ખુશીનો સંબંધ ભવિષ્ય સાથે

એવી કઈ વાત છે કે જેના કારણે હું ખુશ રહી શકતી નથી. સૌથી અગત્યની વાત ધ્યાનમાં એ આવી છે કે જેનું મુખ્ય કારણ છે આપણા વીતી ગયેલ સમયનો અનુભવ. આપણા ભૂતકાળને આપણે પકડીને રાખ્યો હતો, જે મારી ખુશીને અસર કરતો હતો. જ્યારે મે તેને છોડી દીધો અને વીતી ગયેલ સમયને વર્તમાન ન બનવા દીધો ત્યારે હું મારી ખુશીને ફરીથી અનુભવ કરી શક્યો. હવે આપણે આગળ વધીએ અને ભવિષ્ય તરફ જોઈએ.

ભવિષ્ય અર્થાત મારી યોજના જે મારા જીવનનો આધાર બને છે. આપણે તમામ પ્રવૃત્તિ કરતા પોતાની ખુશીથી દૂર તો નથી જઇ રહ્યા! આપણે જોઈએ છીએ કે આપણે ખુશીને ભવિષ્યમાં શોધીએ છીએ. આપણે માનીએ છીએ કે જો મારી પાસે આ વસ્તુ હશે તો મને ખુશી મળશે. સાથે એ ડર પણ રહે છે કે જો એ વસ્તુ નહીં મળે તો! જ્યારે આપણી ખુશી વસ્તુ પર આધારિત થઈ જાય છે એ ભય આપોઆપ આવી જાય છે. આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ પરંતુ ભયનો એક વિચાર તો આવી જ જશે. ખુશી અને ભય ક્યારેય એક સાથે નથી રહી શકતા.

ખુશીની સાથે સાથે હું ભયના સંકલ્પો કરવાનું પણ શરૂ કરી દઉં છું કે જો આમ થયું તો! જો આપણે તે ન કરી શક્યા તો! આપણને નોકરી છૂટી જવાનો ભય રહે છે, સંપત્તિ છીનવાઈ જવાનો ભય રહે છે. ગુમાવવાનો ડર રહે છે. સૌથી મોટો ડર એ રહે છે કે મને કાંઈ ન થઈ જાય.

આ તમામ ભયની યાદીમાં આપણને એ તો ખબર છે કે જે બધી વસ્તુઓ મને મળી છે તે એક દિવસ તો જવાની જ છે. પરંતુ જ્યાં સુધી તે વસ્તુઓ આપણી પાસે છે ત્યાં સુધી તેના દ્વારા સુખ પ્રાપ્ત કરવાને બદલે પહેલેથી જ અનુમાન કરીને ભયથી જીવવાનું શરૂ કરી દઈએ છીએ. પરિણામે આપણી ખુશી જતી રહે છે. વાસ્તવમાં ખુશી આપણી અંદર જ છે. તે આપણી જ રચના છે. આપણે ભવિષ્ય અંગે એક અનુમાન લઈએ છીએ. જ્યારે તે અનુમાન સારુ નથી હોતું તો આપણને ચિંતા થવા લાગે છે. ચિંતા અર્થાત કંઈક ખરાબ થવાનું છે. આમ ભવિષ્યની ચિંતાના કારણે આપણે વર્તમાનમાં દુઃખી થઈએ છીએ. જેનો પ્રભાવ આપણા રોજબરોજના કામકાજ ઉપર પડે છે.

આપણે વર્તમાનના દુ:ખને ભુલવા માટે મનગમતી પ્રવૃત્તિ જેવી કે ટેલિવિઝન જોવું કે, રજાઓ ઉપર ઉતરી જવું વિગેરે કરીએ છીએ. આ પ્રવૃત્તિ દ્વારા થોડા સમય માટે આપણે દુઃખથી દૂર થઈશું પરંતુ ભવિષ્યની ચિંતા તો રહેશે જ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]