દેવઉઠી એકાદશીઃ શુભ સમય, પૂજા વિધિ, વ્રત કથા અને તુલસી વિવાહનું મહત્વ

દેવઉઠી એકાદશીનું વિશેષ ધાર્મિક મહત્વ છે. હિન્દુ માન્યતાઓ અનુસાર સૃષ્ટિના પાલનહાર શ્રી હરિવિષ્ણુ ચાર મહિનાની નીંદર પછી દેવઉઠી એકાદશીએ જાગે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ શાલીગ્રામ રૂપમાં તુલસીવિવાહ કરે છે. દેવઉઠી એકાદશીથી જ તમામ માંગલિક કાર્યો જેવા કે લગ્ન, નામકરણ, મુંડન, જનોઈ અને ગૃહપ્રવેશની શરૂઆત થાય છે.

હિન્દુ પંચાંગ અનુસાર દેવઉઠી એકાદશી અથવા તો તુલસી વિવાહ કારતક મહિનાના સુદ પક્ષમાં એકાદશીના દિવસે મનાવવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર અનુસાર આ એકાદશી દર સાલ નવેમ્બરમાં આવે છે. આ વખતે દેવઉઠી એકાદશી-તુલસી વિવાહ 8 નવેમ્બર, 2019ના રોજ આવે છે.

દેવઉઠી એકાદશી તિથિ અને શુભ મુહૂર્ત

દેવઉઠી એકાદશીની તિથિઃ તારીખ 8 નવેમ્બર, 2019

એકાદશી તિથિનો પ્રારંભઃ 7 નવેમ્બર, 2019ને સવારે 9 વાગ્યેને 55 મિનીટથી શરૂ

એકાદશી તિથિનો અંતઃ 8 નવેમ્બર, 2019ને બપોરે 12.24 મિનીટ સુધી

દેવઉઠી એકાદશીને દેવોત્થાન એકાદશી અથવા તો હરિપ્રબોધની એકાદશી અને તુલસી વિવાહ એકાદશીના નામથી ઓળખાય છે. આ એકાદશીનું હિન્દુ ધર્મમાં વિશેષ ધાર્મિક મહત્વ છે. હિન્દુ માન્યતા અનુસાર તમામ શુભ કાર્યની શરૂઆત દેવઉઠી એકાદશીથી કરાય છે. માન્યતા પ્રમાણે વિષ્ણુ ભગવાન ચાર મહિનાની નીંદરમાંથી જાગે છે. વિષ્ણુ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુને શંખાસુર નામના ભયંકર રાક્ષસનો વધ કર્યો હતો. ત્યાર પછી અષાઢ સુદ પક્ષની એકાદશીએ ક્ષીરસાગરમાં શેષનાગની શય્યા પર ભગવાન વિષ્ણુ શયન કરે છે. તે પછીના ચાર મહિના પૂર્ણ થયા પછી તે જાગે છે. તેની સાથે જ દેવઉઠી એકાદશીથી ચાર્તુમાસ સમાપ્ત થઈ જાય છે. જાગવાની સાથે ભગવાનને તુલસી અપર્ણ કરાય છે. માન્યતા એવી છે કે આ દિવસે દેવઉઠી એકાદશી વ્રત કથા સાંભળવાથી 100 ગાયોના દાન બરાબર પુણ્ય મળે છે. આ દિવસે તુલસી વિવાહ પણ કરાય છે. આ એકાદશીનું વ્રત કરવું ખૂબ જ શુભ અને મંગળકારી મનાય છે.

