ખુશીનો આધાર: મનના સકારાત્મક વિચારો

હવે આપણને એ ખ્યાલ આવી ગયો કે જે ખુશીની આપણે વાતો કરી રહ્યા છીએ તે, આપણા મનની સ્થિરતા બતાવે છે. બીજી વ્યક્તિ કંઈ પણ કામ કરતી હોય, પરિસ્થિતિઓ પણ ગમે તેવી કેમ ના આવે, પરંતુ આપણે મનથી દ્રઢ અને સ્થિર રહેવાનું છે. હું પોતે મારા જીવનમાં સ્થિરતા લાવી શકું છું, અર્થાત હું પોતાની ખુશીને જાળવી રાખી શકું છું. સવારે વહેલા ઉઠીને જો આપણે મનને ખુશીઓથી ભરીએ તો આખો દિવસ ખુશી સ્થાયી રહી શકે છે. પરંતુ એવી કઈ કઈ વાતો છે કે જે મારી ખુશી મારી પાસેથી છીનવી લે છે? તો એવી ઘણી વાતો છે કે જે દિવસ દરમિયાન બનતી રહે છે, અને તેની ખબર પણ પડતી નથી કે, આવું શા માટે થઇ રહ્યું છે? જેથી મારી ખુશીની સ્થિતિ જે સ્થિર છે તે ઉપર-નીચે થઈ જાય છે. તો આપણે આ બાબત ઉપર વાત કરીશું.

હું નક્કી કરી લઉં કે આજે હું એવા વિચારો કરીશ કે ‘ હું એક ખુશ રહેવા વાળી આત્મા છું.’  આપણે એ સમજ્યા કે મારી ખુશી બીજા ઉપર આધારિત નથી. મારે એ નિર્ણય કરવાનો છે કે મારે ખુશ રહીને તમામ કાર્ય કરવાના છે. સવારે ઉઠતા સમયે પહેલો વિચાર કયો આવે છે? તે આપણે ચેક કરીએ. તો આપણને અંદરથી એ જવાબ મળે છે કે, પહેલો વિચાર મનમાં એ આવે છે કે ” ઓહો! સવાર થઈ ગઈ. હવે મારે ઉઠવું પડશે”. ત્યારબાદ એવો વિચાર આવે છે કે, હવે મારે જલ્દી તૈયાર થઈ અને કામ પર જવાનું છે. હું કામ પર જઈશ તો મને પૈસા મળશે. જેનાથી હું ઘણી બધી ચીજો ખરીદી શકીશ, તેથી મને ખુશી મળશે.

સામાન્ય રીતે આપણને આ પ્રકારના વિચારો આવે છે. હવે આપણે વિચારોને બદલવાના છે કે હું હંમેશા પહેલેથી જ ખુશ છું અને ખુશીથી કામ પર જઈ રહ્યો છું. આપણો હેતુ એ હોવો જોઈએ કે આજે મારે કામના સ્થળે બધા સાથે આત્માના મૂલ્યો જેવા કે પ્રેમ, શાંતિ, ખુશીની ઊર્જા આપ-લે કરવાની છે. હું કામ પર એટલા માટે જાવુ છું કે, તે દ્વારા મને આ ઉર્જાની આપ-લે કરવાનો એક મોકો મળશે. આમ હવે મારા જીવનનો ઉદ્દેશ્ય જ બદલાઈ જાય છે.

આપણે પોતાનું એ પણ ચેકિંગ કરી શકીએ કે ઓફિસમાં આખો દિવસ કેવી રીતે પસાર થાય છે? તેનો આધાર સવારે આપણે જે વિચારો કર્યા હતા તેના ઉપર હોય છે. તથા તેના આધારે બીજા દિવસે સવારે વિચારો ચાલે છે. જો ઓફિસમાં આખા દિવસ દરમિયાન આપણને સંઘર્ષ તથા ચિંતાનો અનુભવ થાય છે તો એની અસર પછીના દિવસ ઉપર પણ પડે છે. બીજા દિવસે સવારે આપણે વિચારીએ છીએ કે ઓફિસે જવું છે એ તો મારી મજબૂરી છે. શું કરું? ઓફિસ તો જવું જ પડે ને! આમ આપણે નાછૂટકે નકારાત્મક વિચારો સાથે ઓફિસ જઈએ છીએ. પણ તેની જગ્યાએ જો આપણે મનની સ્થિરતા સાથે, ભરપૂર ઊર્જા સાથે ખુશી-ખુશી ઓફિસ જવું જોઈએ.

આપણે દિવસ દરમ્યાન નાની-નાની બાબતોમાં અશાંત નથી થતા તો, આપણો દિવસ બહુ સારો પસાર થશે અને દિવસના અંતે આપણે પોતાને શક્તિશાળી અનુભવ કરીશું. ખુશી તથા પ્રેમ એક એવી ઉર્જા છે કે જેટલી વહેંચશો તેટલી આપણી અંદર વધતી જશે. ઓફિસમાં જઇને ૩૦ કે ૪૦ વ્યક્તિઓને મળુ છું. ત્યાં ખુશી અને પ્રેમની ઉર્જાની લોકો સાથે આપ-લે કરું છું તો તે મારી અંદર પણ વધતી જશે. રાત્રે સૂતી વખતે જ આપણે પોતાને બીજા દિવસ માટે તૈયાર કરી લેવા જોઈએ કે મારો આવતીકાલનો દિવસ કેવી રીતે પસાર થશે?  આપણે પોતાની જાતને માનસિક રીતે મજબૂત બનાવવાની છે.

જ્યારે આપણે પોતાના વિચારોને જોવાનું શરૂ કરીએ ત્યારે જે નબળા વિચારો દેખાય કે તરત તેને શક્તિશાળી વિચારોથી બદલી નાખો. વિચારો દ્વારા જ અનુભૂતિ થતી હોય છે. ઘણીવાર આપણને આપણા વિચારો વિશે ખબર હોતી નથી પણ અનુભૂતિ દ્વારા ખબર પડે છે કે, મારા આ વિચારોનું પરિણામ સારું છે કે ખરાબ. સવારે ઓફિસ જતા વખતે આપણે એમ વિચારીએ છીએ કે, મારે તો કામ પર જવું પડશે. તે વખતે આપણે અનુભવીએ છીએ કે કામ પર જવું તે મારી મજબૂરી છે. જેથી નકારાત્મક ઊર્જા સાથે આપણે કામ પર જઇશું, જ્યાં ખુશી તથા સુખનો અનુભવ નહીં થાય.

સકારાત્મક વિચારો એની જાતે થતા નથી. આપણે ધ્યાન રાખીને તે કરવા પડે છે. આપણે પોતાની જાત સાથે બે મિનિટ વાતો કરીએ – મારી પહેલું “ગુડ મોર્નિંગ” પોતાની સાથે જોઈએ. આ પ્રકારનો અભ્યાસ રોજ કરવાનું શરૂ કરી દઈએ. દિવસ દરમિયાન ભલે આપણે બધા કામ કરતાં રહીએ પરંતુ અંદર આપણા મન સાથે વાતચીત પણ ચાલતી રહે. એટલે જ કહીએ છીએ કે મેડીટેશન કોઈ દસ મિનિટ કે એક કલાક કરવાનું નથી. મેડીટેશન તો આખો દિવસ મનથી ચાલતું જ રહે છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)