મનની પાંચ વૃત્તિઓ- પ્રમાણ, વિપર્યાય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ- વ્યક્તિ પર પ્રભાવી ન થઇ જાય તે માટે મહર્ષિ પતંજલિ એ બે ઉપાય વર્ણવ્યા છે: અભ્યાસ અને વૈરાગ્ય! અભ્યાસ એટલે શું તે આપણે ગત સપ્તાહે જોયું. નિયમિત, લાંબા સમય સુધી, સત્કારપૂર્વક એક જ તત્ત્વ પર કેન્દ્રિત થઈને કરવામાં આવતો અભ્યાસ દ્રઢ બને છે. પરંતુ શું માત્ર અભ્યાસ કરવો એટલું પૂરતું છે? ના, આ કાષ્ટને ચલાવવા માટે બે બળદની જરૂર રહે છે: અભ્યાસ અને વૈરાગ્ય!
વૈરાગ્ય એટલે શું? અનુભવ કરવાની – જોવાની અને સાંભળવાની તૃષ્ણા ઉપર નિયંત્રણ, જોયેલા પદાર્થો અને જેના વિષે સાંભળ્યું છે તેવા પદાર્થો ને મેળવવાની તૃષ્ણા ઉપર નિયંત્રણ એટલે વૈરાગ્ય! એક દિવ્ય શક્તિની ઉપસ્થિતિની નિરંતર અનુભૂતિ કરવા માટે સતત, અસ્ખલિત, ભક્તિ અને આદરપૂર્વક કરવામાં આવતો અભ્યાસ અત્યંત આવશ્યક છે, તે તમને દ્રઢ બનાવે છે, તો વૈરાગ્ય શું કરે છે?
મન સતત પાંચ ઇન્દ્રિયો દ્વારા સર્જાતાં અનુભવ જગતમાં એક થી બીજા અનુભવ પર કૂદકા માર્યા કરે છે. તમે શાંત થઈને અવલોકન કરશો તો જોશો કે મન પાંચ ઇન્દ્રિયો – દર્શન, શ્રવણ, ગંધ, સ્વાદ અને સ્પર્શ – તરફ જ દોડતું હોય છે. આ પાંચ પ્રક્રિયા દ્વારા જે કઈં અનુભવ આપણે કરીએ છીએ તે આપણી અંદર મોહ-રાગ, દ્વેષ ઉત્પન્ન કરે છે. અહીં વૈરાગ્યનો સદંતર અભાવ છે. મન તમારું ધ્યાન અન્યત્ર આકર્ષિત કરે છે. આ આકર્ષણ કે મોહ શું છે? તમે જયારે મોહાંધ બનો છો ત્યારે હંમેશા આ રાગ, પદાર્થ-વસ્તુ પ્રત્યે હોય છે. જે દ્રશ્ય સામે છે, પદાર્થ છે તેમાં તમે આકર્ષિત થઇ ગયાં છો અને દ્રષ્ટા- કે જે આ દ્રશ્યને જોઈ રહ્યો છે, તેનાથી તમે દૂર ચાલ્યાં ગયાં છો. બહારના જગતના કોઈ પણ અનુભવ કરવા તરફનો રાગ તમને વર્તમાન ક્ષણમાં રહેવા દેતો નથી.
બહારનાં જગતનો અનુભવ કરવાની, જોયેલા-સાંભળેલા પદાર્થોને મેળવવાની તૃષ્ણા ઉપરનું નિયંત્રણ એટલે વૈરાગ્ય! સુંદર ભોજન પ્રત્યે રાગ, કામવાસના, અન્ય પાસેથી પ્રશંસા મેળવવાની ઈચ્છા આ બધી તૃષ્ણાઓ સતત ઉદ્ભવતી રહે છે. લોકો તમારી પ્રશંસા કરે, તમારું મહત્વ વધે, તેવી ઈચ્છા એ મોહ જ છે. સમાજમાં અપરાધ થવા પાછળનું મુખ્ય કારણ જોયેલી-સાંભળેલી વસ્તુઓ મેળવવાનો મોહ જ છે. ઘર્ષણ ક્યારે ઉત્પન્ન થાય? પોતે જ સાચા છે તેવી દ્રઢ માન્યતા, સ્વાર્થીપણું, પોતે એકલા જ બધું લઇ લેવાની વૃત્તિ- જેને કારણે સંઘર્ષ અને ઘર્ષણ ઉદ્ભવે છે. આ બધા પ્રકારના વલણ, રાગ-દ્વેષ ઉપર નિયંત્રણ એ વૈરાગ્ય છે.
