સંસ્કૃતનો અભ્યાસ મહાકવિ કાલિદાસના અભ્યાસ વગર અધૂરો કહેવાશે. મહાકવિ કાલિદાસ સામાન્ય વ્યક્તિમાંથી સંસ્કૃતના સૌથી મોટા વિદ્વાન કેવી રીતે બન્યા તેની પાછળ રસપ્રદ કથા છે. મહાકવિ કાલિદાસના જીવનમાં ઉજ્જૈનના ગઢકાલિની ઉપાસનાએ બહુ મોટો ભાગ ભજવ્યો હતો. મહાકાળી માતાજીની કૃપાથી એક સામાન્ય વ્યક્તિ સંસ્કૃત ભાષાનો સૌથી મોટો વિદ્વાન બન્યો હતો.
વાત છે આશરે 1400 વર્ષ પહેલાંની, જયારે ઉજ્જૈનમાં એક રાજાને ત્યાં તેની પોતાની દીકરી વિદ્યોત્તમા ખૂબ જ્ઞાની અને જાણકાર હતી. આ કન્યાને જયારે લગ્ન બાબતે નિર્ણય કરવાનો હતો, ત્યારે આ કન્યાના જ્ઞાનને પહોંચે તેવો કોઈ વિદ્વાન રાજાને મળતો નહોતો. ગમે તેવા વિદ્વાનને પણ શાસ્ત્રાર્થમાં આ કન્યા ક્ષણવારમાં પરસ્ત કરી દેતી હતી. વિદ્યોત્તમાને પોતાના જ્ઞાનનું ખૂબ અભિમાન થઇ ગયું હતું, પરંતુ તે જ્ઞાની હતી તે વાત ચોક્કસ હતી. વિદ્વાનોની એક સભાએ નક્કી કર્યું કે આપણાં બધાંના અપમાનનો બદલો આ કન્યા સાથે લઈશું અને તેને એવા મૂર્ખ સાથે પરણાવીશું કે તે જીવનભર પસ્તાશે! અમુક વિદ્વાનો આવા કોઈ એક મૂર્ખને શોધવા નીકળ્યા. વનમાં તેમણે એક વ્યક્તિ જોઇ. આ વ્યક્તિ પોતે જે ડાળી પર બેઠેલી એ જ ઝાડની ડાળી કાપી રહી હતી.
તેની આ મૂર્ખામી ભરેલી હરકત જોઈને વિદ્વાનોએ નક્કી કર્યું કે આ મૂર્ખ વ્યક્તિને જ વિદ્યોત્તમા સાથે પરણાવીશું!
વિદ્વાનો આ યુવાનને લઇને પહોંચ્યાં રાજાના મહેલમાં, પરંતુ તેણે એક પણ શબ્દ બોલવાનો નહોતો એ શરત હતી. દેખાવે સુંદર લાગતા આ યુવાનને વિદ્યોત્તમાએ એક આંગળી બતાવી પ્રશ્ન કર્યો તો આ યુવાનને એમ થયું કે તે મારી એક આંખ ફોડવાની વાત કરે છે માટે તેમણે સામે બે આંગળી બતાવી! વિદ્યોત્તમાએ ત્યારબાદ પાંચ આંગળી બતાવી તો આ ભાઈએ સામે મુઠ્ઠી બતાવી! આ ભાઈ મનમાં સમજ્યા કે તું હાથ મારીશ તો હું મુક્કો મારીશ! વિદ્વાનોએ રાજાને અને વિદ્યોત્તમાને બીજી રીતે સમજાવ્યા. વિદ્વાનોએ કહ્યું કે, પહેલાં પ્રશ્નમાં તમે કહ્યું કે ઈશ્વર એક છે પરંતુ આ ભાઈનું જ્ઞાન જુઓ, તેમણે કહ્યું કે ઈશ્વર એક છે, પરંતુ આત્મા અને પરમાત્મા એમ બંને થઇ બે છે. તમે જયારે પાંચ ઇન્દ્રિયો માટે હાથ બતાવ્યો, તો આ વિદ્વાને ઈશારો કરતાં કહ્યું કે પાંચ ઇન્દ્રિયો કાબૂમાં હોય તો જ સફળ થવાય! રાજા અને વિદ્યોત્તમા આ યુવાનના જ્ઞાનથી ખૂબ ખુશ થઇ ગયાં અને વિદ્યોત્તમાના લગ્ન તેની સાથે થઇ ગયા.
