સૌ પહેલા પોતાની સ્વયં પાસે કઈ કઈ અપેક્ષાઓ છે? તેની યાદી બનાવો. મારી પોતાની અપેક્ષાઓ એ છે કે, મને હંમેશા સુખ-શાંતિ અને સ્થિરતાનો અનુભવ થાય. જ્યારે આપણે આ વાતને સર્વ પ્રથમ રાખીએ છીએ અને પછી બીજી અપેક્ષાઓ રાખીએ. જો દિવસ દરમિયાન બીજી કોઈ વ્યક્તિ મારી અપેક્ષા પ્રમાણે કામ કરી શકતી નથી ત્યારે મને તે તરત યાદ આવશે કે, મારી પ્રથમ અપેક્ષા એ છે કે મારે હંમેશા શાંત રહેવાનું છે. હવે જો બીજા કોઈ લોકો મારી સાથે વાત નહીં કરે ત્યારે હું અશાંત નહીં થાઉ.
જો આજે ખરેખર ઘરે પાણીના આવ્યું કે ડ્રાઈવર થોડો મોડો આવ્યો તો તે કારણથી આપણે અશાંત થઈ જઈએ છીએ. આનું કારણ એ છે કે, આપણે બીજાઓ પાસે અપેક્ષાઓ રાખીએ છીએ. હવે આપણે એ કરવાનું છે કે, બધી અપેક્ષાઓ સાથે એક બીજી અપેક્ષા જોડી દઈએ કે, ભલે કઈ પણ થાય પણ મારે પ્રથમ શાંત અને સ્વસ્થ રહેવું છે. ધીરે-ધીરે આ બાબત મારા માટે સામાન્ય બની જશે. આમ સર્વ પ્રથમ મારે પોતાનું ધ્યાન રાખવાનું છે કારણ કે બીજી વ્યક્તિઓ મારી અપેક્ષા મુજબ ચાલશે નહીં. આ વાસ્તવિકતાનો આપણે સ્વીકાર કરી લેવો જોઈએ.
આપણે એક દ્રષ્ટિકોણ બનાવી લઈએ છીએ અને એવી અપેક્ષા રાખીએ છીએ કે, મારો દષ્ટિકોણ તો બરાબર છે. બધાએ તે મુજબ વર્તન કરવું જોઈએ. શું આ શક્ય છે? આપણે પોતે જો અસંભવ એવી બાબતનો સ્વીકાર કરી લઈએ છીએ અને ત્યારે તે મુજબ થતું નથી ત્યારે આપણે અશાંત બની જઈએ છીએ. આપણા મનમાં ઘણા બધા વ્યર્થ સંકલ્પ ભેગા થાય છે. મે તમારી પાસે એ આશા રાખી હતી કે, તમે મારી સાથે સ્નેહપૂર્વક વાત કરશો પણ તમે તો તે પ્રમાણે વાત જ ના કરી. આના ઘણાં કારણ હોઇ શકે. જેમ કે, તમારો મુડ બરાબર ન હોય, બની શકે કે આજે મારી સાથે વાત કરવાનું તમારું મન ન પણ હોય. બીજું એ કારણ હોઈ શકે કે, કોઈએ મારા વિશે તમને કોઈએ કઈ કહ્યું હશે. હવે હું તમારા પ્રત્યે નિર્ણાયક બની જાઉં છું, તમારા અંગે વ્યર્થ સંકલ્પો કરું છું.
ત્યાર બાદ તે ફક્ત મારા મન સુધી નહીં રહે પણ વાણીમાં પણ તે વિચારો પ્રત્યક્ષ થશે. હું બીજી વ્યક્તિઓ પાસે તમારા વિશે વાત કરીશ. આખો દિવસ આપણે એમ જ વિચારીએ છીએ કે હું જ સાચી છું અને બીજા બધા ખોટા છે. આપણે એ સ્વીકારવા માટે તૈયાર જ હોતા નથી કે દરેકની કામ કરવાની પોત પોતાની પદ્ધતિ હોય છે. તથા દરેકની પોતાની એક મર્યાદા હોય છે. જ્યારે આપણે જવાબદારીને અપેક્ષાઓ સાથે જોડી દઈએ છીએ ત્યારે તે આપણા માટે સમસ્યા બની જાય છે. ધારો કે એક વ્યક્તિ ઓફિસમાં ખૂબ જવાબદારીપૂર્વક રાત-દિવસ કામ કરે છે જવાબદારી પૂર્વક કામ કરવું તથા ઈમાનદારી તે તેની ઓળખાણ છે. તે ક્યારેય જૂઠું બોલતો નથી. પરંતુ તે અન્ય પાસેથી પણ આજ પ્રકારની અપેક્ષા રાખે છે કે બધા લોકો આવા જ હોવા જોઈએ. હવે જ્યારે કોઈ કર્મચારી જવાબદારીપૂર્વક કામ કરતો નથી ત્યારે આ કર્મચારી માટે તે વાત અશાંતિનું કારણ બની જાય છે.
અપેક્ષા અર્થાત જેવા આપણા વિચારો અને આપણે છીએ, તેવા જ બધા વ્યક્તિઓ હોવા જોઈએ. આ ક્યારેય શક્ય બનવાનું નથી. દિવસમાં જ્યારે-જ્યારે આપ અશાંત થાવ છો ત્યારે જુવો કે આજે બીજા પાસે તમે કઇ-કઈ અપેક્ષા રાખી હતી? જો કોઈ વાત તમને સારી લાગતી હોય તો, બીજા સાથે તે વિચારોની આપ-લે કરો.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)