થોડા સમય માટે રાગ-દ્વેષ માંથી ઇન્દ્રિયો નિવૃત્ત થઈને પુન: પોતાના સ્ત્રોત ભણી જાય છે ત્યારે વૈરાગ્યનો અનુભવ થાય છે. આ સ્થિતિમાં તમે અનુભવો છો કે ગમે તેટલું સુંદર દ્રશ્ય હોય, ગમે તેટલું સુંદર સંગીત હોય પણ તમને એ જોવા કે સાંભળવામાં બિલકુલ રસ નથી. વૈરાગ્ય થોડી ક્ષણો માટે પણ હોય તો પણ તે ખુબ જરૂરી છે. ધ્યાનમાં જવા માટે વૈરાગ્યની સ્થિતિ હોવી અનિવાર્ય છે, બાકી તમે ધ્યાનમાં જઈ શકતાં નથી. વૈરાગ્ય સિવાય કરવામાં આવતું ધ્યાન તમને ગહન વિશ્રામ આપી શકતું નથી. એક થી બીજી ઈચ્છાઓ ઉપર કૂદકા મારીને તમારું મન થાકી ગયું છે. વિચાર કરો કે પહેલા જેટલી ઈચ્છાઓ ઉદ્ભવી છે અને જેની તમે પૂર્તિ કરી છે તેનાથી તમને તૃપ્તિ કે વિશ્રામનો અનુભવ થયો છે? ના! ઈચ્છા-પૂર્તિને લીધે તમે વધુ ને વધુ મેળવવા તરફ આશાવાદી બન્યાં છો. તમારી ઈચ્છાઓમાં વૃદ્ધિ જ થઇ છે. તમે જાણે ચકડોળમાં ફર્યા કરો છો. ચકડોળમાં જેમ ખોટા ઘોડા અને હાથી હોય છે, જેના પર બેસીને તમે ક્યાંય પહોંચતાં નથી, માત્ર ગોળ ગોળ જ ઘૂમો છો. પરંતુ તમને એવો આભાસ થાય છે કે તમે માઈલો સુધી યાત્રા કરી છે. મન જયારે એક થી બીજી ઈચ્છાઓ ઉપર કૂદ્યા કરે છે ત્યારે વાસ્તવમાં તમે ક્યાંય પહોંચતાં નથી અને છતાં ખૂબ થાકી જાઓ છો, તમને વિશ્રામ મળતો નથી.
આનાથી વિપરીત અભિગમ પણ નિરર્થક છે. કેટલાંક લોકો એવું મને છે કે મનમાં ઈચ્છાઓ હોવી જ ન જોઈએ. તેઓ આ માટે મથ્યા કરે છે. કોઈ પણ ઈચ્છા ન હોવી જોઈએ તે પુન: એક મોટી ઈચ્છા બની જાય છે. અહીં પણ વૈરાગ્ય શક્ય બનતો નથી. ધ્યાન દરમ્યાન કોઈ ચોક્કસ અનુભૂતિ કરવાની અપેક્ષા જ ધ્યાનની પ્રક્રિયામાં મોટો અવરોધ બને છે.
તો, આનંદ મેળવવાની ઈચ્છા જ તમને દુઃખી કરે છે. તમે જયારે દુઃખી છો, ત્યારે તમે જોશો તો સમજાશે કે આ દુઃખનું કારણ એક જ છે અને તે છે સુખી થવાની, ખુશી પ્રાપ્ત કરવાની ઈચ્છા. ખુશ થવાની ઈચ્છાને છોડી દેશો કે તરત જ તમે પ્રસન્ન બની જશો.
