જીવનમાં સફળ થવા માટે શ્રેષ્ઠ ઉપાય શું છે?

નુષ્ય અવતાર એ મહામુલો અવતાર છે. એક જીવ જ્યારે 84 લાખ અવતારો લે છે ત્યારબાદ તેને મનુષ્ય અવતારની પ્રાપ્તિ થાય છે. પરંતુ આટલો મહામુલો મનુષ્ય અવતાર મળ્યો હોવા છતા ઘણા લોકોને તેની કોઈ કીમત હોતી નથી. પરંતુ દરેક વ્યક્તિએ મનુષ્ય અવતારનું મહત્વ સમજવું જોઈએ અને ઈશ્વરમય જીવન જીવવું જોઈએ.

એક પુષ્પને ખીલવા માટે સૂર્ય પ્રકાશની જરૂર પડે છે બીલકુલ તેવી જ રીતે આપણું જીવન પણ એક પુષ્પ જેવું જ છે ઈશ્વરની કૃપારૂપી પ્રકાશ આપણને ન મળે તો જીવન શુન્ય બની જાય છે. જે મનુષ્ય જેટલી ભક્તિ કરે છે તેટલો જ તે પાવરફૂલ બને છે અને ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયેલો આ પાવર મનુષ્યને તારી દે છે.

કોઈપણ મંત્રથી તમે કોઈપણ ઈશ્વરના જપ કરીને તેમની ભક્તિ કરો ત્યારે તે ઈશ્વરની ચેતના તમારામાં પ્રવેશ કરે છે. અને જો ભાવપૂર્વકની તમારી ભક્તિ હોય તો ઈશ્વર તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓમાંથી તમને તારે છે. એટલે કે “સૂડીનો ઘા સોયથી ટળી જાય” પરંતુ જ્યારે આપણે ભગવાનની ભાવપૂર્વક ભક્તિ કરતા હોઈએ ત્યારે.

ઘણા લોકો એવું કહે છે કે ભગવાન જો હોય તો પછી દેખાતા શાં માટે નથી ? ત્યારે તે લોકોને જવાબ આપતા ચોક્કસપણે એમ કહી શકાય કે- ભાઈ તમે સૂર્યની સામે 10 મીનિટ સુધી સતત જોઈ રહો. પરંતુ 10 મીનિટ સુધી સતત સૂર્ય સામે ન જોઈ શકાય. હવે જો એક સૂર્ય સામે 10 મીનિટ સુધી તમે ન જોઈ શકતા હોય તો ભગવાન તો કરોડો સૂર્યના તેજ વાળા છે અને એટલે જ આપણે તેમને નરી આંખે જોઈ શકવા માટે સક્ષમ નથી.

મથુરાની જેલમાં જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થવાનો તે પહેલા ભગવાન વિષ્ણુ માતા દેવકી અને વસુદેવને સંદેશ આપવા માટે પ્રગટ થયા હતા અને તે સમયે પણ દેવકી અને વસુદેવ પોતાના દર્શન કરી શકે તે માટે શ્રી હરીએ તેમને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા હતા. તો કુરૂક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુને કૃષ્ણને પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવવા માટે વિનંતી કરી ત્યારે ભગવાન કૃષ્ણએ પોતાના વિરાટ દર્શન અર્જુનને કરાવતા પહેલા તેને દિવ્ય ચક્ષુ પ્રદાન કરેલા. બીલકુલ તેવી જ રીતે તમામ મનુષ્યએ એ વાત સમજવી જોઈએ કે ભગવાન કોઈ સામાન્ય ચેતના નથી અને તેને સરળતાથી જોઈ ન શકાય પરંતુ હા, આપણે ભાવપૂર્વક તેમની ભક્તિ કરતા હોઈએ તો તેમની અનુભૂતી આપણને ચોક્કસ થાય. અને તે જ અનુભૂતી આપણને જીવનમાંથી તારવામાં મદદ કરે. સામાન્ય રીતે મનુષ્ય પોતાના જીવનમાં કોઈપણ શુભકાર્ય કરે તો તેનો શ્રેય પોતે લેતો હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો,, કોઈ પીતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા અથવા અન્ય કોઈ શુભ કર્મ કરાવે તો ઘણીવાર એમ કહે છે કે ભાઈ આ કથા અથવા કર્મ તો મેં કરાવ્યું છે. અરે ભાઈ આ કથા કે કર્મ તે નથી કરાવ્યું આ કથા તો સ્વયં ભગવાને કરાવી છે માત્ર તને નિમિત્ત બનાવ્યો છે. દરેક મનુષ્યએ યાદ રાખવું જોઈએ કે ઈશ્વરની મરજી વિરૂદ્ધ એક પાંદડુ પણ હલી શકતું નથી તો પછી આપણી તો શું તાકાત છે.

