ઓળખ એ તમારું એકમાત્ર બંધન છે…

લોકો પોતાની અંદરના આધ્યાત્મિક પરિમાણોને ગુમાવતા હોય છે, તેનું કારણ છે તેઓની પોતાની સાથેની એવી ઓળખ જે વાસ્તવમાં નથી. તેઓ તેમની સંપત્તિ, તેમના સામાન સાથે, લોકો સાથે, તેમના પોતાના શરીર, તેમના ધર્મ અથવા કોઈ પ્રતીક અથવા ભગવાન સાથે ઓળખાય છે. આ જ કારણ છે કે માનવતા આધ્યાત્મિક થઈ નથી. તમે વિચારો છો કે તમે જે છો તેના સિવાય કોઈ બીજા જ છો; તે જ આખી સમસ્યા છે.

જો તમે ખરા અર્થમાં આધ્યાત્મિક પ્રક્રિયાને જોઈ રહ્યા છો, તો કોઈ આધ્યાત્મિક પ્રક્રિયા કોઈ વસ્તુથી પોતાની ઓળખ બનાવીને થઈ શકતી નથી. પરંતુ મોટા ભાગે, આધ્યાત્મિકતાના નામે, લોકો ફક્ત એક નવી ઓળખ બનાવે છે. તેઓ જૂની ઓળખાણથી નવી ઓળખ તરફ વળે છે. કશાકની સાથે ઓળખાણ મેળવવી અને સ્થાપિત થવાની લાગણી કેળવવી, તે તમને જીવન અને મરણમાંથી દોરી નહીં જાય. તે ફક્ત તમને થોડી નાની ઉથલપાથલ થકી લઈ જશે જે તમારા જીવનમાં થઈ શકે છે. હમણાં, જો તમે લોકોના ચોક્કસ જૂથ અથવા કોઈ ચોક્કસ ઓળખ સાથે ઓળખાઈ જાઓ, તો આ તમને રોજિંદા ધોરણે રસ્તા પરની મુશ્કેલીઓ પસાર કરવામાં મદદ કરશે. પરંતુ જો તમે મુક્તિની શોધમાં છો, તો તમારે ખરેખર બંધન શું છે તેના મૂળભૂત તત્વો પર ધ્યાન આપવું પડશે.

એકમાત્ર બંધન એ છે કે તમે જે વસ્તુઓ નથી તેની સાથે તમારી ઓળખ બનાવો છો. શરીરથી શરૂ કરીને, તમારી વિચારવાની અને અનુભૂતિની રીતોથી અને તેમાંથી જે બહાર નીકળ્યું છે તે બધુ, તમે તે બધાથી ઓળખાઈ જાઓ છો. જો કોઈ કાપડનો ટૂકડો તમારો છે, જો હું તેને ફાડીશ તો તે તમને દુ:ખ પહોંચાડશે. તમારી દિવાલ, જો હું તેને ખોતરું તો તે તમને દુ:ખ પહોંચાડશે. હકીકતમાં, તમે તમારા કાર્યોમાં જેટલા મોટા અને મોટા થશો, તે તમને વધુને વધુ દુ:ખ પહોંચાડશે કારણ કે દરેક વ્યક્તિ એની પર ચાલે છે જે તમારું છે. એક માણસ કે જે શેરીમાં ચાલે છે, ફક્ત એક જ શબ્દથી તે તમારા મન અને ભાવનાઓને કચડી શકે છે. તેથી, એકવાર તમે મન અને શરીર સાથે ઓળખાવ, તે એક વિશાળ અને અનંત બંધન છે; તે આગળ વધ્યા કરે છે.

આધ્યાત્મિકતાનો મૂળ આધાર, તેની મૂળભૂત પ્રક્રિયા ફક્ત આ છે, તમે બધું જ અસ્થિર કરો છો. તે જ સમયે, તમે એક એવી સિસ્ટમ વિકસાવો કે જેની સાથે તમે સંપૂર્ણ અસંતુલિત પરિસ્થિતિમાં તમારું સંતુલન જાળવી શકો, જેથી તમે જો નરકમાં પણ ઉતરશો, તો પણ તમને તકલીફ નહિ પડે. તમે તમારા જીવનમાં કટોકટી થાય તેની રાહ જોતા નથી, તમે દરેક સંભવિત કટોકટી પેદા કરી રહ્યા છો જે તમારી અંદર તમારી સાથે થઈ શકે અને છતાં પણ તમે સંતુલન જાળવી શકો છો.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]