અધ્યાત્મિક પ્રક્રિયામાં ઉતરવા માટેનું એક પાસું એ છે કે તમારું જીવન પુરઝડપથી આગળ વધે. આધ્યાત્મિકતાનો એક સ્તર પર અર્થ એ થાય કે તમે વિકાસની સામાન્ય પ્રક્રિયા થવાની રાહ જોવા તૈયાર નથી, તમે તેને ઝડપી કરવા માંગો છો. એકવાર તમે તેને પુર વેગથી આગળ વધારો એટલે તમારું સુખ, તમારી પીડા, તમારું દુઃખ બધું જ તમારા જીવનમાં તીવ્ર બની જાય છે.
તમારી ઊર્જાઓ એમ પણ હંમેશા સર્વોચ્ચ તરફના પથ પર કેન્દ્રિત હોય છે, પરંતુ એકવાર તમે આધ્યાત્મિકતાના અમુક પાસાઓનો સ્પર્શ કરશો એટલે તે પુરઝડપે આગળ વધશે. તે વિકાસની સામાન્ય પ્રક્રિયા પ્રમાણે ધીમી ગતિથી આગળ વધતું હતું પરંતુ હવે તે ઝડપી બન્યું છે. જયારે તેની ગતિ ધીમી હતી ત્યારે પણ પીડા હતી પરંતુ તમને તેનો વધુ અનુભવ નહોતો કારણકે તે ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યું હતું. હવે તે ઝડપી બન્યું છે, તમારા વાહન પ્રમાણે- જો ચારેય પૈડા એક જ દિશામાં હોય તો તે સરળતાથી વહે છે. જો એક પૈડું ખોટી દિશામાં ફરે તો સંઘર્ષ થાય છે, અને વધારે નુકસાન થાય છે કારણકે તે ઝડપથી મુસાફરી કરે છે.
એટલે, એકવાર તમે તમારી ઊર્જાઓ આ પથ પર કેન્દ્રિત કરો, ત્યારે તે ખુબ અગત્યનું છે, કે તમારું મન, શરીર અને ભાવનાઓ તે જ દિશામાં ગોઠવાય અને સહકાર આપે. તમારા મન અને લાગણીઓને નાજેવી વસ્તુઓમાં ફસાવાનો પ્રયાસ ના કરશો, કારણકે જો તમારી ઊર્જાઓ એક તરફ હોય અને તમારૂ મન અને લાગણીઓ કોઈ બીજી તરફ જાય તો તે સંઘર્ષ પેદા કરશે. એ તમારી ઉપર નિર્ભર છે કે તમે તમારું મન, ભાવનાઓ- બધું જ તે દિશામાં રાખો. જો તમે તેમ કરશો તો આનંદમય રીતે મુસાફરી કરી શકશો. જો નહીં, તો તમે મુસાફરી તો કરશો પરંતુ બૂમાબૂમ અને રડતાં રડતાં કરશો.
હવે તમારી ઊર્જાઓને અંતિમને પામવા માટેની ગોઠવણી કરો, તે જ રીતે તમારા મન અને ભાવનાઓની પણ ગોઠવણ કરો. તો શું તેનો અર્થ એમ થાય કે તમે તમારા પરિવારને અથવા તો બીજા બધાને છોડી દો? બિલકુલ નહીં. તમારે ક્યાંક તો રહેવું પડશે, ખરુંને? તમારા માટે જ્યાં પણ અનુકુળ હોય – પરિવાર સાથે, આશ્રમમાં કે પછી જંગલમાં – ત્યાં રહો. જો તમારો પરિવાર જરા પણ અનુકૂળ ન હોય તો જંગલમાં જાઓ. જો જંગલ અનુકૂળ ન હોય તો શહેરમાં રહો. જે તમારી માટે યોગ્ય હોય અને તમને જ્યાં પણ ફાવે તમે ત્યાં રહો. તેને તમારી આધ્યાત્મિકતા સાથે કોઈ લેવા-દેવા નથી. તેને તમારા રહેવાના સ્થાન સાથે કંઇક લેવા-દેવા છે.
જો તમારી પીડા, તમારી ખુશીઓ, જો બધી વસ્તુઓ તીવ્ર બની જાય તો એવું ક્યારેય ન વિચારશો કે કૃપા નથી થઈ રહી. તે જ કૃપા છે. કૃપાનો અર્થ એ નથી કે તમારી દરેક સમયે પ્રિય વ્યક્તિ તરીકે સારભાર કરવામાં આવે. કૃપાનો અર્થ છે કે તમને વારંવાર ઉતાવળ કરાવવી અને તમને ક્યાંય પણ જંપીને બેસવા ન દેવા.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
(ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.)
