ઝેન સાધુની એક વાત અને જીવવાનો આનંદ

કવાર એક બાળક તેના ગુરુજી સાથે મોટું થયું. તેણે પોતાના જીવનનો મહત્વનો સમય તેના ગુરુજી પાસે વિતાવ્યો. અનેક વર્ષો પછી તે બાળક જયારે ઉમરલાયક થયો ત્યારે તે એક ખૂબ પ્રતિભાશાળી વ્યક્તિ બની ગયો હતો. તે એક મોટા શહેરમાં એક મોટી બેંકનો વડો હતો. તેના હાથ નીચે અનેક લોકો કામ કરતા હતા. તે ખૂબ ભણીને એક નામાંકિત વ્યક્તિ બની ગયો હતો. તેના વિઝિટિંગ કાર્ડ પર અનેક ડીગ્રીઓ અને તેના વહીવટી હોદ્દાઓ લખેલાં હતાં. આજે એ ઘણા વર્ષો પછી તેના ગુરુજીને મળવા આવ્યો હતો. તેણે પોતાના ગુરુજીને મળવા માટે રીસેપ્શન પર પોતાનું કાર્ડ આપ્યું. આ કાર્ડ જયારે અંદર બેઠેલા ગુરુજીની પાસે આવ્યું ત્યારે તેમણે કાર્ડ બરાબર વાંચ્યું અને તેને ઓળખવા ઇન્કાર કરી દીધો. થોડી વાર પછી એક વ્યક્તિએ બહાર આવીને આ ભાઈને ના પાડી કે ગુરુજી અજાણ્યા વ્યક્તિઓને નથી મળતાં. આ ભાઈ થોડા આશ્ચર્ય અને થોડા દુઃખ સાથે પાછો ચાલવા લાગ્યો. થોડા પાછા ગયાં પછી તેને સમજાયું કે, કદાચ તેના ગુરુજી માત્ર ‘તેને’ મળવા માંગતા હતા, બેંકના ચેરમેનને નહીં. તે તરત પાછો દોડ્યો, તેણે રીસેપ્શન પર જઈને કહ્યું કે, મારા ગુરુજીને કહો કે ફક્ત ‘રીચાર્ડ’ તેમને મળવા આવ્યો છે. પેલા ભાઈ તરત ફરી અંદર ગયાં. આ સાંભળી ગુરુજી હસવા લાગ્યાં, તેમણે હસતાં હસતાં તેને અંદર બોલાવ્યો. રીચાર્ડ પોતાના ગુરુજીને ભેટી પડ્યો.

તિબેટના મંદિરમાં એક કાચ મુકેલો છે, કહેવાય છે આ કાચમાં પોતાને જોનારને પોતાની સાચી ઓળખ પ્રાપ્ત થઇ જાય છે. કહેવાનો આશય એ છે કે મનુષ્ય પોતાને ઓળખી શકે તેવું ભાગ્યે જ બને છે. વાત સરળ છે છતાં ગહન છે. આપણે મોટેભાગે પોતાની સાચી ઓળખથી દૂર રહીએ છીએ. આપણે સૌથી પહેલા એક માનવી છીએ, માનવ તરીકેની ઓળખ ખૂબ મહત્વની છે. સૌથી મહત્વનો હોદ્દો પણ કદાચ માનવ હોવાનો છે. તિબેટમાં સાધુઓને જયારે તેઓ અભ્યાસમાં ખૂબ આગળ વધી જાય ત્યારે છેલ્લે શવ પર ધ્યાન ધરવા માટે કહેવાય છે. તેઓ શવની ઉપર ધ્યાન લગાવીને તેને સમજવા પ્રયત્ન કરે છે. કહેવાય છે શવ પરનું ધ્યાન માણસ તેના અસલ સ્વરૂપનું ભાન કરાવી દે છે. આજે આપણે મોટાભાગના સમયમાં યાંત્રિક જીવન જીવીએ છીએ. ખાઈએ છીએ ત્યારે, સુઇએ છીએ ત્યારે અને કોઈને મળીએ છીએ ત્યારે મોટેભાગે આપણે જે તે ક્ષણમાં નથી રહી શકતા. આપણું મન તરત જ એક પછી બીજો અને બીજા પછી ત્રીજો કોયડો ફેંકતું રહે છે. આપણે પોતાનો મૂળ સ્વભાવ પણ ભૂલી જઈએ છીએ. જીવન સરળ છે, ગંભીર વાતો પણ સરળ હોય છે. પરંતુ આપણે પરિસ્થિતિના બિહામણા અને ડરામણા દ્રશ્યો જોવા લાગીએ છીએ. આપણે એ સમજવું પડશે કે આપણા વિચારો આપણી માન્યતાઓ પર આધારિત હોય છે. આપણી માન્યતા હકારાત્મક અને વર્તમાનમાં જીવવાની હશે તો આપણે ભવિષ્યના ભૂતને ભગાડી શકીશું અને વર્તમાનનો આનંદ માણતા થઈશું.

ચિંતા, સરખામણી, પસ્તાવો, ક્રોધ, બીજાને મૂલવવા, ડરવું આ બધાનો ત્યાગ કરવો પડશે. એક તિબેટીયન સાધુએ તિબેટની ઝોગચેન વિચારધારા પર પ્રકાશ પાડતા કહેલું કે, તમે પણ બોધિસત્વ પામી શકો છો. તમારી પાસે બે વિચારોની વચ્ચે એક સુક્ષ્મ સમય હોય છે. આ સમયમાં તમે જો રહી શકો તો તમે તત્કાળ સત્યને અનુભવશો. વર્તમાનમાં સ્થિર થવા માટે મનના વિચારોને અવગણવા જરૂરી છે. હું કહીશ કે અવગણવાથી પણ તેમની સાથે તમે બંધાઈ જશો. જેમ વાદળ પૃથ્વીની સપાટીને અડ્યા વગર ચાલ્યા જાય છે. તેવું જ વિચારોનું પણ છે. જો તમે વિચારો પર ધ્યાન નહિ આપો અને તેમનો બુદ્ધિપૂર્વક સામનો કરશો તો, નિરર્થક વિચારો પણ ધીરે ધીરે વાદળની જેમ ખોવાઈ જશે. એક તિબેટીયન મહાત્માએ કહેલું કે, વસ્તુ જેવી છે તેવી રીતે તેને જોઈ શકાતી નથી. આ વાત ઝેન પરંપરાની વાત છે. માણસના વિચારો હમેશા તેના ભૂતકાળના અનુભવોના ગુલામ હોય છે. ભાગ્યે જ કોઈ વિરલ વ્યક્તિ ભૂતકાળના નિરર્થક અનુભવો અને ખોટી માન્યતાઓને માનસપટ પરથી હટાવી શકે છે. જો તેમ તે કરી શકે તો નિર્વાણ એટલે કે સુંદર વર્તમાન બિલકુલ દુર નથી. તમે જયારે જે કાર્ય કરવા માંગતા હોવ ત્યારે વિશ્વાસ રાખો કે તમે જે કરવા માંગતા હતા તે કાર્ય આ જ છે, એ કાર્ય તમારા હાથે થવાનું હતું અને એ ખુબ મહત્વનું છે. તમારો કાર્ય કરવાનો આનંદ ખુબ વધી જશે.

અહેવાલ- નીરવ રંજન