સંકલ્પની રચના તમારા હાથમાં

આપણે એવું માનીએ છીએ કે ખુશી અને ગુસ્સો જીવનમાં સાથે સાથે જ ચાલતા રહેશે. ઘણીવાર આપણે કહીએ છીએ કે આ બંનેનો ખૂબ ઊંડો સંબંધ છે. આપણે એ અનુભૂતિ કરવી પડશે કે સંબંધમાં કાં તો પ્યાર હશે અથવા નફરત હશે. બંને સાથે-સાથે નથી રહી શકતા. આપણે એક વિકલ્પ પસંદ કરવો પડશે કે આપણે પ્યારથી રહેવા માંગીએ છીએ કે નફરત સાથે રહેવા માંગીએ છીએ. એક સર્વે મુજબ બધા પ્યાર થી જ રહેવા માંગે છે. એવી કઈ બાબતો છે કે જે આપણી ખુશીને, પ્યારથી રહેવાની આશાને સમાપ્ત કરી દે છે?

આપણને જ્યારે ગુસ્સો આવે છે, તેના પહેલા જ મનમાં પ્રક્રિયા ચાલી રહેલ હોય છે. જ્યાં સુધી આપણે તેના કારણોને નહીં સમજીએ ત્યાં સુધી કદાચ આપણે ગુસ્સા ઉપર વિજય પ્રાપ્ત નહીં કરી શકીએ. ગુસ્સો તથા આવેશ પહેલા આપણા મનમાં આવે છે, ત્યાર બાદ તે વ્યવહાર દ્વારા પ્રત્યક્ષ થાય છે. જેવી રીતે કારમાં પહેલા એક નંબરનું ગિયર, પછી બીજા નંબરનું એમ પાંચમા ગિયર સુધી જઈ એ છીએ. કાર સીધી પાંચમા ગિયર ઉપર નથી જઈ શકતી. તેવી જ રીતે આપણો ગુસ્સો ત્યારે જ પ્રત્યક્ષ થાય છે જ્યારે તે પાચમાં ગિયર પર પહોંચી જાય છે. જ્યારે ગુસ્સાની શરૂઆત થાય છે અને તે શૂન્યથી એક ઉપર પહોંચે છે ત્યારે આપણને ખબર પડે છે કે કાંઈક ગરબડ છે. જો આપણે રોકાઈને ત્યાં જ ચેક કરી અને તેને આગળ વધતો અટકાવી દઈએ તો ગુસ્સો બહાર આવશે જ નહીં. સૌથી પહેલા જ્યારે આપણી અંદર ગુસ્સો આવવાનું શરૂ થાય છે ત્યારે તે ચીડીયાપનના રૂપમાં હોય છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો આ એક ઉર્જા છે જ્યારે હું કોઈ વ્યક્તિ ઉપર એકવાર ચિડાયો, બીજીવાર ચીડાયો અને ત્રીજી વાર કોઈ મોટી બાબત બની જાય છે તો તે ગુસ્સાના રૂપમાં બહાર પ્રત્યક્ષ થાય છે.

જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે શરૂઆતના એક બે કલાક આપણે ઘરમાં અશાંતિનું વાતાવરણ બનાવી દઈએ છીએ. જેવી રીતે બાળકોને ઉઠાડવા, પછી તેમને તૈયાર કરવા, પછી નાસ્તો કરાવવો અને સ્કૂલે મોકલવા. આ બધા કાર્યોમાં ઘરનું વાતાવરણ અશાંત બની જાય છે. જેનો પ્રભાવ આખા દિવસ ઉપર પડે છે. જો દિવસની શરૂઆત અશાંતિ થાય છે તો તેનો પ્રભાવ બીજા દિવસ ઉપર પણ પડશે.

પરંતુ આપણે એવી ટેવ પાડી દીધી છે કે બાળકોને આ રીતેજ ઉઠાડવા તથા તૈયાર કરવાના છે. હવે શાંતિથી આ પ્રક્રિયા કરવી તેનો અર્થ એવો નહીં કે કામ કરવાની ઝડપ ઓછી થઈ જાય છે. પરંતુ આપણે એવી માન્યતા બનાવી લીધી છે કે ગુસ્સે થઈશું તો બાળકો જલ્દી તૈયાર થઈ શકશે. વાસ્તવમાં જો આપણું મન સ્થિર તથા શાંત હશે તો શરીર સહેલાઈથી કામ કરશે. આપણને એ ખબર નથી હોતી કે જ્યારે આપણે ગુસ્સે થઈએ છીએ ત્યારે તેની અસર ફક્ત આપણા મન ઉપર જ નથી થતી પરંતુ આખા શરીરની કાર્ય પ્રણાલી ઉપર તેની અસર થાય છે. જેના કારણે નાડીની ગતિ, હૃદયની ગતિ, હોર્મોન્સના સ્ત્રાવ વિગેરે બધું જ અનિયમિત બની જાય છે. શું આ પરિસ્થિતિમાં આપણે ઝડપથી તથા સ્ફૂર્તિ થી કામ કરી શકીશું?