(બી.કે. શિવાની)
આપણો એક સંકલ્પ આપણા ભાગ્ય (નસીબ)નું નિર્માણ કરે છે. જ્યારે કોઈ વિપરીત પરિસ્થિતિ આપણી પાસે આવે છે, અથવા તો જીવનમાં સમસ્યાઓ આવે છે, ત્યારે આપણે કોઈ અન્યને તેના માટે જવાબદાર ગણીને એમ કહીએ છીએ કે મારું તો ભાગ્ય (નસીબ) જ આવું છે. આપણે એવું સમજીએ છીએ કે મારા જીવનમાં જે પણ સારું કે ખરાબ થાય છે એના માટે હું જવાબદાર નથી, પણ બીજા અન્ય લોકો છે. આનો અર્થ એ થયો કે મારું જીવન મારા નિયંત્રણમાં નથી. મારા જીવનનું નિયંત્રણ બહારની પરિસ્થિતિઓ કે અન્ય વ્યક્તિઓ દ્વારા થઇ રહ્યું છે. જો મારી નોકરી બહુ સરસ છે, મને પ્રમોશન મળ્યું છે, આવક પણ સારી છે. તો હું ખુશ છું કારણ કે બધી પરિસ્થિતિ મારી અનુકૂળ છે કે મારી તરફેણમાં છે. હવે જેવું પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું કે તરત મારી આંતરિક ખુશીનું લેવલ એકદમ નીચે આવી ગયું.
આપણે કોઈને પૂછીએ કે તમારે શું જોઈએ છે? તો તે એવું નહીં કહે કે, મને ગાડી, બંગલો, ઝવેરાત દાગીના, રૂપિયા જોઈએ. તેઓ એમ જ કહેશે કે મને ખુશી જોઈએ. પરંતુ એ ખુશીને મેળવવા માટે આ બધી ચીજો જોઈએ. મારી ખુશી સાધનો ઉપર આધારિત થઈ ગઈ છે અને સ્વયંને આત્મા સમજવાનું હું ભૂલી જાઊં છું. મેં મારા મનની અંદર એ રીતે પ્રોગ્રામિંગ કરી દીધું કે, આપ મારી સાથે સારી રીતે જ વાત કરશો, ત્યારે હું ખુશ રહીશ. ત્યારબાદ તમે મારી સાથે સારી રીતે વાત કરો તે માટેના પ્રયત્ન કરવાનું શરૂ કરી દઉં, આવી રીતે હું બીજા માટે સારી ભાવનાઓ રાખું છું, પરંતુ તેની પાછળનો ભાવ એવો હોય છે કે તમે મારી સાથે સારી રીતે વાત કરો અને હું ખુશ રહું.
પરંતુ જેમ-જેમ પરિસ્થિતિ તથા અન્ય વ્યક્તિઓમાં પરિવર્તનની ઝડપ વધતી ગઈ, તેમ-તેમ મારા મનમાં વિચારોની ઝડપ પણ વધતી ગઈ. અંતે મારા વિચારો મારા નિયંત્રણમાં ન રહ્યા. જેના કારણે મારી મનની ખુશી પણ ઓછી થતી ગઈ. સાથે-સાથે આપણે એ પણ સ્વીકારી લીધું કે, હું શું કરું? પરિસ્થિતિ જ એવી હતી કે મારી ખુશી ઓછી થવાની જ હતી. અને તેથી જ આપણે એમ નક્કી કરી લીધું કે, મારે મારું આખું જીવન આમ દુ:ખમાં ને દુઃખમાં જ જીવવાનું છે. આ દુઃખ, ચિંતા, ભય, તણાવ કોઈપણ રૂપે હોઈ શકે છે. આપણે તેનો સ્વીકાર કરીને, તેને સ્વાભાવિક સમજીને જીવન જીવીએ છીએ. આવી રીતે મારા મનની સ્થિતિનો આહાર આ બધી બાબતો ઉપર રહેલ છે. જ્યાં સુધી પરિસ્થિતિ અનુકૂળ નહીં બને, ત્યાં સુધી મન કેવી રીતે સ્વસ્થ રહી શકે? આપણને જોઈએ છે ખુશી, પરંતુ આપણે દુઃખને જ જીવનમાં અપનાવી લીધું છે. આખો દિવસ આપણે એમ કહીએ છીએ કે, મારે ખુશી જોઈએ છે, મારે ખુશી જોઈએ છે. જે ગુણની જરૂર હોય, તેના માટે સભાનતાપૂર્વક પ્રયત્ન તો કરવા જ પડે ને!
આધ્યાત્મ કેવળ આપણા વિચારોને નવી દિશા નથી આપતું, પરંતુ મેડીટેશનના માધ્યમ દ્વારા મનને શક્તિશાળી પણ બનાવે છે. આધ્યાત્મિકતાએ આપણને સમજ આપી કે, વિચારો એ આપણી પોતાની રચના છે. આપણે શ્રેષ્ઠ સંકલ્પ દ્વારા સુખી જીવનની અનુભૂતિ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીં મહત્વની બાબત એ છે કે, કેવા વિચારો (સંકલ્પ) કરવા તે સંપૂર્ણ રીતે મારા ઉપર આધારિત છે. જો આપણા વિચારો (સંકલ્પો) બીજાના વ્યવહાર ઉપર આધારિત હશે તો શું પરિણામ આવશે? જો આપણે સાવધાન નહીં રહીએ તો, કોઈપણ ઘટના ઘટતા તરત જ મનમાં વિચારો (સંકલ્પો) ઉત્પન્ન થવા લાગે છે, જેની તરફ આપણે ધ્યાન જ આપતા નથી.
આજ દિવસ સુધી જુદી જુદી પરિસ્થિતિઓ આપણને નિયંત્રણ (કન્ટ્રોલ) કરતી હતી. પરંતુ હવે આધ્યાત્મિકતાએ આપણી વિચાર ધારાને બદલી નાખી અને આપણને તે વિશ્વાસ અપાવ્યો કે, હું મારા મનનું નિયંત્રણ હું સ્વયં કરી શકું છું. આજે તો પરિસ્થિતિઓ મને અનુકુળ છે. અને એવું પણ બની શકે કે આવતી કાલે તે મારી અનુકૂળ ન પણ હોય. પરંતુ તેનાથી મારા જીવનમાં કોઈ વધારે ફરક નહીં પડે. કારણ કે હવે મારું મન મારા નિયંત્રણમાં છે. ફક્ત એક શુદ્ધ સંકલ્પ દ્વારા આપણું જીવન હંમેશા ખુશીઓથી ભરપૂર રહી શકે છે.
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)