ઈશ્વરના રહસ્ય પરથી પડદો ઉંચકાયો

જ્યારે તમે તમારી માતાના ગર્ભમાંથી બહાર આવ્યા અને જોયું તો આટલું બધું સર્જન દેખાયું. તમને આશ્વર્ય થયું કે આ નિર્માણ કોણે કર્યું હશે. સ્વાભાવિક રીતે તમે તમારી માતા સામે જોયું. તમારી માતાએ તમને જન્મ આપ્યો છે પણ આ ગ્રહને જન્મ આપે તેવી ક્ષમતા તેમનામાં જણાતી નથી. પછી તમે તમારા પિતા સામે જોયું પણ તેમનામાં પણ એવી ક્ષમતા હોય તેવું લાગ્યું નહીં. તમારી આસપાસ એવું કોઈ તમને લાગ્યું નહિ જે આ સર્જન કરવામાં સક્ષમ હોય. તેથી એક પ્રશ્ન સ્વભાવિક પણે ઉદ્ભવે છે કે આ સમગ્ર બાબતનો આધાર શું છે. અમુક લોકોમાં આ સવાલ સચેતન અવસ્થામાં હોય છે પરંતુ મોટાભાગના લોકોમાં તે અચેતન હોય છે. એક નાના બાળકમાં ઘુમરાતા આ અચેતન સવાલનો એક સામાન્ય જવાબ એ છે કે ઉપર કોઈ છે જેણે આ સમગ્ર નિર્માણ કર્યું છે.

આપણે અત્યારે માનવ આકારમાં છીએ તેથી એવું વિચારીએ છીએ કે ઇશ્વર એ બહુ મોટો મનુષ્ય છે. સ્વયં કરતા મોટી બાબતને જોવાનો આ એક માનવીય દ્રષ્ટિકોણ છે. નહિંતર મનુષ્યને એવું લાગશે કે તે ખોવાઇ ગયો છે. વિજ્ઞાનના વિકાસ અને આટલુ સંશોધન કર્યા બાદ પણ તમને ખબર નથી કે આ અસ્તિત્વ ક્યાં શરૂ થાય છે અને ક્યાં તેનો અંત છે. આ અનંત બ્રહ્માંડમાં એક ટચૂકડો ગ્રહ એક નિર્ધારિત ગતિએ ઘુમી રહ્યો છે અને તેના પર તમે ફરી રહ્યા છો તે અત્યંત અસુરક્ષિત બાબત લાગે છે. તેથી એક વિશાળ વિચારને વળગી રહેવું અત્યંત સ્વભાવિક છે.

આજે લોકો એ બાબતે વાદ વિવાદ કરે છે કે ઇશ્વર સ્ત્રી છે કે પુરૂષ, શ્વેત છે કે શ્યામ ? ઇશ્વર વિશે આપણી જે માન્યતાઓ છે અને જે પણ વિચાર છે તેઓ સંપૂર્ણપણે સાંસ્કૃતિક છે. જો તમારા પર થોડું વધારે કામ કરવામા આવે તો તમને કંઇ પણ માનવા માટે રાજી કરી શકાય છે.

જો મનુષ્યને તેમના અસ્તિત્વની પરમ ક્ષમતા જાણવી હોય તો એ અત્યંત જરૂરી છે કે તેઓ ઇમાનદારીથી એ સ્વીકારે કે, “જે હું જાણું છું, તે હું જાણું છું અને જે હું નથી જાણતો તે નથી જાણતો. ” જે કંઇ પણ તમે નથી જાણતા તેને માન્યતાઓથી ઢાંકવાનો પ્રયત્ન કરશો તો તમે માત્ર વાતો જ કરશો, વાસ્તવિકતામાં કંઇ જાણી નહિ શકો.

માન્યતાનો અર્થ જ એ થાય છે કે તમે જાણતા નથી. તમે અથવા તો તમારી સંસ્કૃતિએ બાંધેલી તે ધારણા છે. સામાન્ય રીતે એવું દર્શાવવામાં આવે છે કે આ ગ્રહ પર જેટલા સંઘર્ષ થાય છે તે સારા અને ખરાબ વચ્ચે છે. પણ એવું નથી, તેઓ હંમેશા એક વ્યક્તિની માન્યતા વિરુદ્ધ બીજી વ્યક્તિની માન્યતાનો સંઘર્ષ છે.

જો તમે સૃષ્ટિના કેન્દ્રને જાણવા માંગતો હો તો તમારે સૌથી પહેલા એ દરવાજા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જે તમારી પાસે છે અને તે જ સૃષ્ટિનો સૌથી આત્મીય ભાગ છે જેના સંપર્કમાં તમે છો- તે છે સ્વયં તમે.  જો તેને તમે પૂર્ણ કક્ષાએ વિકસિત નહિ કરો તો તમે અસ્તિત્વની પ્રકૃતિ કે પછી તેનો સ્ત્રોત, કંઇ પણ જાણી નહિ શકો. તમે માત્ર ધારણા ધારશો.  ધારણાઓ અને માન્યતાઓથી માત્ર આશ્વાસન મળશે, સમાધાન નહીં.

ભારત એકમાત્ર એવી સંસ્કૃતિ છે જ્યાં ઇશ્વર સર્વોપરી નથી. અહીં, મુક્તિ, કે બંધનોમાંથી સ્વતંત્ર થવું તે પરમ લક્ષ્ય છે. ઇશ્વર માત્ર એક પગથિયું છે. તમે તેનો ઉપયોગ કરી શકો, અથવા તેના પરથી કૂદીને જઇ શકો છો.

(સદગુરુ જગ્ગી વાસુદેવ)

સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદૃષ્ટા અને જાણીતા લેખક છે જેમનો ભારતના ૫૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સમાવેશ થાય છે. અભૂતપૂર્વ સેવાઓ અને વિશિષ્ટ યોગદાન બદલ ૨૦૧૭માં ભારત સરકારે સદ્ગુરુને સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર ‘પદ્મ વિભૂષણ’ થી સન્માનિત કર્યા છે.