સદ્ગુરુ: બ્રહ્મચર્ય’ શબ્દનો ખરો અર્થ થાય છે: ‘બ્રહ્મન્ ‘ એટલે ‘દિવ્ય’ અથવા ‘પરમ’, ‘ચર્ય’ એટલે ‘માર્ગ.’ બ્રહ્મચર્યનો અર્થ છે ‘પરમના માર્ગ પર હોવું.’ પરમના માર્ગ પર હોવું એટલે કે તમારી પાસે તમારી પોતાની કોઈ અંગત યોજનાઓ નથી. તમે બસ જે જરૂરી છે તે કરો છો. તમારે તમારા જીવનમાં ક્યાં જવું જોઈએ , તમારે શું કરવું જોઈએ, અથવા તમને શું પસંદ છે અને શું નાપસંદ છે, તમારી પાસે તે નક્કી કરવાની કોઈ અંગત રીતો નથી; આ બધી વસ્તુઓને એમ જ તમારી પાસેથી લઈ લેવામાં આવી છે. જો તમે આ અનિચ્છાએ કરો, તો તે પૂરી રીતે પીડાદાયક બની શકે છે. જો તમે તે સ્વેચ્છાએ કરો, તો તે તમારા જીવનને એકદમ અદ્ભૂત અને સુંદર બનાવી દે છે કારણ કે હવે કોઈ વસ્તુ તમને હેરાન નથી કરતી. તમે ફક્ત જે જરૂરી છે તે જ કરો છો; જીવન એકદમ સરળ છે. એકવાર તમે તમારી જાતને તે પ્રમાણે સમર્પિત કરી દો પછી, તમારે આધ્યાત્મિક માર્ગ વિશે વિચારવાની કે તમારી આધ્યાત્મિકતા વિશે ચિંતા કરવાની જરૂર નથી. તેની કાળજી લેવાઈ ગઈ છે. તમારે તેના વિશે ખરેખર કંઇ કરવાની જરૂર નથી.
તો શું કોઈ વ્યક્તિએ દિવ્યતાના માર્ગ પર ચાલવા માટે એક ઔપચારિક નિર્ણય કરવો જોઈએ? એવી કોઈ વસ્તુ નથી – દરેક વ્યક્તિએ દિવ્યતાના માર્ગ પર હોવું જોઈએ. પરંતુ તે માત્ર એટલું જ છે કે શરીર, લાગણી અને વિચારનો પ્રભાવ મનુષ્યમાં એટલો બધો પ્રબળ હોય છે કે તેઓ પોતાની જાતે તે માર્ગ પર રહી શકતા નથી. તેથી તેમને એક ખાસ રીતે દીક્ષા આપવામાં આવે છે. એક ચોક્કસ સાધના અને તેમની ઊર્જાનું એક ખાસ રીતે રૂપાંતરણ કરવામાં આવે છે. તે બસ તેમની ઊર્જાને બિલકુલ અલગ દિશામાં વાળે છે. તે જ બ્રહ્મચર્ય દીક્ષા છે. તે ફક્ત કપડાં બદલવાની વાત નથી.
કપડાં એમના માટે નથી હોતા. કપડાં સમાજ માટે હોય છે જેથી લોકો તેમને બ્રહ્મચારી હોવામાં સહાય કરે. જો કોઈ વ્યક્તિ સિગારેટ કાઢે, તો તે તેની બાજુમાં બેઠેલી વ્યક્તિને ઓફર કરશે. પણ જો તે બ્રહ્મચારી વસ્ત્રો જોશે તો તે ઓફર નહીં કરે. જો તે તેને સળગાવવા માંગે તો પણ દૂર જઈને તેને સળગાવશે. તો કપડાં અને દેખાવ સમાજમાંથી આ સહાય મેળવવા માટે હોય છે. તેમનું બ્રહ્મચર્ય તેમના વસ્ત્રોમાં નથી; તેમનું બ્રહ્મચર્ય તેમની ઊર્જાઓ જે રીતે રૂપાંતરિત થયેલી છે તેમાં છે.
તો શું હું બ્રહ્મચારી બન્યા પછી પણ મારી જીવવાની રીત અને જીવનશૈલી જાળવી શકું? તો પછી બ્રહ્મચર્યનો કોઈ અર્થ નથી. બ્રહ્મચર્ય એ કોઈ પ્રકારની ઘેલછા કે ફેશન નથી જેને તમે અપનાવો છો. તે તમારી વ્યક્તિગત યોજનાઓને છોડી દેવાની એક રીત છે, જ્યાં તમે ક્યાં હોવું, શું કરવું, કેવી રીતે રહેવું, કંઇ જ નક્કી કરતા નથી; તમે બસ તેને છોડી દો છો. જો તે અનિચ્છાએ કરવામાં આવે છે, તો તે પીડાદાયક છે. જો તે સ્વેચ્છાએ કરવામાં આવે તો જીવન એકદમ સરળ બની જાય છે.
(સદ્ગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.