પ્રશ્ન: સદગુરુ, જો જીવનમાં આંકડાઓ ન હોય, તો શું તે સારું જીવન હોય શકે? તમને જાણ ન રહે કે તમારી ઉંમર શું છે, સમય શું થયો છે અથવા તમે કેટલું ઊંઘ્યા. જો મને અંકો વિષેનું જ્ઞાન ન હોય તો શું હું પ્રકૃતિ અને જીવન સાથે વધુ તાલમેલમાં રહીશ?
સદગુરુ: નમસ્કાર! હું જાણું છું કે તમે શબ્દોનાં જાદુગર છો, તમને અંકો ગમતા નથી. જો તમે એકવાર કહો, “ હું અને તમે” તો તે બે બનશે. ભલે તમે “હું” એમ કહો તો પણ ત્યાં ‘એક’ છે. એક વખત જો ‘એક’ હોય તો પછી દસ, સો, હજાર કે દસ લાખ માત્ર એક કુદરતી પરિણામ છે. અંકો માત્ર તેના માટે નથી કે તમારી વય કેટલી છે, શું સમય થયો અથવા તમે ક્યારે ઊંઘ્યા અને ક્યારે ઉઠ્યા- “હું” અને “તમે” પોતાની રીતે બે અંકો છે.
જે ક્ષણે તમે “હું” કહો છો, તમે એક અંકનું અગાઉથી જ નિર્માણ કરી ચુક્યા છો. અંકોની પરે જવાનો એક રસ્તો છે જેને “શૂન્ય” કહેવાય છે. જો તમે યોગમાં છો તો તમે “શી-વા” જેવા છો જેનો અર્થ છે “એ જે છે નહીં” અથવા તમે “શૂન્ય” છો, કારણકે તેનો અર્થ થાય છે કે તમે હયાત નથી.
તે તમારી વ્યક્તિત્વની સીમાઓને કેવી રીતે દુર કરવી તે વિષેનું વિજ્ઞાન છે જેનો અર્થ છે કે પ્રથમ મૂળભૂત ‘એક’ અંક જે “હું-પણું” છે, તે નાબુદ થાય છે. એકવાર તમે ‘એક’ ને હટાવી દો તો પછી દસ લાખ, એક અબજ કે કોઈ પણ મોટી સંખ્યાનો કોઈ અર્થ નથી- બધુજ શૂન્ય છે. મિલનનો અર્થ છે કે કોઈ “તમે અને હું” નથી, કોઈ “ઘણાં બધા” પણ નથી. ત્યાં માત્ર ‘એક’ છે, પરંતુ ખરેખર ત્યાં ‘એક’ પણ નથી- ત્યાં કશું નથી. આનો ઉલ્લેખ ઘણી જુદી-જુદી રીતે કરવામાં આવે છે. તેને ‘શૂન્ય’ કહેવાય છે અને ‘શી-વા” કહેવાય છે. માત્ર “એ જે છે” તેની સંખ્યા હોય છે. “એ જે છે નહીં” તેની સંખ્યા ન હોઈ શકે.
અંકો એ ભૌતિક અસ્તિત્વનું કુદરતી પરિણામ છે કારણકે ભૌતિક અસ્તિત્વની આવશ્યક સીમાઓ હોય છે. “તમે અને હું” હયાત છીએ કારણકે જે તમે પોતાને માનો છો અને તેની એક સીમા છે – શારીરિક અને મનોવૈજ્ઞાનિક બંને અને એક સીમા છે જેને તમે માનો છો કે ‘હું’ છું. એમ, બે અંક થાય છે. તે પછી સરવાળો અને ગુણાકાર છે.
માત્ર, જયારે કોઈ ભૌતિક અસ્તિત્વને ઓળંગે છે ત્યારે ત્યાં અંકો વિનાનું અસ્તિત્વ હોય છે. જયારે ખરું સંગમ થાય છે, ત્યારે તે બધી વસ્તુઓને એક નથી બનાવતું પરંતુ તેને નહીવત બનાવે છે. જયારે આપણે કહીએ કે કોઈ વસ્તુ અમર્યાદિત કે અસીમ છે, ત્યારે આપણે એમ પણ કહીએ છીએ કે તે અસંખ્ય છે. કોઈપણ સીમા ન હોવાનો અર્થ એ છે કે ત્યાં ‘એક’ કે ‘બે’ નથી. એક અસંખ્ય (શૂન્ય) અસ્તિત્વ ત્યારે જ શક્ય બને છે જયારે યોગ અથવા સંગમની સંપૂર્ણ સ્થિતિ હોય. આ મારા જીવનનો પ્રયાસ છે- લોકોને તે અસંખ્ય (શૂન્ય)ની સ્થિતિમાં લઈ જવાનો અને તેનો અનુભવ કરાવવાનો.
શબ્દોના જાદુની જેમ અંકોનો જાદુ પણ ગણિતના રૂપમાં સુંદર છે. શબ્દો અને અંકો એ બે અલગ વસ્તુઓ નથી. કારણકે એક શબ્દ હોવાથી, બીજા ઘણાં શબ્દો બની શકે અને તેવી જ રીતે, એક અંક હોવાથી અન્ય ઘણા અંકો શક્ય છે. આ બધું અસ્તિત્વનાં ભૌતિક અભિવ્યક્તિનું પરિણામ છે. જો કોઈ ભૌતિકતાની પરે જાય છે, તો પછી આપણે તેને માટે, ‘આધ્યાત્મિક’ જે સૌથી ‘ભ્રષ્ટ’ શબ્દ છે, તેનો ઉપયોગ કરીએ છીએ. આધ્યાત્મિક એટલે સંખ્યા વિનાનું (શૂન્ય) અસ્તિત્વ.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
(ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે. તેમણે મિરેકલ ઓફ માઈન્ડ એપ પણ આપી છે, જેનો હેતુ 3 અબજ લોકોને માનસિક સુખાકારીના સાધનો આપીને સશક્ત કરવાનો છે.)