દેવઉઠી એકાદશીએ પૂજા વિધિ

–     એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા

–     હવે ભગવાન વિષ્ણુ ધ્યાન ધરીને વ્રત કરવાનો સંકલ્પ લેવો

–     પછી ઘરના આંગણામાં ભગવાન વિષ્ણુના ચરણોની આકૃતિ બનાવવી

–     એક ગોખલામાં ગેરૂથી ભગવાન વિષ્ણુનું ચિત્ર બનાવવું

–     હવે ગોખલા પાસે ફળ, મીઠાઈ, શિંગોડા અને શેરડી રાખવા, પછી તેને ટોપલીથી ઢાંકી દેવું

–     રાતના સમયે ઘરની બહાર અને પૂજાના સ્થળ પર દીવા કરવા

–     આ દિવસે પરિવારના તમામ લોકોએ ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવતાઓની પૂજા કરવી જોઈએ

–     તેના પછી શંખ અને ઘંટ વગાડીને ભગવાન વિષ્ણુને એવું કહીને જગાડવા- ઉઠો દેવા, બેઠો દેવા, આંગુરિયા ચટકાવો દેવા, નવું સૂતર, નવો કપાસ, દેવ ઉઠો આવ્યો કારતક માસ

 

ભગવાન વિષ્ણુને જગાડવાનો મંત્ર

‘उत्तिष्ठ गोविन्द त्यज निद्रां जगत्पतये।
त्वयि सुप्ते जगन्नाथ जगत्‌ सुप्तं भवेदिदम्‌॥’
‘उत्थिते चेष्टते सर्वमुत्तिष्ठोत्तिष्ठ माधव।
गतामेघा वियच्चैव निर्मलं निर्मलादिशः॥’
‘शारदानि च पुष्पाणि गृहाण मम केशव।’

 

દેવઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ

દેવઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ પણ આયોજિત કરાય છે. આ લગ્ન તુલસીનો છોડ અને ભગવાન વિષ્ણુના રૂપમાં શાલીગ્રામ સાથે થાય છે. આ લગ્ન પણ સામાન્ય લગ્નની જેમ ધામધૂમથી થાય છે. માન્યતા એવી છે કે ભગવાન વિષ્ણુ જ્યારે ચાર મહિના નિંદરમાંથી જાગ્યાં ત્યારે સૌથી પહેલાં તુલસીની પ્રાર્થના સાંભળી હતી. તુલસી વિવાહનો અર્થ એ છે કે તુલસીના માધ્યમથી ભગવાન વિષ્ણુને યોગ નિદ્રાથી જગાડવા.

દેવઉઠી એકાદશીની કથા

પૌરાણિક માન્યતાઓ અનુસાર એક વખત ભગવાન શ્રીહરિ વિષ્ણુને લક્ષ્મીજી પૂછે છે કે ‘હે નાથ આપ દિવસ રાત જાગો છો અને સૂઈ જાવ તો લાખો કરોડો વર્ષો સુધી સુધી સૂઈ જાવ છો. તથા આ સમય દરમિયાન સમસ્ત ચરાચરનો નાશ પણ કરી નાંખો છો. એટલા માટે આપ નિયમ પ્રમાણે પ્રતિવર્ષ નીંદર લો. તેના કારણે મને પણ કેટલોક સમય વિશ્રામ કરવાનો સમય મળશે.’

લક્ષ્મીજીની વાત સાંભળીને નારાયણ હસ્યાં, અને બોલ્યાં કે ‘દેવી તમે ઠીક કહ્યું છે. મારા જાગવાથી તમામ દેવો અને ખાસ કરીને આપને કષ્ટ થાય છે. તમને મારા કારણે જરાય પણ અવકાશ મળતો નથી. આપના કથાનાનુસાર આજથી હું પ્રતિવર્ષ ચાર મહિના વર્ષાઋતુમાં શયન કરીશ. તે સમયે તમને અને દેવગણોને આરામ મળશે. મારી આ નીંદર અલ્પનિદ્રા અને પ્રલયકાલીન મહાનિદ્રા કહેવાશે. મારી આ અલ્પનિદ્રા મારા ભક્તો માટે પરમ મંગલકારી હશે. આ કાળમાં મારા ભક્તો મારા શયન કરવાની ભાવના સાથે સેવા કરશે અને શયન-ઉત્થાનનો ઉત્સવને આનંદપૂર્વક ઉજવશે તેના ઘરમાં હું તેમની સાથે નિવાસ કરીશ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]