સદ્ગુરુ: યોગિક સંસ્કૃતિમાં, ઉનાળુ અયનકાળ જે જૂન મહિનામાં આવે છે તે દક્ષિણાયણની શરૂઆત સૂચવે છે, જેનો અર્થ છે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં, આકાશમાં સૂર્ય દક્ષિણ તરફની ગતિ શરૂ કરે છે. તેવી જ રીતે, શિયાળુ અયનકાળ કે જે ડિસેમ્બર મહિનામાં આવે છે તે ઉત્તરાયણની શરૂઆત અથવા સૂર્યની ઉત્તર તરફની ગતિને દર્શાવે છે. ડિસેમ્બરમાં ઉત્તરાયણની શરૂઆતથી જૂનમાં દક્ષિણાયણની શરૂઆત સુધીના વર્ષના અડધા ભાગને જ્ઞાન પદ તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણાયણની શરૂઆતથી ઉત્તરાયણની શરૂઆત સુધીના વર્ષના બીજા અડધા ભાગને સાધના પદ તરીકે ઓળખવામાં આવે છે. સાધનાની દ્રષ્ટિએ, દક્ષિણાયણ શુદ્ધિકરણ માટે છે, ઉત્તરાયણ આત્મજ્ઞાન માટે છે.
આ ગ્રહ સાથે જે કંઈ પણ થાય છે તેનાથી મનુષ્ય બચી શકતો નથી – હું પર્યાવરણીય પાસાઓનો ઉલ્લેખ નથી કરી રહ્યો – કારણ કે તમે જેને “હું” તરીકે ઓળખો છો તે આ ગ્રહનો માત્ર એક ભાગ છે – તે પૃથ્વી તરીકે જે છે તેના કરતાં ગ્રહનો વધુ સંવેદનશીલ અને ગ્રહણશીલ ભાગ છે. પૃથ્વીને જે કંઈ થશે તે માનવ પ્રણાલીમાં હજાર ગણું વધુ માત્રામાં થશે. વસ્તુ માત્ર એ જ છે કે તેને અનુભવવા અને તેનો ઉપયોગ કરવા માટે થોડી સંવેદનશીલતા અને ગ્રહણશીલતાની જરૂર પડે છે.
ઘણા લોકો તેનો ઉપયોગ અજાગરૂકપણે કરી રહ્યા છે, તેઓ શું કરી રહ્યા છે તે જાણ્યા વિના. અજાણતાં, ચોક્કસ દિવસોએ તેઓ અમુક રીતે વર્તે છે. દરેક માનવી, ભલે તે તેના જીવનમાં યોગ્યતાના ગમે તે સ્તરે પહોંચ્યો હોય, ભલે તે મહાન રમતવીર હોય કે કલાકાર કે સંગીતકાર કે રાજકારણી કે બુદ્ધિમાન વ્યક્તિ હોય, તે ગમે તે હોય, કોઈને કોઈ અજ્ઞાત કારણોસર ચોક્કસ દિવસો અને સમય પર તે વધુ સારી રીતે કામ કરતો જણાય છે. અને કોઈ અજ્ઞાત કારણોસર, કોઈ બીજા દિવસે એ જ વસ્તુઓ તેટલી સારી રીતે ન કરે તેવું લાગે છે. આવું એટલા માટે કારણ કે ગ્રહ અને સૌરમંડળની ગતિશીલતા તમારા પર કામ કરી રહી છે.
માનવ પ્રણાલી કેવી રીતે કાર્ય કરે છે તેના પર ઉત્તરાયણ અને દક્ષિણાયણનો મોટો પ્રભાવ રહેલો છે. તે કારણથી, આધ્યાત્મિક સાધકો તેમની પ્રવૃત્તિનું વલણ બદલી નાખે છે – જ્યારે સૂર્ય ઉત્તર તરફ જાય છે ત્યારે તેઓ એક રીતે હોય છે, જ્યારે તે દક્ષિણ તરફ જાય છે ત્યારે તેઓ બીજી રીતે હોય છે. માનવ શરીરને જો તીવ્રતા અને સંવેદનશીલતાના ચોક્કસ સ્તરે લાવવામાં આવે, તો તે પોતે જ એક બ્રહ્માંડ છે. બાહ્ય ક્ષેત્રમાં જે કંઈ થાય છે તે સૂક્ષ્મ રીતે શરીરમાં પ્રગટ થાય છે. તે દરેક સાથે થઈ રહ્યું છે, તે માત્ર એટલું જ છે કે મોટાભાગના લોકો આની નોંધ લેતા નથી. પરંતુ જો વ્યક્તિ બાહ્ય હિલચાલ પ્રત્યે જાગરૂક બને અને તેને માનવ પ્રણાલીમાં થઈ રહેલ હિલચાલ સાથે સંરેખિત કરે તો માનવ તંત્રની વધુ સંગઠિત અને હેતુપૂર્ણ પુનર્રચના થઈ શકે છે. જો તમે ઈચ્છો છો કે આ માંસ અને હાડકાનું શરીર બ્રહ્માંડના સ્વભાવને આત્મસાત કરે, તો ઉત્તરાયણ અને દક્ષિણાયણની આ હિલચાલને સમજવી અને તેની સાથે સુસંગત રહેવું ખૂબ જ જરૂરી છે.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
(ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.)