તેનાથી તે અવગત નહોતી.

‘કાલે જન્માષ્ટમી છે તો આપણે મંદિરે જઈ આવીએ.’ મીનાબહેને પ્રસ્તાવ મુક્યો.

‘ક્યારે જવું છે?’ પ્રીતમભાઇ મંદિર અને ધર્મના કામમાં ના પડે તેવા નહોતા.

‘સવારે મંગળા આરતી થાય ત્યારે જ જઈ આવીએ એટલે મારો ઉપવાસ ચાલુ થાય. પછી રાત્રે આરતી વખતે ફરીથી જઈશું અને હું કૃષ્ણ જન્મ સમયે મધ્યરાત્રીએ ઉપવાસ પૂરો કરીશ.’ મીનાબહેને સૂચન કર્યું.

‘આખો દિવસ ભૂખી રહીશ? કેટલા વાગ્યે જવું છે?’ પ્રીતમભાઇ એક ભક્ત તરીકે નહિ પરંતુ પતિ તરીકેની ફરજ બજાવવા મંદિરે જવા તૈયાર થયા હતા તે વાતની મીનાબહેનને ખબર હતી.

બીજા દિવસે સવારે પતિ-પત્ની મંદિરે ગયા અને આરતી કરી. આરતી દરમિયાન પ્રીતમભાઈના મનમાં એક સંકલ્પ થયો કે ભગવાન કદાચ આજે તેમના મંદિરે આવવાના પુણ્યના બદલામાં પાંચ લાખની વ્યવસ્થા કરી આપે તો કેવું સારું. આમ તો તેમને આ વિચાર પર જાતે જ હસવું આવી ગયું પરંતુ જેમ તેમની પત્ની કહેતી તેમ ભગવાન તો ખુબ દયાળુ છે અને તે કદાચ તેમના મનની વાત સાંભળે પણ ખરા તેવી આશા પ્રીતમભાઈના મનમાં બંધાય. ભક્તિનો સંચાર તેમના મનમાં થયો અને તેમનું મસ્તક ભગવાન સામે એવી શ્રદ્ધાથી ઝૂક્યું જેના બીજ હમણાં જ રોપાયા હતા.

દિવસ દરમિયાન પ્રીતમભાઈએ પણ ઉપવાસ રાખવાનું નક્કી કર્યું અને મીનાબહેનને આ વાતનું આશ્ચર્ય તો થયું પરંતુ તેમને મનોમન આ વાતની ખુશી પણ હતી. ભગવાન તેમની પ્રાર્થના જરૂર સાંભળશે તેવો વિશ્વાસ મીનાબહેનને તો હતો જ. આખો દિવસ પતિ-પત્ની બંને ઉપવાસમાં ભૂખ્યા રહ્યા. મીનાબહેને વ્રત-પૂજા વગેરે કર્યા અને પ્રીતમભાઇ કૃષ્ણ જીવન વિશે એક પુસ્તક વાંચી રહ્યા હતા.

સાંજ પડી એટલે મીનાબહેનના સૂચનથી ફરીથી પતિ-પત્ની બંને મંદિરે ગયા. આરતી કરી અને ઘરે આવવા બહાર નીકળતા હતા ત્યાં મંદિરના પગથિયે પ્રીતમભાઈના એક મિત્ર રમણકાન્ત મળી ગયા. તેમના પત્ની પણ સાથે હતા. બંને પરિવારો વચ્ચે કેમ છો – કેમ નહિ વગેરે થયા અને બંને પુરુષોએ પોતપોતાની નોકરી વિશે, ઘર પરિવારના સૌની તબિયત વિશે વાતો કરવા લાગ્યા. બને સ્ત્રીઓએ પોતાની વાતો આરંભી. લગભગ દશેક મિનિટ બાદ બંને પરિવાર પોતપોતાના ઘરે જવા રવાના થયા. ઘરે આવીને પ્રીતમભાઇ અને મીનાબહેન ફરીથી પોતપોતાની પ્રવૃતિઓમાં અટવાયા અને મધ્યરાત્રીએ કૃષ્ણ જન્મ થાય અને પોતાનો ઉપવાસ પૂરો થાય તેની રાહ જોવા લાગ્યા.

લગભગ અગિયારેક વાગ્યે પ્રીતમભાઈનો ફોન વાગ્યો. રમણકાન્તભાઈનો ફોન હતો. ‘હા બોલોને રમણકાન્તભાઈ.’

‘મારી પત્નીની વાત મીનાબહેન સાથે થઇ હતી કિંજલના એડમિશન અંગે. અમે બંનેએ તેના અંગે ચર્ચા કરી અને જો તમે ખોટું ન લગાડો તો હું એક પ્રસ્તાવ મુકું.’ રામણકાન્તભાઈએ ફોન પર કહ્યું.

‘હા હા બોલોને. શું પ્રસ્તાવ છે તમારો?’ પ્રીતમભાઈએ ઉત્સુકતાથી પૂછ્યું.

‘જુઓ, આપણે બંને સરકારી નોકર છીએ અને કોઈ મોટા અધિકારી નથી એટલે આમ તો આપણી આર્થિક પરિસ્થિતિ સરખી જ કહેવાય. પરંતુ હું આ મહિનાના અંતમાં નિવૃત થઇ રહ્યો છું એટલે પ્રોવિડન્ટ ફંડના પૈસા આવશે. જો તમે ઈચ્છો તો હું પાંચ લાખ તમને આપી શકું તેમ છું. ખોટું નહિ લગાડતા મારી વાત નું. આ તમે બિન-વ્યાજની લોન સમજી લેજો.’ રમણકાન્તભાઈએ પ્રસ્તાવ મુક્યો.

પ્રીતમભાઈનો અવાજ જાણે ગળામાં જ રૂંધાઇ ગયો. તેમની આંખો ભરાઈ આવી અને મનમાં ભગવાન કૃષ્ણ પ્રત્યે ભક્તિ ઉભરાઈ. રમણકાન્તભાઈનો ખુબખુબ આભાર વ્યક્ત કરીને તેમને ફોન મુક્યા પછી મીનાબહેનને બધી વાત કરી.

‘મેં તમને કહ્યું હતું ને કે મારો કાનુડો કોઈને કોઈ વ્યવસ્થા કરી દેશે. જુઓ આજે કૃષ્ણ રૂપે નહિ તો સુદામા રૂપે તમારી પાસે એ આવી પહોંચ્યા ‘ને જરૂરિયાતના સમયે?’ મીનાબહેને પુરી શ્રદ્ધાથી કહ્યું અને પ્રીતમભાઇએ સહમતીનું સ્મિત કર્યું.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)