ઘણીવાર લોકો પ્રશ્ન કરતા હોય કે જીવન શું છે? તો યાદ રાખવું કે જીવન ઈશ્વર તરફથી મળેલી એક અમુલ્ય ભેટ છે. આપણું શરીર એક મંદીર છે અને તેમાં રહેલો આત્મ એ મંદીરના પરમાત્મા કહેતા ઈશ્વર છે. એટલા માટે જ પ્રાર્થના અને ભક્તિ એ આત્માનો ખોરાક છે. મનુષ્યએ જીવનમાં આગળ વધવું હોય અને સફળ થવું હોય તેને ખોરાકની જરૂર પડે છે બીલકુલ તેવી જ રીતે આત્માને પણ મોક્ષની ગતી પામવા માટે પ્રાર્થના અને ભક્તિરૂપી ખોરાકની જરૂર અવશ્ય પડે છે.

આપણી પાસે એક સ્માર્ટફોન છે અને તેની બેટ્રી આપણે ચાર્જ ન કરીએ તો ફોન સ્વીચ ઓફ થઈ જાય છે. બીલકુલ તેવી જ રીતે ભક્તિ એક આપણા શરીરનું ચાર્જર છે. ભક્તિરૂપી ચાર્જર દ્વારા આ મનુષ્ય જીવનને ચાર્જ કરીશું તો ને તો જ આપણે જીવનમાં સારી રીતે પર્ફોમ કરી શકીશું.

કદાચ સૂર્ય એક દિવસ ન ઉગે તો શું થાય ? તો કહી શકાય કે પૃથ્વિ પર અંધકાર છવાઈ જાય અને સૃષ્ટીનું નીરંતર ચાલતુ ચક્ર ખોરવાઈ જાય. કારણ કે સૂર્ય પાસે પાવર છે-એનર્જી છે જે દરેક સજીવને એક ઉર્જા પ્રદાન કરે છે જેના કારણે સજીવોના શરીર ચાલે છે. બીલકુલ આવી જ રીતે આત્માને પાવર આપવા માટે ભક્તિ કરવી પડે છે જો તમે ભક્તિ ન કરતા હોવ તો આત્મા ચાર્જ થતો નથી અને પરિણામે આત્મારૂપે જે પરમાત્મા શરીરમાં રહેલો છે તે મુંઝાય છે કારણ કે તેને પાવર મળતો નથી. એટલા માટે જ ફરી ફરીને કહેવું પડે કે જીવન જો યોગ્ય રીતે ઉજ્વળ રીતે ચલાવવું હોય તો ભક્તિ સીવાય અન્ય કોઈ શ્રેષ્ઠ માર્ગ છે જ નહી. કારણ કે ભક્તિ એટલે શું? તો કહી શકાય કે ઈશ્વરનું સ્મરણ-જપ અને તપ. તો આપણે પણ ઈશ્વરનું નામ લઈને ભક્તિ કરતા રહેવું જોઈએ જેથી જેતે ભગવાન કે માતાજી પાસેથી આપણને તેમની ચેતના પ્રાપ્ત થાય અને જીવનમાં ક્યારેય નબળો વીચાર ન આવે.

નબળો વિચાર ન આવે એટલે શું થાય? તો કે મનુષ્ય પોઝીટીવ બને અને જ્યારે મનુષ્ય પોઝીટીવ અને તેની પાસે ઈશ્વરીય ચેતના હોય ત્યારે જીવનમાં તમામ માર્ગો આપમેળે ખૂલી જાય અને તકલીફો આપમેળે દૂર થઈ જાય સાથે જ મનુષ્ય જીવનમાંથી તરી પણ જવાય.

તો આવો જીવનની તમામ પ્રકારની તૃટીઓને અને તકલીફોને ભૂલી જીવનને એક સુગંધીત પુષ્પ બનાવીએ જેથી પરમાત્માના શ્રી ચરણોમાં આપણને સ્થાન પ્રાપ્ત થાય.

અહેવાલ- હાર્દિક વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]