અપેક્ષાઓની એક મર્યાદા

દરેક વ્યક્તિ વિશ્વમાં કોઈને કોઈ અપેક્ષા રાખે છે. અથવા તો એવું વિચારેે છે કે, જે રીતે હું ઇચ્છું છું તે જ રીતે બધું થવું જોઈએ. એક સાધારણ બાબત સમજીએ કે મેં એવી આશા રાખી હતી કે મારા ઘરના નળમાં 24 કલાક પાણી આવશે. આજે સવારે જ્યારે નળ ખોલ્યો તેમાં પાણી ના આવ્યું તો હું પરેશાન થઈ જાઉં છું, કે મે ક્યારેય એવો વિચાર ન કર્યો કે, કોઈક દિવસ પાણી ન પણ આવે. આવી પરેશાનીથી એ ખબર પડે છે કે, આપણી કેટલીક અપેક્ષાઓ હતી જે પૂરી નથી થઈ. જ્યારે કોઈ ઘટના આપણી ઇચ્છા મુજબ નથી બનતી ત્યારે આપણને ખબર પડે છે કે, આપણે બીજા પાસેથી એટલી બધી અપેક્ષાઓ રાખી હતી. આપણે એવો પણ વિચાર કરવો જોઈએ કે, પાણી આવે તો પણ સારું અને ન આવે તો પણ સારું, આને અપેક્ષા નહીં કહેવાય.

 

જીવન જીવવાની કળામાં દરેકના વિચારો અલગ-અલગ હોઈ શકે છે. જેના પરિણામે સંઘર્ષ ઉભો થાય છે. ઉદાહરણ રૂપે કોઈપણ જગ્યાએ જવાનું હોય તો કોઈવાર પાંચ દસ મિનિટ મોડું થાય તે મારી જીવન જીવવાની પદ્ધતિ છે અને આપ એવું માનો છો કે જ્યાં પણ પહોંચવાનું હોય ત્યાં દર વખતે સમય કરતા પહેલા પહોંચવું જરૂરી છે. દરેક વ્યક્તિના વિચારો અલગ-અલગ હોય છે. દરેક વ્યક્તિએ સાચું શું અને ખોટું શું તેની વ્યાખ્યા પોતે જ બનાવેલ હોય છે. આપણા દેશ, સમાજ, સંસ્કૃતિ, ધર્મ વિગેરેનો પ્રભાવ તો આપણા ઉપર હોય છે જ. છતાં પણ દરેકના વિચારો અને જીવનશૈલી અલગ અલગ હોય છે.

ધારો કે, તમે પંજાબી છો. એનો અર્થ એ નથી કે દરેક પંજાબીનો દ્રષ્ટિકોણ એક સમાન હશે. એક નાના પરિવારમાં ૪ વ્યક્તિ હોય ત્યારે દરેકનો દ્રષ્ટિકોણ દરેક બાબત માટે અલગ અલગ હશે. બધા લોકો એક જ વિચાર સાથે ચાલે એ શક્ય નથી બનતું. અપેક્ષા અર્થાત મારી આપની પાસેથી કેટલીક આશાઓ છે, જેવો મારો વિચાર તેઓ જ આપનો વિચાર પણ હોવો જોઈએ. વાસ્તવિકતાનો સ્વીકાર કરી આપણે એવું વિચારવું જોઈએ કે, મારા અને આપના વિચારો અલગ-અલગ હશે.

 

સંતાનોને વિચારવાની યોગ્ય રીત શિખવાડવી જોઇએ. આમાં બે બાબત ધ્યાનમાં રાખવાની છે. એક છે અપેક્ષા અને બીજી છે અન્યને સાચું માર્ગદર્શન આપવાના હેતુથી પોતાના વિચારો જણાવવા તથા સાચું અને ખોટું શું તેની સમજૂતી આપવી. આ આપની ફરજ છે. વડીલ હોવાના નાતે તમે શિક્ષક છો, પાલક છો. તો આ આપનું કર્તવ્ય છે. જો આપને અમુક બાબતો સારી લાગે છે તો તે બીજા સાથે વહેચવી જોઇએ. જો આપણે આવા સંજોગોમાં એવી આશા રાખીએ કે બીજા વિચારો પ્રમાણે જ વર્તન કરશે તો તેનો અર્થ એ છે કે હું મારા વિચારો બીજા ઉપર આગ્રહપૂર્વક મોકલુ છું.

માતા-પિતા સંતાનો પાસે અમુક પ્રકારની અપેક્ષા રાખે છે પરંતુ જ્યારે સંતાન એ અપેક્ષા પૂરી નથી કરી શકતો ત્યારે માતા-પિતા દુઃખી થઈ જાય છે. પરિણામે તેઓ એવું વિચારે છે કે મારા પુત્રએ આવું કર્યું! ધારો કે મેં અપેક્ષા રાખી હતી કે મારા પુત્રના 90 ટકા માર્ક્સ આવશે અને તે ડોક્ટર બનશે. હવે જો મારો પુત્ર ડોક્ટર નથી બની શકતો તો હું દુ:ખી થઈ જાઉં છું. હું ગુસ્સામાં કહી દઉં છું કે મેં તારા માટે આટલું બધું કર્યું પરંતુ તેનું પરિણામ શું આવ્યુ? આ પરિસ્થિતિ અંગે વિચારીએ કે આ પ્રકારની અપેક્ષા મેં જ રાખી હતી તથા પુત્રએ તે પૂરી કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આમ મારા દુઃખ અને ગુસ્સાનું કારણ હું પોતે જ છું.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)