NSE કો-લોકેશન કૌભાંડઃ CBIએ ભૂતપૂર્વ CEO ચિત્રાની ધરપકડ કરી 

નવી દિલ્હીઃ CBIએ રવિવારે રાત્રે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ચિત્રા રામકૃષ્ણની ધરપકડ કરી હતી. તેમને બે સપ્તાહની હિરાસતમાં લેવાની સંભાવના છે. તેમને NSEના ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર (GOO) આનંદ સુબ્રમણ્યનની સાથે હાજર કરવામાં આવશે. એજન્સી આ બંને જણની કસ્ટડીના રિમાન્ડ માગશે.

ચિત્રાને સુબ્રમણ્યનની સામસામે બેસાડવામાં આવશે અને તેમનાં નિવેદનો એકસાથે નોંધવામાં આવશે, એમ સૂત્રોએ કહ્યું હતું. CBI તેમનાં દ્વારા એકત્ર કરવામાં આવેલા પુરાવાની પુષ્ટિ કરવાના પ્રયાસ કરશે. NSEના કો-લોકેશન કૌભાંડ મામલે આ બીજી ધરપકડ છે. રામકૃષ્ણને તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. સુબ્રમણ્યનની 24 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને CBIની હિરાસતમાં મોકલવામાં આવ્યા હતા.રામકૃષ્ણ અને સુબ્રમણ્યનને એવન્યુ કોર્ટમાં લઈ જતાં પૂર્વે સરકારી હોસ્પિટલમાં તેમનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવે એવી શક્યતા છે. આ ઉપરાંત એજન્સી તેમને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ રજૂ કરે એવી શક્યતા છે. એજન્સી મામલે 2018થી તપાસ કરી રહી છે, પણ તેમને રહસ્યમય યોગીની ઓળખ કરવા માટે કોઈ નક્કર પુરાવા નથી મળ્યા- જે ખાનગી માહિતી ચિત્રાએ શેર કરી હતી. સેબીએ હાલમાં જ તેમને રૂ. ત્રણ કરોડનો દંડ ફટકાર્યો હતો.

NSEના માળખા, ડિવિડન્ડનો સિનારિયો, ફાઇનાન્સિયલ પરિણામો, હ્યુમન સિસોર્સિસની નીતિઓ અને સંબંધિત મુદ્દાઓ અને નિયામકની પ્રતિક્રિયા વગેરેની માહિતી યોગી સાથે શેર કરવામાં આવી હતી. પહેલી એપ્રિલ, 2013એ રામકૃષ્ણ NSEના CEO અને MD બન્યાં હતાં અને એ જ વર્ષે તેઓ સુબ્રમણ્યનને સલાહકાર તરીકે લાવ્યા હતા. સુબ્રમણ્યને ઓક્ટોબર, 2016માં અને ડિસેમ્બર, 2016માં રામકૃષ્ણએ NSE છોડ્યું હતું.