ખુશીની તૃષ્ણા દુઃખને નોતરે છે. તમે જયારે પ્રસન્નતા મેળવવાની ઈચ્છા છોડી દો છો ત્યારે તમે મોક્ષ પ્રાપ્ત કરો છો. અને જયારે તમને મોક્ષની પણ પરવા નથી ત્યારે તમે પ્રેમ પ્રાપ્ત કરો છો. આ પરમ વૈરાગ્ય છે. ખુશી એ તમારાં મનની સંકલ્પના માત્ર છે. હું જો ચોક્કસ વસ્તુને પ્રાપ્ત કરીશ તો હું ખુશ થઈશ. તમે એ વસ્તુ મેળવી લીધી, ચાલો, હવે તમે ખુશ છો? ના! તમને થાય છે કે આ રીતે નહિ, મેં કૈંક જુદી જ અપેક્ષા રાખી હતી, તે પ્રમાણે ન બન્યું. અથવા તો મન તરત જ બીજી ઈચ્છાને પકડે છે.
પ્રસન્નતા-ખુશી મેળવવા માટે મોહ પર પૂર્ણવિરામ મૂકવું એટલે વૈરાગ્ય. આનો અર્થ એવો નથી કે દુઃખી થવું, કે જીવનને માણવું નહીં! પણ જો તમારું મન આનંદ મેળવવાની પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થશે ત્યારે તમે ધ્યાનમાં જઈ શકશો, ત્યારે યોગ ઘટિત થશે. પ્રાપ્તિના, ઈચ્છા પૂર્તિના જ્વરમાંથી તમારી જાતને મુક્ત કરો. તમારી ઇન્દ્રિયોને જે પણ આકર્ષે છે- ભોજન, કામેચ્છા, સંગીત આ બધું અત્યંત સીમિત સ્વભાવ ધરાવે છે. પરંતુ તમારું મન આ સીમિતતા સ્વીકારવા તૈયાર નથી. તમે ફરી ફરી પોતાની જાતને આ બધું મેળવવા માટે પીડા આપ્યા કરો છો.
બહારનાં જગતને, ઇન્દ્રિય જગતને સ્વીકારી, સન્માન કરીને, ભીતર જવાની, પોતાના સ્ત્રોત તરફ પાછા વળવાની કુશળતા એ જ વૈરાગ્ય છે. બહારની વસ્તુઓ ઉપર દોષારોપણ કર્યા સિવાય પોતાનાં કેન્દ્રમાં સ્થિર થવું તે વૈરાગ્ય છે. પછી તમે પ્રત્યેક ક્ષણનો આનંદ મેળવો છો. તમે નિરંતર વર્તમાન ક્ષણમાં છો. અને એટલે જ પ્રસન્ન છો. આદિ શંકરાચાર્ય કહે છે કે – એવું કયું સુખ છે જે વૈરાગ્ય દ્વારા પ્રાપ્ત થતું નથી? વૈરાગ્ય જ બધાં સુખો આપવા સક્ષમ છે. નિષ્ફળતાથી ગભરાઈ જવું, જગતને છોડી દઈને પલાયન થઇ જવું તે વૈરાગ્ય નથી. સંપૂર્ણ જવાબદારી અને સંપૂર્ણ તૃપ્તિ તે વૈરાગ્યની સંજ્ઞા છે. વૈરાગ્ય તમારી શક્તિ છે. ધનદેવતા સાક્ષાત તમારી સમક્ષ પ્રકટ થાય તો પણ તમે તેમની પાસેથી કઈં જ મેળવવાની ઈચ્છા રાખતાં નથી. આ અહંકાર નથી પરંતુ તમારી સ્થિરતા છે. ક્ષણાર્ધમાં તમને સમજાય છે કે સૃષ્ટિમાં તમે માત્ર આપવા માટે જ જન્મ્યાં છો, અહીંથી કઈં લેવાનું નથી અને પરમ વૈરાગ્ય ત્યારે ઘટિત થાય છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)