આશા અને અપેક્ષાઓનું મેનેજમેન્ટ

બ્રહ્માકુમારીઝ દ્વારા શીખવવામાં આવે છે કે, “જ્યારે આપણે પોતે બદલાઈશું તો જગત  બદલાશે”. સંસ્થાનો નારો છે-  ‘આત્મ પરિવર્તનથી વિશ્વ પરિવર્તન.’ જ્યારે આપણે બદલાઈશું તો આપણી દરેક બાબતને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. આપણા માટે આખો સંસાર બદલાઈ જશે. આનાથી એક ફાયદો એ પણ છે કે એક-એક વ્યક્તિના પરિવર્તનથી વિશ્વ પરિવર્તન તો તેની જાતે જ થઈ જશે. પોતાને બદલવાનો આ સૌથી સરળ ઉપાય છે. પરંતુ તેને મુશ્કેલ એ માટે બનાવી દીધો છે તે આપણે એવું વિચારીએ છીએ કે – પહેલા તમે બદલો પછી હું બદલાઈશ.

આપણે અન્ય લોકો પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રાખી હોય છે અને જ્યારે બીજા લોકો આપણી અપેક્ષાઓ મુજબ વર્તન નથી કરતા ત્યારે આપણે ખુશીનું લેવલ નીચે જતું રહે છે. ધારો કે, આજે બસ સમય પર નથી આવી. મારે અપેક્ષા હતી કે રોજની જેમ બસ સવારે 8:00 વાગે આવવી જ જોઈએ. જ્યારે બસ સમયસર ના આવી, કે તરત મારી ખુશીનું લેવલ એકદમ નીચે જતું રહે છે. અપેક્ષા અર્થાત બીજી વ્યક્તિઓ દ્વારા ભવિષ્યમાં કરવામાં આવનાર વ્યવહારને આપણે એ રીતે લઈએ છીએ કે તેઓ આવી રીતે જ કરશે. તમે શું કરવાના છો તેનું અનુમાન હું પહેલેથી જ લગાવી લઉં છું.

જ્યારે કોઈ આપણી અપેક્ષાઓથી વિપરીત કાર્ય કરે છે, ત્યારે આપણે કહીએ છીએ છે કે, તમારી પાસેથી આવી આશા નહોતી રાખી. સામાન્ય માન્યતા એવી હોય છે કે, આપણા સંતાનો પાસેથી અપેક્ષાઓ શા માટે ન રાખીએ! પતિ-પત્ની એકબીજા પાસેથી અપેક્ષાઓ ન રાખે,  શિક્ષક પોતાના વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષા ન રાખે, અપેક્ષા તે એક એવી ચીજ છે તે જે છોડવી મુશ્કેલ છે.

હવે આખો દિવસ આપણે એ જોવાનું છે કે, મારી અપેક્ષાનો આધાર શું છે? આપણે પહેલેથી જ બીજી વ્યક્તિ આપણી સાથે કેવી રીતે વ્યવહાર કરશે તે અંગે અનુમાન કરી નિર્ણય કરી લઈએ છીએ અને જ્યારે સામેની વ્યક્તિ આપણી અપેક્ષા પ્રમાણે નથી કરતા તો આપણે દુઃખી થઈએ છીએ. આમ આપણે બે બાબતોમાં ફસાઈ જઈએ છીએ. એક તો બીજી વ્યક્તિ પાસેથી અપેક્ષા કરવી અને બીજું સામેની વ્યક્તિની અપેક્ષાઓ પૂરી કરવી. આ બંને બાબતો આપણે ખુશીને ખૂબ પ્રભાવિત કરે છે.

એક પિતા પોતાના પુત્ર પાસેથી એવી આશા રાખે છે કે પુત્ર પોતાની અપેક્ષાઓ પૂરી કરે. પુત્ર એવું વિચારે છે કે શું હું પિતાની તમામ અપેક્ષાઓ પૂરી કરીશ તો તેઓ ખુશ રહેશે? આ બંને બાબતોમાં અપેક્ષાનો ખુશી સાથે સીધો સંબંધ છે. આપણે એ ચેક કરવું પડશે કે આપણે પોતાની ખુશીને કઈ કઈ બાબતોતો પર આધારિત બનાવી દીધી છે! ભવિષ્યમાં પુત્ર કેવી રીતે વ્યવહાર કરશે એ હું અગાઉથી નક્કી કરી લઉં છું અને મારી ખુશી તેના વ્યવહાર ઉપર આધારિત કરી દઉં છું.

જો ભવિષ્યમાં પુત્ર તે પ્રમાણે વ્યવહાર નથી કરતો તો હું દુઃખી થઈ જાઉં છું. જો આપણે આપણી ખુશીને સામેની વ્યક્તિ ના વ્યવહાર ઉપર આધારિત બનાવી દઈશું તો આપણી ખુશી કેવી રીતે સ્થાઈ રહી શકશે? આપણે ભવિષ્ય અંગે કલ્પનાઓ કરીએ છીએ અને પછી જો તે કલ્પનાઓ  સાકાર નથી થતી તો મારી ખુશી ગુમ થઈ જાય છે. આ સંજોગોમાં આપણે સામેની વ્યક્તિ ઉપર દોશારોપણ કરીએ છીએ કે તેમણે મારી અપેક્ષાઓ પૂરી ન કરી પરિણામે મારી ખુશી ગાયબ થઈ ગઈ. આ સમયે આપણે વિચારવું જોઈએ છે આ પ્રકારની અપેક્ષાઓ મેં જ ઉત્પન્ન કરી હતી.

હવે આપણે એ બાબતની જાગૃતિ રાખવાની છે કે આપણે કઈ કઈ વ્યક્તિઓ પાસેથી કયા કયા પ્રકારની અપેક્ષાઓ રાખીએ છીએ? જો આપણે અન્ય વ્યક્તિ પાસે કોઈ અપેક્ષા જ નહીં રાખીએ તો આપણા સંબંધ કેટલા સુંદર બની જશે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)