પ્રશ્ન: સદગુરુ, હું જ્યારે પણ નવી જગ્યાએ શિફ્ટ થઉં છું, નવા લોકો વચ્ચે, મને હંમેશા તેમની સાથે હળવા-મળવામાં તકલીફ થાય છે. હું હંમેશા ભૂતકાળમાં જે લોકો સાથે હતો તેમના વિશે વિચાર્યા કરું છું. મારે શું કરવું જોઈએ?
સદગુરુ: કોઈ ભવિષ્ય વિશે વિચારી રહ્યું છે, કોઈ ભૂતકાળ વિશે વિચારી રહ્યું છે, કોઇપણ અહીં વર્તમાનમાં હાજર નથી. તમારે કોઈ વડીલ કે ઉંમરલાયક વ્યક્તિ સાથે વાત કરવી જોઈએ. તેઓ કહેશે, “ઓહ, જ્યારે હું સ્કૂલમાં હતો, જ્યારે હું કૉલેજમાં હતો….” શું તમે આવી વાતો સાંભળી છે? તેઓ જ્યારે સ્કૂલ અને કૉલેજમાં હતાં ત્યારે તમારી જેમ જ નિરંતર ફરિયાદ કરતા હતાં. પરંતુ હવે જ્યારે તેઓ પાછા ફરીને જુએ છે કે તેઓએ પોતાના જીવનને કેટલું નાકામ બનાવી દીધું છે ત્યારે અચાનક સ્કૂલનું જીવન તેમને અદ્દભૂત લાગે છે.
જો તમે હંમેશા એમ વિચારતા હો કે ભૂતકાળ વધુ સારો હતો, તો તેનો અર્થ થાય કે તમે વર્તમાનમાં સારું નથી કરી રહ્યા. ગઈકાલ તમારી માટે શ્રેષ્ઠ ન હોવી જોઈએ. આજનો દિવસ તમારો શ્રેષ્ઠ દિવસ હોવો જોઈએ કારણકે તમે એક વધુ દિવસનો અનુભવ મેળવ્યો છે. તેથી શું તમારે આજનો દિવસને તમારા જીવનનો સૌથી શ્રેષ્ઠ દિવસ ન બનાવવો જોઈએ? તમારા જીવનને એ રીતે બનાવો કે આજનો દિવસ તમારા જીવનનો સર્વશ્રેષ્ઠ દિવસ બની રહે.
જો ગઈકાલ આજ કરતા સારી હતી, તો તેનો અર્થ છે કે આપણે જીવન નથી જીવી રહ્યા, પણ આપણે મૃત્યુ સાથે વ્યવહાર કરી રહ્યા છીએ. તે સારું નથી કે તમે કોઈ નિર્જીવ વસ્તુને જીવિત વસ્તુ કરતા વધુ સારી ગણો. વીતેલો દિવસ મૃત છે. જો મૃત વસ્તુઓ જીવંત વસ્તુઓથી સારી હોય તો તેનો અર્થ છે કે આપણે જીવનના મહત્વને નથી સમજી રહ્યા.
આ લોકો અને પેલા લોકોની ચિંતા ન કરો. બસ આજના દિવસને તમારા જીવનનો શ્રેષ્ટ દિવસ બનાવો. તમે શું કરશો જો દિવસના અંત સુધીમાં તમે મૃત્યુ પામી જાઓ? “ના,ના સદગુરુ હું મૃત્યુ નહીં પામું” એવી કોઈ ગેરંટી નથી. શું હું કે તમે કાલે જીવતા હોઈશું તેની કોઈ ગેરંટી છે? આપણે જીવતા રહેવું છે પરંતુ તેની કોઈ ગેરંટી નથી.
તેથી શું એ જરૂરી નથી કે તમે આજના દિવસને તમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ બનાવો? જો તમે આમ કરતા રહેશો તો ૨૫ વર્ષોમાં તમે જોશો કે લોકો વિચારવા લાગશે કે તમે એક મહાન મનુષ્ય છો. બધાંને તમારી આસપાસ રહેવાની ઈચ્છા થશે. ૨૫ વર્ષના અનુભવ પછી, તમારો શ્રેષ્ઠ દિવસ એટલો ઉચ્ચ હશે કે સૌ કોઈને તેમાં સામેલ થવું ગમશે. અને તે એવું જ હોવું જોઈએ.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.