શરીરની સાથે મનને પણ સારા વિચારો રુપી ભોજન જરૂરી…

જો રાત્રે આપણે સારી રીતે સુઈ ગયા અને સવારે 06 વાગ્યા પહેલા ઉઠી ગયા તો બાળકોને સહેલાઈથી સાત વાગ્યા સુધીમાં તૈયાર કરી શકાશે. પરંતુ રાત્રે આપણે ત્યારે જ સારી રીતે સુઈ શકીશું કે જ્યારે આપણો દિવસ સારો પસાર થાય છે. બાળક માટે પોતાના માતા-પિતાથી વધુ મહત્વનું કોઈ નથી હોતું. જો બાળકને પરાણે સ્કૂલે મૂકવા જઈશું તો સવારે-સવારે તેની સાથે કેવી ઉર્જા ની આપ-લે થઇ છે! બાળક સ્કૂલમાં પરેશાન રહેશે. આપણે બાળકના શરીરની તંદુરસ્તી માટે ખૂબ ધ્યાન રાખીએ છીએ પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે શરીરની સાથે મનને પણ સારું ભોજન જરૂરી છે.

જ્યારે માતા-પિતા બાળકને સ્કૂલ બસમાં ચઢાવે છે ત્યારે તેમને આરામનો અનુભવ થાય છે જાણે કે એક મોટું કામ પૂરું થયું. સવારે- સવારે તેઓ ખૂબ થાકેલા દેખાય છે. હજુ તો દિવસની શરૂઆત થઈ રહી છે. દિવસની શરૂઆતના સમયે આ રીતે નબળા સંકલ્પો કરવા યોગ્ય નથી.

આપણે તમામ કાર્યો પહેલાની જેમ જ કરવાના છે પરંતુ શાંત રહીને. હવે આપણે એક ચેક કરવાનું છે કે શાંત રહીને કામ કરવાથી બાળકો બસમાં પહોંચે છે કે નહીં? કોઈવાર આપણે પોતાને જોઈએ કે જે કાર્યો આપણે રોજ કરવાના છે તેને આપણે આટલા બધા અઘરા કેમ બનાવી દીધા? આપણે એ માન્યતા બનાવી દીધી છે કે ગુસ્સો કરીને કે ઉત્તેજિત થઈને કાર્ય કરીશું તો જલદી થશે, આરામથી કરીશું તો જલ્દી નહીં થાય. પરંતુ જો આપણે કોઈ કાર્ય શાંતિથી કરીએ છીએ તો તેનો પ્રભાવ અલગ હોય છે. જો આપણે કોઈ કાર્ય ગુસ્સા સાથે કરીએ છીએ તો આપણું પ્રદર્શન ઘટે છે.

કારણકે જ્યારે આપણે કોઈ કાર્ય ઉત્તેજિત થઈને કરીએ છીએ ત્યારે આપણી વિચારવાની, સમજવાની તથા શારીરિક શક્તિ રોકાઈ જાય છે. ત્યારબાદ તેનો પ્રભાવ આખો દિવસ આપણા ઉપર રહે છે અને રાત્રે આપણે એકદમ પરેશાન થઈ જઈએ છીએ. ત્યારબાદ તેનો પ્રભાવ બીજા દિવસે સવારે ઉપર પડે છે તથા આ એક ચક્રની જેમ ફર્યા કરે છે.

આપણે આવી સારી બાબતો રોજ સાંભળીએ છીએ, સમજીએ છીએ પણ જો તેને અમલમાં મૂકવાનો પ્રયત્ન નહીં કરીએ તો આપણા જીવનમાં કોઈ પ્રાપ્તિ નહીં થાય. એક બીજી બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે મનની સ્થિતિ કેવી રહે છે. સવારે આપણે જ્યારે ભોજન બનાવીએ છીએ તો તે કેવા વિચારો સાથે બનાવીએ છીએ? કહેવાય છે કે – ‘જેવું અન્ન તેવું મન’ તથા ‘જેવું મન તેવું અન્ન’. આપ જુઓ કે ઘરમાં સવારે કેવી ઊર્જા હોય છે? આપણે તમામ કાર્ય ઝડપથી કરવા છે. આપ બાળકને નાસ્તામાં બહુ સુંદર વાનગી બનાવીને આપો છો પરંતુ સાથે-સાથે ચિંતાની ઉર્જા પણ આપો છો. પછી આપણે કહીએ છીએ કે આજના બાળકો કેવા થઈ ગયા છે? એમાં તેમનો દોષ નથી. આ પ્રકારની ઊર્જા દરેક જગ્યાએ ફેલાયેલી છે. આપ બાળકને સ્થિર મન સાથે સમજાવો કે શું સારુ છે અને શું ખોટું છે? જ્યારે આપણે સાવધાન નથી હોતા ત્યારે જ તણાવ આવે છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)