ભૂતકાળની અસર આપણા વર્તમાન ઉપર ન પડે

આપણે આપણા પાછળનો ગયો જન્મ ભૂલી જવો જોઈએ અને એ પ્રકૃતિનો નિયમ પણ છે. જે આપણે ભૂલી શકતા નથી તેમને જીવનમાં ખૂબ સંઘર્ષનો અનુભવ થાય છે. હવે જ્યારે તે આત્મા બીજા જન્મમાં પહોંચી જાય છે ત્યારે આપણે તેને યાદ કરીને અહીં પાછા ખેંચવાનો પ્રયત્ન કરીશું, તો તે શક્ય બનશે નહીં. જો આપણે એ આત્માને યાદ કરીને દુઃખી થઈશું તો તે આત્માને દુઃખની લાગણી (ઉર્જા) પહોંચશે. જો કોઈ સ્વજન આપણી પાસે હવે નથી પરંતુ બીજા વ્યક્તિઓ તો આપણી પાસે છે.

હવે એ જ વિકલ્પ બચે છે કે જે વ્યક્તિઓ આપણી પાસે છે તેમની સાથે સુખમય જીવન વિતાવીએ. આપણે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે ભૂતકાળની અસર આપણા વર્તમાન ઉપર ન પડે. આપણે એ વાતનો સ્વીકાર કરી લેવો જોઈએ કે જે બની ગયેલ ઘટના અંગે હું કઈ પણ કરી શકું તેમ નથી અને વર્તમાન પરિસ્થિતિનો સ્વીકાર કરી લેવો જોઈએ.

આપણને એ પણ ખબર છે કે મૃત્યુ પામેલ સ્વજનની યાદ તો આવે છે. આપણે ઈચ્છીએ છીએ કે તેને ભૂલી જઈએ પરંતુ એ શક્ય બનતું નથી. અહીં બે રસ્તાઓ છે કે કાંતો તે આત્માને પ્રેમથી યાદ કરવી અને બીજું એ છે કે તેને દુ:ખ – દર્દ સાથે યાદ કરવી. બંનેમાં અંતર છે. સામાન્ય રીતે એવું બને છે કે જેવી તે આત્માની યાદ આવે છે કે તરત દુઃખી થઈ જઈએ છીએ. આપણે તેની સાથેની વાતોને યાદ કરીએ છીએ જે આપણને સારું લાગે છે. પરંતુ ત્યાર બાદ તરત જ દુઃખ દર્દમાં જતા રહીએ છીએ. કારણ કે હવે તે દિવસો નથી રહ્યા. આમ કરવાથી ન તો આપણે ખુશ રહી શકીએ છીએ ન બીજાને પ્રેમ આપી શકીએ છીએ.

આપણે એ યાદ રાખવું પડશે કે જે દર્દ આપણે વારંવાર ઉત્પન્ન કરીએ છીએ એનો પ્રભાવ આપણા ઉપર તો પડે જ છે પણ આપણી સાથે રહેલ અન્ય આત્માઓ પર પણ તેનો પ્રભાવ પડે છે. સૌથી વધુ પ્રભાવ તે આત્મા ઉપર પડે છે જે આપણી સાથે નથી. તે આત્માને યાદ કરીએ ત્યારે આરામથી બેસી અને પ્રેમથી યાદ કરીએ. અને સુખ, શાંતિ અને પ્રેમના તરંગો મોકલીએ. ફક્ત તે આત્માની શાંતિ માટે હવન વગેરે કરવાથી તેને શાંતિ નહીં મળે પરંતુ શાંતિ ત્યારે મળશે જ્યારે આપણે શાંત રહીશું.

એ બાબત સ્વીકાર કરી લેવી પડશે કે તે આત્માને શાંતિના તરંગો મોકલવાનો એકમાત્ર રસ્તો છે ભૂતકાળ ને ભૂલી જઇને અને તે આત્માની યાદ આવે ત્યારે તેને શાંતિ અને શક્તિના તરંગો મોકલીએ. જ્યારે આપણે અન્યને શાંતિ તથા પ્રેમના તરંગો મોકલીએ છીએ ત્યારે સૌથી પહેલા ફાયદો આપણને થશે. આપણી સાથે આવું કેમ થયું! તે વાસ્તવિકતાનો આપણે સ્વીકાર કરી લેવો પડશે કે તે આત્માનો મારી સાથે આટલો જ સમય હતો. હવે તે આત્માનો અન્ય સ્થળે જવાનો સમય છે. જો આપણે તેને સકારાત્મક તરંગો મોકલીશું તો એ આત્માનો નવું જીવન બહુ જ સારી રીતે બજાવી શકશે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]