ભારત એરબસ પાસેથી 56 મિલિટરી-ટ્રાન્સપોર્ટ વિમાનો ખરીદશે

નવી દિલ્હીઃ ભારતના સંરક્ષણ મંત્રાલયે મધ્યમ કદના મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાન ખરીદવા માટે જર્મનીની એરબસ ડીફેન્સ એન્ડ સ્પેસ કંપની સાથે રૂ. 20,000 કરોડનો સોદો કર્યો છે. આ સોદા અંતર્ગત ભારતને એરબસ પાસેથી 56 C-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાન મળશે. આ નવા વિમાનો ભારતીય હવાઈ દળના જૂના થઈ ગયેલા એવરો-748 વિમાનોનું સ્થાન લેશે.

આ સોદા અંતર્ગત એરબસ કંપની કોન્ટ્રાક્ટ પર સહીસિક્કા થઈ ગયાના 48 મહિનાની અંદર ભારતને 16 વિમાનો ડિલીવર કરશે. બાકીના 40 વિમાન કંપની ભારતમાં બનાવશે. તે વિમાન એરબસ ડીફેન્સ એન્ડ સ્પેસ તથા ટાટા ગ્રુપની ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કંપનીનું સમૂહ બનાવશે. કોન્ટ્રાક્ટ થયાના 10 વર્ષની અંદર તે 40 વિમાનો બનાવવામાં આવશે. કોઈ ખાનગી કંપની દ્વારા ભારતમાં મિલિટરી વિમાનોનું ઉત્પાદન કરવાનો આ પહેલો જ પ્રોજેક્ટ છે.

આ સોદા બદલ ટાટા ગ્રુપના રતન ટાટાએ ભારત સરકારને અભિનંદન આપ્યા છે. એક ટ્વીટમાં એમણે લખ્યું છે કે, આ કોન્ટ્રાક્ટ કરવા બદલ એરબસ ડીફેન્સ, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ અને સંરક્ષણ મંત્રાલયને અભિનંદન. ભારતમાં એવિએશન અને એવિઓનિક્સ પ્રોજેક્ટો શરૂ કરવા માટે આ એક મોટું કદમ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]