એક સાચી પ્રાર્થના

મોટાભાગના લોકો માટે, તેઓ જેને પ્રાર્થનામાં માંગે છે તે ભગવાન નથી પરંતુ સુરક્ષા અને ખુશી છે. તેમની પ્રાર્થના ફક્ત આ વિશે છે: “ભગવાન મને આ આપો, તે આપો, ભગવાન મને બચાવો.” આખરે, તેઓ પ્રાર્થનામાં જે ઇચ્છે છે તે સુખાકારી છે, પરંતુ તેઓ તે સ્વીકારવા તૈયાર નથી. જો તમે ખરેખર તમારા જીવનમાં આગળ એક પણ પગલું ભરવા માંગતા હોવ, તો પહેલું પગલું સીધું તમારા પોતાના સાથે હોવું જોઈએ. માત્ર ત્યારે જ આપણે સાચી ખુશી અને સુખાકારીની મર્યાદાઓના ઉંબરાને પાર કરીશું.

આ તે સમય છે જ્યારે આપણે અનુભવ્યું કે જ્યાં સુધી આપણે પોતાની મૂર્ખતાને ના ઓળખીએ ત્યાં સુધી ભગવાન તરફ આશાથી જોવું મદદ કરશે નહીં. જો તમે ધર્મ પ્રત્યેની તમારી ઉંડી પ્રેરણાને નિષ્ઠાથી જોશો, તો તમે જોશો કે તમે ક્યારેય દિવ્ય માટેની ઈચ્છા નથી કરી – તમારી આકાંક્ષા ક્યારેય અંતિમ માટે નહોતી. તે આરામ, સંપત્તિ, શક્તિ અને આનંદ માટે છે, અને તમે વિચારો છો કે ભગવાન તે વસ્તુઓ પ્રાપ્ત કરવા માટેનું એક સાધન છે. જ્યારે તમે રક્ષણ અથવા સંપત્તિની શોધ કરો છો, ત્યારે લોભ અને ભય તમારી પ્રાર્થનાનો આધાર બની જાય છે. આ કામ કરશે નહીં.

આપણે સામાન્ય રીતે, પ્રાર્થના એ ભગવાન સુધી પહોંચવાનું એક સાધન હોવાનું વિચારીએ છીએ. પરંતુ આપણે ખરેખર ઈશ્વર વિશે શું જાણીએ છીએ? જો તમે તેને સત્યતાથી જુઓ તો તમારે સ્વીકારવું જ જોઇએ કે તમને ભગવાનનો સીધો અનુભવ નથી. તમે હમણાં કોઈ ચોક્કસ પ્રકારની માન્યતા જ ધરાવો છો. ભગવાન પાસે પહોંચવા માટે પ્રાર્થનાનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણી પાસે કોઈ સીધો અનુભવ નથી, તે ભ્રાંતિપૂર્ણ હોઈ શકે છે. વિચારો અને પ્રાર્થના વ્યક્તિને ખોલી શકે છે, પરંતુ તે જ સમયે તે ભ્રમણા બનાવી શકે છે.

ભ્રાંતિ એ મોટાભાગના લોકો માટે વાસ્તવિકતા કરતા વધુ શક્તિશાળી અનુભવ છે કારણ કે ભ્રમણા જે ઇચ્છે તે કંઈપણ બનવાની સ્વતંત્રતા ધરાવે છે. ઘણા લોકો માટે વાસ્તવિક જીવન કરતાં સિનેમા વધુ શક્તિશાળી હોય છે. તમે ઇચ્છો તે રીતે ભ્રાંતિની અતિશયોક્તિ કરી શકો છો. જ્યારે ભ્રાંતિ પ્રક્રિયા અતિશયોક્તિપૂર્ણ બને છે, ત્યારે તે જીવન કરતાં વધુ શક્તિશાળી બને છે. તેથી પ્રાર્થનાનો માત્ર દુરુપયોગ જ નહીં, તે ભ્રામક પણ બની શકે છે. જો તમે વાસ્તવિકતામાં આવવા માંગતા હો, તો ભ્રમણાઓ દૂર કરવી પડશે.

લોકોને સમજવાની જરૂર છે કે એ પ્રાર્થના નથી જેનાથી ફરક પડે છે, એ પ્રાથનાપૂર્ણ બનવાની ગુણવત્તા છે ના કે ફક્ત કૃત્ય, જેનાથી ફરક પડે છે. પ્રાર્થનાશીલ બનવાનો અર્થ એ છે કે તમારું આખું અસ્તિત્વ એક સમર્પણ બની ગયું છે; તે તમારી જાતને અર્પિત કરવાની પ્રક્રિયા છે. પ્રાર્થનાશીલ બનવું એ દરેક વસ્તુમાં અને સર્વત્ર અંતર્ગત દિવ્ય સાથે ઉંડો જોડાણ છે. તે એક ગુણવત્તા છે, એક અવસ્થા છે.

જેમ તમે પ્રાર્થનાત્મક બનશો, તમારો અનુભવ ખૂબ જ સુંદર થતો જશે. અને જ્યારે તમે ખરેખર આનંદી હશો, ત્યારે તમે વધુ ગ્રહનશીલ બનશો. પ્રાર્થના એકપાત્રી ના બને, પરંતુ એક સુંદર ઘટના અને ઉજવણી જે ખુબ આનંદ લાવે. તો પછી આપણે ભય અથવા લોભના કારણે પ્રાર્થના કરતા નથી, કારણ કે પ્રાર્થના પોતે જ બક્ષિસ છે. પતંજલિ, જેને આધુનિક યોગના પિતા માનવામાં આવે છે, ત્યાં સુધી કહેતા કે જ્યારે કોઈ જાણે કે સાચા અર્થમાં પ્રાર્થના કેવી રીતે કરવી, ત્યારે પ્રાર્થના એ ભગવાન સુધી પહોંચવાનું સાધન નહીં, પરંતુ ભગવાન ફક્ત એક સાધન છે જેથી આપણે પ્રાર્થના કરી શકીએ.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.