પોતાના કીમતી શ્વાસોને ગુમાવીને પાપનો ભાર લઈને મનુષ્ય સંસારમાંથી વિદાય લે છે. દેવતાઓના સુંદર શરીર પૂરા કપડા થી ઢંકાયેલા રહે છે. આ કળિયુગી દુનિયામાં રોગી શરીરનો લોકો પ્રદર્શનીની જેમ ઉપયોગ કરે છે. દેવતાઓના પ્રસન્ન તથા પવિત્રતા યુક્ત ચેહરા તથા કરુણા ભરેલ આંખો તેમના શણગારને ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ આ સંસારમાં ક્રોધ તથા વાસના યુક્ત ભાવ, નિંદા બદલો લેવાની ભાવના થી ભરેલ ચહેરાને બનાવટી શણગાર ક્યાં સુધી ઢાંકી શકે છે? બનાવટી ચહેરાને જોઈને કોઈને સુખ કે શાંતિ મળતા નથી. ઘણીવાર તો તેઓ હાસ્યને પાત્ર પણ બને છે.
જ્યાં સાદગી છે ત્યાં સંતોષ તથા સન્માન છે. સાદગી યુક્ત વ્યક્તિની દ્રષ્ટિ પોતાના શરીરથી દૂર થઈને બીજાના સુખ-દુઃખની ભાગીદાર બને છે. આવી વ્યક્તિઓ વસ્તુઓથી વધુ મૂલ્યોની કદર કરે છે. અને તે નાશવંત શરીરના સ્થાને આત્માને મૂલ્યોથી શણગારે છે. તે પરિવાર તથા સમાજની ભલાઈ માટે અગ્રેસર રહે છે. પોતાના સમય-ધન-શક્તિના ખજાનાને નિસ્વાર્થ ભાવથી સમાજ સેવામાં લુટાવે છે. જે દુઆઓ મળે છે તેનાથી તેનું શરીર તથા આત્મા સ્વસ્થ તથા સુંદર બની જાય છે. તે સાદા હોવા છતાં પણ સાત્વિક આકર્ષણથી ભરપૂર હોય છે, તે આકર્ષણમાં સંસારના દુઃખી-અશાંત લોકો સુખ-શાંતિનો અનુભવ કરે છે. આથી સાદગી જ કિંમતી છે. એ મનુષ્યને સત્ય તથા અહિંસાની એકદમ નજીક લાવી દે છે. આવી વ્યક્તિના માથા ઉપર ઈમાનદારીનો મુકુટ, આંખોમાં અનાશક્તિની ચમક તથા મુખમાં પોતાપણાનો મધુર અવાજ, હાથોમાં આપવાની ભાવના તથા કર્મમાં કુશળતા ભરેલી રહે છે. આમ ભગવાનના કહેવા પર ફેશનનો ત્યાગ કરી સાદગીનો હાર સ્વીકાર કરો.
સંગ્રહ શબ્દનો અર્થ ભેગું કરવું એવો થાય છે, પરંતુ જ્યારે આપણે તેની સંધિ છૂટી પાડીએ છીએ ત્યારે કંઈક બીજો જ અર્થ સામે આવે છે. સંગ્રહ = સમ+ગ્રહ. સમનો અર્થ છે સમાન-એકરસ. આપણે સંસારના પદાર્થોને એ રીતે અપનાવીએ કે જેનાથી મનની સ્થિતિ એકરસ રહે. પરંતુ આજની દુનિયામાં સંગ્રહ શબ્દનો અર્થ ફક્ત ભેગું કરવું એમ થાય છે.
આજની દુનિયામાં લોકો કોઈપણ રીતે સંગ્રહ કરવાની વૃત્તિ ધરાવે છે. લોભના કારણે જે બિનજરૂરી ચીજોનો સંગ્રહ કરવામાં આવે છે તેના કારણે સદગુણો જીવનમાંથી લુપ્ત થતા જાય છે. સંગ્રહ કરવામાં આવે છે સોના ચાંદીનો, કપડાનો, ખાધ્ય પદાર્થોનો, ચંપલોનો. આજે મનુષ્ય ઈંટ-પથ્થરનો પણ સંગ્રહ કરે છે કારણ કે કળિયુગમાં વધતી જતી મોંઘવારીના કારણે ઈંટ- પથ્થરોના પણ ખૂબ ભાવ ઉપજે છે. આજનો મનુષ્ય કાળા બજાર કરવા માટે તથા પોતાનો સ્વાર્થ સાધવા માટે પ્રેરાઇ રહ્યો છે. સફેદ ગાદી ઉપર સફેદ કપડાં પહેરીને સફેદ વાળ તથા સફેદ દાઢી રાખવા છતાં સંગ્રહની વૃત્તિના કારણે મનુષ્ય અંદરથી બિલકુલ કાળો બની ગયો છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)