સ્થિતિને સ્થિર રાખવા આપણી આસક્તિ ને ઓળખવી પડશે

આપણા મનને ફક્ત આરામ જ નથી જોઈતો પરંતુ નવીનતા પણ જોઈએ છે. આપણે આપણી સ્થિતિને સ્થિર રાખવા માટે આપણે આપણી આસક્તિને ઓળખવી પડશે. એક છે બહારની આસક્તિ. જે લોકો સાથે, આપણા હોદ્દા સાથે સંકળાયેલી છે. બીજી છે અંદરની આસક્તિ જે આપણી વીતી ગયેલી ઘટનાઓની યાદ, આપણી ધારણાઓ ઉપર આધારિત છે. જ્યાં અસક્તિ છે ત્યાં તેને ગુમાવવાનો ડર પણ સાથે હશે. એવું સમજે છે કે સંબંધોમાં નિકટતા મહત્વપૂર્ણ છે. પરંતુ આપણે એ સમજવું પડશે કે સંબંધ એટલે પ્યાર. આસક્તિ ડર ઉત્તપન્ન કરે છે. જે આપણા સંબંધો માટે સારું નથી રહેતું. આપણે એ ચેક કરવું જોઈએ કે આપણને કઈ કઈ બાબતો થી આસક્તિ કે લગાવ છે? ત્યારબાદ ધીરે-ધીરે તેને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ . આસક્તિ એ ખૂબ જ સૂક્ષ્મ છે. આસક્તિ ની નિશાની છે – જ્યારે મને કોઈ પણ ચીજ ખોવાઈ જવાનો ડર રહે છે અથવા તો કોઈએ મારા વિશે કંઈક કહ્યું અને હું દુ:ખી થઈ ગઈ અર્થાત મને તે બાબત અંગે આસક્તિ છે.

કોઈ પણ આ આસક્તિ જે આપણને દુઃખ આપે છે તે આપણે છોડવી જોઈએ કારણકે આપણા મનમાં તે જ્યાં સુધી છે ત્યાં સુધી હંમેશા ડર બનેલો રહેશે. લોકો ફક્ત આપણા અંગે પોતાનો અભિપ્રાય આપે છે. આપણી ટીકા કરનારને પણ પોતાનો મિત્ર બનાવો. કારણ કે તેના દ્વારા જ આપણને ખબર પડે છે કે આપણો લગાવ ક્યાં ક્યાં છે. જેવી આપણને આ અંગે ખબર પડશે કે તરત આપણે તે અંગે કામ કરવું કરવું શરૂ કરી દઈશું. કોઈ કાંઈ પણ કહે છે તો તેના કહેવાથી મારે દુઃખી થવાની જરૂરિયાત નથી. દરેક વ્યક્તિ આપણી કોઈને કોઈ બાબત અંગે પોતાનો અભિપ્રાય આપે છે જે કારણે આપણે દુઃખી થઈ જઈએ છીએ. આપણે પોતાના ઉપર ધ્યાન રાખવું જોઈએ. બીજાના અભિપ્રાયને સાંભળી પોતાનું પરિવર્તન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ માટે આપણે થોડી મહેનત કરવી પડશે. આપણે સમય કાઢીને પોતાની સાથે વાત કરીએ. “સ્વ-પરિવર્તન” નું લક્ષ્ય રાખીએ.

ઘણા લોકો કહેતા હોય છે કે અમારી પાસે સમય છે તો તે સમયે શું કરીએ? આવા સમયનો આપણા માટે ઉપયોગ કરીએ. આપણે એક યાદી બનાવીએ તેમાં લખીએ કે કઈ કઈ બાબતો પ્રત્યે મારી આસક્તિ છે? હવે આપણે સામે લાવીએ કે જો મારા જીવનમાં આ વસ્તુ, હોદ્દો કે લોકો નહીં હોય તો મારું જીવન કેવું હશે? આપણે ભલે તે લોકો સાથે જીવન વિતાવીએ પરંતુ કોઈપણ પ્રકારના લગાવ કે આસક્તિ વગર. આપણને જીવનમાં ડર એ બાબતનો હોય છે કે જો મારા જીવનમાંથી આ લોકો કે આ બાબત જતી રહેશે તો મારું શું થશે? મારી ખુશી જતી રહેશે. તો આપણે મનથી એ બાબતો ને છોડીએ અને વિચાર કરીએ કે મારી ખુશી એ બાબતો ઉપર આધારિત નથી. તે ચીજો, એ લોકો વગર પણ હું ખુશ છું.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]