જીવનયાત્રાને માણવાની તરકીબ

બે-એક દિવસ પહેલાં એક વિચિત્ર સમાચાર વાંચવામાં આવ્યા. મુંબઈનાં એક બહેન અને એમની સાથે કોઈ ભાઈને શારજાહ ઍરપૉર્ટ પર માદક દ્રવ્ય ધરાવવા બદલ પકડવામાં આવ્યાં. બન્નેને શારજાહની જેલમાં પૂરી દેવામાં આવ્યાં. મુંબઈમાં એમના પરિવારે ફરિયાદ કરતાં પોલીસે ઈન્વેસ્ટિગેશન કર્યું તો ખબર પડી કે એ બહેન, પેલા ભાઈ અને બીજા 4-5 જણને એમની જ સોસાયટીમાં રહેતા કોઈ ભાઈએ એમને ખબર ન પડે એ રીતે માદક દ્રવ્ય સાથે શારજાહ મોકલેલાં, જેથી બધાં પકડાઈ જાય, હેરાન થાય. આનું કારણ એ કે એ ભાઈને આ તમામ લોકો સાથે કોઈ ને કોઈ બાબત ઝઘડા થયેલા. વેર લેવા એમણે આવું તરકટ રચેલું. આ લખાઈ રહ્યું છે ત્યારે (26 એપ્રિલે) એ ભાઈ અને એમના મળતિયાને મુંબઈ પોલીસે જાતજાતની કાયદાની કલમ લગાડીને રિમાન્ડ પર લીધા છે. પેલાં બહેન અને અન્ય એક ભાઈને શારજાહની જેલમાંથી છોડાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે, એમને હકીકતથી વાકેફ કરાવવામાં આવી રહ્યા છે કે “બન્નેને ફસાવવામાં આવ્યાં છે. જેણે ફસાવ્યા એ અમારા કબજામાં છે, તમે એમના મોઢે એમની કબૂલાત વિડિયોના માધ્યમથી જુઓ-સાંભળો.” હવે શારજાહના સત્તાવાળાનાં ગળે ક્યારે આ વાત ઊતરશે ને ક્યારે પેલા નિર્દોષ લોકો જેલમાંથી છૂટશે?

કહેવાનું એ કે એક વ્યક્તિની વેર વાળવાની ભાવનાએ કેટલાંનાં જીવન તળેઉપર કરી નાખ્યાં? એ પોતે પણ હેરાન થશે. આના કરતાં પૂર્વગ્રહ મૂકીને જીવનમાં આગળ વધવાની ભાવના રાખી હોત તો?

હવે જરા આ જુઓઃ ધારો કે કોઈ તમને કહે કે “હું રાજધાની એક્સપ્રેસના મોંઘામાં મોંઘામાં ક્લાસની તમારી મુંબઈ સેન્ટ્રલથી નવી દિલ્હીની રિટર્ન ટિકિટ કરાવી દઉં, તમતમારે કરો પ્રવાસ.” તમે આનંદિત થઈને હા પાડવા જાઓ ત્યાં એ ઉમેરેઃ “આમાં તમારે કરવાનું એ કે રાજધાની જેટલાં સ્ટેશને ઊભી રહે ત્યાંથી તમારે ભારેખમ સામાન ટ્રેનમાં ચડાવવાનો.” તમે વિચારશો કે આ રીતે યાત્રાનો આનંદ માણી શકીશ?

જી ના, કારણ કે, યાત્રાનો આનંદ મેળવવા હળવાશ અને મોકળાશ જોઈએ. સ્ટેશને સ્ટેશને પોટલાં ચડાવવામાં અને સાચવવામાં શું આનંદ આવે?

એ જ રીતે આપણું જીવન પણ એક યાત્રા છે. જન્મથી મૃત્યુ સુધી આપણે ઘણાંબધાં સ્ટેશને ઊભા રહેવાનું થાય, વાટમાં મિત્રો, સગાં-સ્નેહીને મળવાનું થાય, એમાં સારા-માઠા અનુભવો પણ થાય. જો દરેક સ્ટેશને આપણે વેરઝેર કે પૂર્વગ્રહનાં પોટલાં ચઢાવતા જઈએ તો આપણી જીવનયાત્રા કેટલી બોજારૂપ બની જાય? ખરેખર જો જીવનને માણવું હોય તો હળવાશ અને સમયની મોકળાશ જોઈશે. એના માટે આપણે પૂર્વગ્રહનાં, વેરઝેરનાં કે બદલો લેવાની ભાવનાનાં પોટલાં ફગાવીને આગળ વધવું પડશે. જો આપણું હૃદય ધિક્કાર, કડવાશ અને વેરઝેરથી ભરેલું હશે તો મુક્તિ હોવા છતાં આપણે બંધનમાં જ છીએ.

 

હવે જરા આ પ્રસંગ જુઓઃ અમદાવાદમાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને મળવા એક મોટા ગજાના ઈતિહાસકાર આવેલા. આવતાંવેંત એ સ્વામીજીના પગમાં પડી રડવા લાગ્યા. કહેઃ “મેં આપનો મોટો દ્રોહ કર્યો છે. મને માફ કરી દો.”

બનેલું એવું કે અમુક પૂર્વગ્રહના કારણે એ ઈતિહાસકારે સ્વામિનારાયણ ભગવાન અને પ્રમુખસ્વામીના વિરોધમાં ખૂબ લખેલું, પરંતુ એક વખત જ્યારે એ કોઈ કપરી મુશ્કેલીમાં ફ્સાયા ત્યારે તેમના પ્રત્યે લેશમાત્ર દ્વેષ રાખ્યા વિના પ્રમુખસ્વામી મહારાજે તેમની સહાય કરેલી. આથી અંતરમાં પસ્તાવો ધરી આજે એ માફી માગવા આવેલા. તેમને શાંત રાખતાં પ્રમુખસ્વામી મહારાજ બસ એટલું જ બોલ્યાઃ “બધું ભૂલી જાઓ, કાંઈ બન્યું નથી, કાંઈ થયું નથી.”

સામેવાળાની ભૂલને માફ કરવી એ એક ઉચ્ચ ભૂમિકા છે, પરંતુ ભૂલને ભૂલીને સામેવાળાનું ભલું કરવું એ પરાકાષ્ઠા છે. તો પ્રમુખસ્વામી અને એમના જેવા મહાપુરુષોનાં જીવનમાંથી પ્રેરણા લઈએ, પૂર્વગ્રહનાં પોટલાં ફગાવી દઈએ, ઉદાર દિલે માફ કરીએ અને હળવાફૂલ થઈ જીવનયાત્રાને માણીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)