તણાવ સંબંધિત માન્યતાઓ

તણાવ સંબંધિત એવી ઘણી માન્યતાઓને આપણે ઓળખીએ અને બદલીએ અને પછી જીવન યાત્રા શરૂ કરીએ તો અડધું કામ તો ત્યાં જ પતી જશે. માનસિક અશાંતિ તો બધાને હોય છે. આજના સમયમાં એવી માન્યતા છે કે જીવનમાં તણાવ હોવો સ્વાભાવિક છે. આ માન્યતાના કારણે આપણે જીવનમાં માનસિક તણાવને દુર કરવાનો પ્રયત્ન નહીં કરી શકીએ. જો આપણને ઘૂંટણમાં દર્દ છે અને આપણે તેને સ્વાભાવિક ગણીશું તો તેનો કોઇ ઇલાજ નહીં કરાવીએ. પરંતુ જો એવું વિચારીશું કે આ સામાન્ય નથી પરંતુ એક બીમારી છે ત્યારબાદ આપણે તેનો ઈલાજ કરાવીશું.

ધારો કે આપણે સાંજે ઓફિસેથી ઘેર પહોંચ્યા અને 101 ડિગ્રી તાવ છે તો બધાને ખબર છે કે આ બરાબર નથી. પરિણામે આપણે તરત તેનો ઈલાજ કરીશું અને વચ્ચે વચ્ચે થર્મોમીટર થી તાવ માપતા રહીશું. જ્યારે થર્મોમીટર નોર્મલ રીડિંગ બતાવશે ત્યારે આપણે સમજીશું કે હવે ઠીક થઈ ગયું છે અને દવા લેવાનું બંધ કરીશું. હવે આપણે તણાવ દૂર કરવા માટે દવા શા માટે નથી લેતા? કારણકે આપણે એ સ્વીકારી લીઘું છે કે જીવનમાં તણાવ હોવો સ્વાભાવિક છે. પરિણામે આપણે તેને દૂર કરવા માટે કોઈ પ્રયત્ન નથી કરતા. જ્યારે આપણે તણાવથી ખૂબ કંટાળી જઇએ છીએ ત્યારે આપણે તેને દૂર કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. આમ કરવાથી તણાવ ઓછો થઈ શકશે.

 

આપણે એવું માનીએ છીએ કે જ્યારે વિદ્યાર્થીની પરીક્ષા નજીક આવે છે ત્યારે તેને તણાવ હોવો સ્વાભાવિક છે. પરંતુ જો આપણે વિદ્યાર્થીને સમજાવી શકીએ કે પરીક્ષાના સમયે કોઈપણ જાતના તણાવ વગર હલકાં રહેવું સામાન્ય છે. તો તે મન લગાવીને અભ્યાસ પણ કરશે અને પરીક્ષામાં સફળ પણ થશે. પરીક્ષાના સમયે આખા ઘરનું વાતાવરણ ગંભીર બની જાય છે. વાસ્તવમાં આપણે એવું કરવું જોઈએ કે વિદ્યાર્થી શાંતિથી એકાગ્રતા પૂર્વક અભ્યાસ કરી શકે. પરંતુ સાથે સાથે ઘરનું વાતાવરણ પણ સામાન્ય રાખવું જોઈએ. આપણે જેટલા સામાન્ય રહીશું, જેટલા હલકા રહીશું તો વિદ્યાર્થી પણ પોતાને હલકો અનુભવ કરશે. તે વિચારશે કે ઘરમાં બધું સામાન્ય છે હું ફક્ત પરીક્ષા આપવા તો જઈ રહ્યો છું. જ્યારે અંદરથી સ્વસ્થ હશે તો બહાર થી પણ સ્વસ્થ અનુભવ કરશે. પરંતુ આપણે પરીક્ષાને એટલી ગંભીર બનાવી દીધી છે કે તેનાથી તણાવ ઉત્પન્ન થાય છે.

અત્યારે કેટલીક પરીક્ષાઓ દર અઠવાડિયે લેવાય છે અને પછી છેલ્લે દસ-પંદર દિવસ પરીક્ષાઓ ચાલે છે. આ રીતે વિદ્યાર્થીનું આખું વરસ માનસિક તણાવમાં પસાર થાય છે જેના કારણે મગજ ઉપર ખૂબ નુકશાન થાય છે. પહેલાના જમાનામાં બચપણનો સમય ખૂબ આનંદ દાયક રહેતો હતો. આજે બાળક તે જ ઉંમરમાં કહે છે કે મને ખૂબ તણાવ રહે છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)