શું સપનાની દુનિયામાં જીવવાથી આપણું દુઃખ કે દર્દ ઓછું થઈ જશે? આજે આપણે દુઃખ-દર્દમાં જીવીએ છીએ, પણ જો આપણે વિચારોને બદલ્યા નહીં તો આવતીકાલે પણ તે જ દુઃખ-દર્દનો જ અનુભવ કરીશું. પરિસ્થિતિઓ તો બદલાઈ જશે પરંતુ આપણે આવતીકાલ વિશે શા માટે વિચાર કરીએ છીએ? કારણ કે આજે આપણી ખુશી પરિસ્થિતિઓ ઉપર આધારિત છે. આજે જો સ્થિતિ બરાબર નથી તો હું દર્દ માં છું. પરંતુ હું આશા રાખુ કે પરિસ્થિતિ મારી અનુકૂળ થઈ જશે. અને હવે તો હું ખુશ રહીશ.
ધારો કે કોઈ વ્યક્તિ બહુ જ ગરીબ છે, આજે તેની પાસે પૈસા નથી. બની શકે કે તે પરિસ્થિતિ બદલાય અને આવતીકાલે તેની પાસે ખૂબ પૈસા આવી જાય. એટલે તેનો અર્થ એ નથી કે તેની પાસે ખુશી પણ આવી જશે. ખુશી એ મનની રચના છે. આપણે હંમેશા ખુશ રહેતા શીખી લેવું જોઈએ. ઊંચા ભવિષ્ય અંગે સપના જોવા તે વર્તમાનથી દૂર થવા બરાબર છે. આમાં આપણે પોતાની ક્ષમતાને તેવી વાતોમાં લગાવીએ છીએ કે જે આપણા વશમાં નથી. આપણા વશમાં ફક્ત વર્તમાનનો સમય જ છે.
આપણે આજનો દિવસ બહુ જ ખુશીમાં વિતાવવાનો છે. જો આપણે આજે ખુશ રહીશું તો આવતીકાલે પણ જરૂર ખુશ રહી શકીશું. આપણે યોગ્ય દિશામાં સકારાત્મક વિચારો કરવા જોઈએ. જો આજે આપણે ખુશીનો અનુભવ કરીશું તો જ્યારે સાંજે ઘેર પહોંચીશું ત્યારે પણ બધા સાથે સારો વ્યવહાર કરીશું. રાત્રે ઉંઘ પણ સારી આવશે અને સવારે જ્યારે ઉઠીશું ત્યારે પણ સારો અનુભવ થશે. પરંતુ જો આપણે આજનો દિવસ ચિંતામાં પસાર કર્યો તો આવતીકાલે પણ ચિંતા જ થશે. જો મને ચિંતા કરવાની ટેવ પડી તો દિવસની સમાપ્તિ પણ ચિંતા સાથે જ થશે.
આપણે આખું જીવન ભવિષ્યની ખોટી ચિંતામાં વિતાવી દઈએ છીએ કે જે ખરેખર થતું જ નથી. આ રીતે ભવિષ્ય અંગે ખોટી ચિંતા કરવાની આદત ના કારણે આપણે વર્તમાનમાં પણ ડર સાથે જીવીએ છીએ. જે કારણે આપણી ઘણી બધી શક્તિ સમાપ્ત થઈ જાય છે. આપણો વર્તમાન સમય દર્દમાં પસાર થાય છે. જો આપણે પ્રાપ્તિના આધારે આપણું જીવન બનાવીશું તો એક પ્રાપ્તિ થયા બાદ આપણી ખુશી તથા માનસિક સ્થિતિ બીજી પ્રાપ્તિ પર આધારીત બની જાય છે. જે ક્ષણે આપણે કંઈક પ્રાપ્ત કરી લઈએ છીએ ત્યારે આપણને રાહતની અનુભૂતિ થાય છે કે ચાલો આ પણ પતી ગયું. આમાં આપણને રાહતનો અનુભવ થાય છે ખુશીનો નહીં. અને તે પણ થોડા સમય માટે. આપણે પોતાની જાતને પૂછવું જોઈએ કે શું આપણને અનેક પ્રાપ્તિઓ થવા છતાં ખુશીનો અનુભવ થાય છે?
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)