થોડા સમયમાં જ વિદ્યોત્તમાને ખબર પડી ગઈ કે તેના લગ્ન એક મૂર્ખ વ્યક્તિ સાથે થયાં છે. આ બાજુ આ યુવાન પણ ખૂબ દુઃખી થયો. તેને ખૂબ સાંભળવું પડ્યું। સહન કરવું પડ્યું। પોતાની મૂર્ખતા પર બધાંને હસતાં જોઈને તેને ખૂબ લાગી આવ્યું। તેણે નક્કી કર્યું કે આજે માતાજીના ચરણમાં જ હું પ્રાણત્યાગ કરી દઈશ. મનોમન નક્કી કરીને તે ચાલી નીકળ્યો અને પહોંચ્યો ઉજ્જૈનમાં ગઢકાલિ માતાના શરણમાં। માતાજીની સામે વહેતી અશ્રુધારાએ માતાજીના ચરણમાં તે સતત પોતાનું માથું પટકવા લાગ્યો. ‘હે મા, મને કેમ આવો અવતાર મળ્યો? હું કેમ આટલો મૂર્ખ છું?’ એમ જોરથી માથું પછડાવાથી તેના માથાનું લોહી માના ચરણમાં લાગી ગયું। મહાકાળી મા પોતાના ભક્ત પર પ્રસન્ન થયાં. આ ભાઈ પોતાના ઘરે ચાલવા લાગ્યો, અને ઘરે જઈ બારણાં બંધ કરી સૂઈ ગયો. એવું કહેવાય છે કે મા મહાકાળી કાલિદાસની પાછળ પાછળ તેના ઘર સુધી આવ્યાં હતાં. માએ પોતે કાલિદાસના ઘરનું દ્વાર ખખડાવ્યું ત્યારે કાલિદાસે સહેજ ખોલીને જોયું તો તેઓ મહાકાળી માતાના સ્વરૂપને જોઈને ભાવવિભોર બની ગયાં. તેઓનું મુખ ખુલી જતાં, મહાકાળી તેમની જિહવા પર બિરાજ્યાં। મહાકાળી માતાના સાક્ષાત્કાર બાદ, તેઓ બન્યાં ‘કાલીના દાસ’ એટલે મહાકવિ ‘કાલિદાસ’।
જેની પર પરા આદ્યં શક્તિ રીઝી જાય, જે માના શરણમાં વ્હાલો થાય તેને બધું જ મળી જાય છે. પછી તો કાલિદાસ જે બોલે તે જ શાસ્ત્ર બની જતું। ઉપમા કાલિદાસસ્ય, કાલિદાસ સમાન કોઈ ઉપમા આપી ન શકે. સાત અમર કૃતિઓ સાથે અનેક રચનાઓની સાહિત્યિક બરાબરી શકે તેવો કાલિદાસ બાદ કોઈ વિદ્વાન આવ્યો નથી. આ બધું આદ્યશક્તિનો સાક્ષાત્કાર નહીં તો બીજું શું? ઉજ્જૈનમાં ગઢકાલિનું મંદિર છે, જ્યાં મહાકવિ કાલિદાસે મહાશક્તિનો સાક્ષાત્કાર કર્યો હતો. મારા ગુરુજી કહેતાં હતાં કે પરા આદ્ય શક્તિ વગર સફળતા ન મળે, એમ સાધના વગર વિદ્વાન પણ ન બને.
નીરવ રંજન