અન્યોની અપેક્ષા પૂર્ણ કરવા માટે…

બીજા પાસેથી અપેક્ષાઓ રાખવા કરતા આપણે પોતાને જોવા જોઈએ કે, શું હું દરરોજ મારી પોતાની અપેક્ષાઓ પૂરી કરી શકુ છું? ઘણીવાર સક્ષમ હોવા છતાં પણ, આપણે તમામ અપેક્ષાઓ પુરી નથી કરી શકતા. આ માટે ઘણા બધા બહાના આપણી પાસે તૈયાર જ હોય છે. આમ જ્યારે આપણે પોતાની જ અપેક્ષાઓ પૂરી કરી શકતા નથી ત્યારે બીજા પાસે આપણી ઇચ્છા મુજબની અપેક્ષાઓ રાખવી શું વ્યાજબી છે? એવું પણ બને કે, સામેની વ્યક્તિ એટલી સક્ષમ ન પણ હોય કે આપણી અપેક્ષા પૂરી કરી શકે.

ઘરમાં બધાની સંમતિથી કેટલાક નિયમો બનાવવા જોઈએ તથા તેનું પાલન બધાએ સ્વેચ્છાએ કરવું જોઈએ. જેવી રીતે કે એમ એક નિયમ બનાવીએ, ઘરમાં ટીવી બે કલાકથી વધુ સમય માટે ન જોવું. તો આપણે ઘેર હાજર હોઈએ કે ન હોઈએ પણ આ નિયમ મુજબ બાળકો વધુ પડતુ ટીવી નહીં જુએ. પરંતુ આ નિયમ બધાની સંમતિથી બનાવવો જરૂરી છે. તથા તેનાથી થતા ફાયદા અંગે બધાને માહિતગાર કરવા પણ જોઈએ.

આપણે જ્યારે પોતાના પરિવાર કે સંસ્થા માટે નિયમો બનાવીએ છીએ ત્યારે, બધાની સંમતિથી તે બનાવવા જોઈએ, જેથી બધાને અહેસાસ થશે કે, મેં આ નિયમ બનાવ્યા છે, અને મારે તેને પાલન કરવાના છે. જ્યારે સંતાન કહે છે કે, મારે મારા માતા-પિતા માટે આ કરવું પડી રહ્યું છે. આ એક સારી અનુભૂતિ નથી, જે મને બંધનનો અનુભવ કરાવે છે. એનો અર્થ એ કે, હું કરવા માંગતી નથી પરંતુ બીજા માટે મારે કરવું પડે છે. આનાથી વિરુદ્ધ આપણે એમ વિચારીએ કે મને સારું લાગે છે એટલે હું આ કરું છું. તો આ બંને વિચારોમાં ઘણું અંતર પડી જાય છે. આપણે આપણા ઘરથી જ આની શરૂઆત કરીએ.

બધાની સંમતિથી અમુક નિયમો બનાવીએ અને તેને પાલન કરવાનું શરૂ કરીએ. જેથી બધાને એ અનુભૂતિ થશે કે, અમે બધાએ સાથે મળીને આ નિયમો બનાવ્યા છે. આપણે ચેક નહીં કરવું પડે કે ઘરના તમામ સભ્યો આનું પાલન કરે છે કે નહીં! જેવી રીતે બાળકોને સ્કૂલમાં સમજાવવામાં આવે છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ નુકશાનકારક છે તો તેઓ તેનો અમલ સ્વઇચ્છાથી કરે છે. બાળકોમાં આપણે સાચું શું? અને ખોટું શું? તે અંગે જરૂર જાગૃતિ લાવવી જોઈએ. તમને શું લાગે છે કે આપણે શું કરવું જોઈએ? બાળકો પર છોડી દેવું જોઈએ. જ્યારે કંઈક ખોટું કરે છે અને આપણે કહીએ છીએ કે આમ ન કરવું જોઈએ. તો તે તેને પસંદ કરતો નથી. કારણ કે હજુ સુધી તેણે મનથી સ્વીકાર નથી કર્યું તે આમ શા માટે ન કરવું જોઈએ.

આપણે જેટલું જબરજસ્તીથી બાળકને નિયમમાં બાંધવા પ્રયત્ન કરીશુ તેટલું તેના મનમાં આવશે કે મારે તે કરવું જ છે. પરંતુ સમજદારી સાથે, ગંભીરતા સાથે તેનું ભલું શેમાં છે એ અંગે તેની સાથે વાતચીત કરશું તો તે મજબૂત બનશે. પછી એ પોતાની જાતે જ એ નિયમનું પાલન કરશે. આમ મારી બાળક ઉપરની અપેક્ષા અહીં પૂરી થઈ જાય છે. આમ બાળક વિચારે છે કે મેં મારા ભલા માટે આ નિયમનું પાલન કર્યું કારણ કે તેમ કરવું મને સારું લાગ્યું. અને બીજી બાબત બાળક સમજે છે કે જો કોઈ કારણસર એ નિયમનું પાલન નહીં કરી શકે તો પણ આપ દુઃખી નહીં થાઓ. આજે સંતાનો ખૂબ દબાણ અનુભવે છે કે અમારે માતા-પિતાને ખુશ રાખવા માટે આ બધું કરવું પડે છે.

આપણે આપણી અપેક્ષાઓની યાદી બનાવીએ છીએ ત્યારે આપણી સૌથી પ્રથમ અપેક્ષા હોય છે કે હું બધા કામ પુરા કરું. વાસ્તવમાં જ્યારે પણ આપણે અપેક્ષાઓની યાદી બનાવીએ ત્યારે, સર્વ પ્રથમ એ અપેક્ષા હોવી જોઈએ કે, મારે હંમેશા ખુશ રહેવું છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)