સદ્‍ગુરુ: જીવન અને મૃત્યુ

મોટાભાગના મનુષ્યો માટે જીવનનું સૌથી ગહન અને રહસ્યમય પાસું મૃત્યુ છે કારણ કે ભલે લોકોએ ગમે તેવી વાતો સાંભળેલી હોય છતાં તેઓ હજુ મૃત્યુ શું છે તે સમજી નથી શક્યા. વિજ્ઞાન કે ફિલોસોફી બંનેમાંથી કોઈ મૃત્યુ શું છે તે સમજી નથી શક્યા.

મૃત્યુ અત્યંત રહસ્યમય અને ગહન લાગવાનું કારણ છે ફક્ત “શોર્ટ ટર્મ મેમરી લોસ”. જો તમારી યાદશક્તિ એવી હોત કે દરરોજ સવારે તમને ગયેલો દિવસ ભુલાઈ જાય, અને તમને યાદ ના રહે કે તમે કાલે રાતે સુવા ગયેલા, તમારી જાણમાં માત્ર એટલું જ હોય કે તમે જાગ્યા, તો દરરોજ, તમે જાણે કોઈ જાદુઈ દુનિયામાં ખોવાઈ ગયા હોવ તેવું લાગે અને બધું જ અત્યંત રહસ્યમય લાગે. નિંદ્રાની અમુક કલાકો તમારા જીવનનું અત્યંત રહસ્યમય અને ગહન પાસું હોત કારણ કે તમને તમે સુવા ગયેલા અને ઉઠ્યા તે યાદ નથી.

મૃત્યુની ગહનતા અને તેનું રહસ્ય પણ તેવું જ છે. મૃત્યુ એક સાદી વસ્તુ છે, તેમાં કશું જ ગહન કે રહસ્યમય નથી. તે કશુંક એવું છે જે લોકો સાથે અનેક વાર થાય છે. આધ્યાત્મિક પ્રક્રિયા મૃત્યુ વિશે નથી – તમે એવા કશાકની ખોજ કરી રહ્યા છો જે મૃત્યુ કરતાં વધારે ગહન છે. તે મૃત્યુના મૂળથી મુક્ત થવા વિશે છે, જે વાસ્તવમાં જન્મ છે. જન્મથી મુક્ત થવું સ્વાભાવિક રીતે જ મૃત્યુથી મુક્ત થવું છે. તેથી આધ્યાત્મિક પ્રક્રિયા જીવન કે મૃત્યુ વિશે નથી. શરીર જ જીવન અને મૃત્યુ છે – આધ્યાત્મિક પ્રક્રિયા તમારા પોતાના વિશે છે – જે ન તો જન્મ છે કે ન તો મૃત્યુ.

જન્મ અને મૃત્યુ માત્ર માટીકામનો વ્યવસાય છે – માટીનો થોડોક ભાગ લઇ તેને માણસનો આકાર આપી તેને ચાલતો અને બોલતો કરવો. આ માટીકામનો વ્યવસાય જે થોડા સમય પછી કઠપૂતળીમાં ફેરવાય જાય છે તે એક સરળ કારીગરી છે. પ્રેક્ષકની નજરે નાટક જોવું એક વસ્તુ છે. પરંતુ પડદાની પાછળથી નાટક જોવું સાવ બીજી જ વસ્તુ છે. એક વાર તમે પડદાની પાછળથી નાટક જોવાનું ચાલુ કરો તો થોડા સમય પછી તમે તેનાથી ધરાઈ જશો. તમે કદાચ તેની રચનાનો આનંદ માણો, પરંતુ તમે તેની વાર્તા કે તેના અભિનયથી રોમાંચિત નહિ થાઓ કેમ કે તમને ખબર છે કે આ બધું કઈ રીતે બન્યું છે. માત્ર તે લોકો જેમની યાદશક્તિ નબળી છે – દરરોજ તેઓ આવીને એ જ નાટક જુએ છે પરંતુ તેઓએ ગઈકાલની સ્મૃતિ ગુમાવી દીધી છે – તેમના માટે આ ખુબ રોમાંચક અને પડકારજનક વસ્તુ છે.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસૂદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં જેમનો સમાવેશ થાય છે તેવા સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને વિખ્યાત લેખક છે. સદ્‍ગુરુને તેમની અદ્ભુત અને વિશિષ્ટ સેવાઓ માટે ભારત સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” થી ૨૦૧૭માં સન્માનિત કરવામાં આવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]