રિલેશનશીપમાં કુશળતાની જરુર પડે?

કોઈ પણ સંબંધમાં સહુ પ્રથમ આવે છે આકર્ષણ! તમે કોઈ પ્રત્યે પ્રબળ આકર્ષણ અનુભવો છો. જેના પ્રતિ આકર્ષણ થયું છે તે જો તમને સરળતાથી મળી જાય છે તો મોહ ઉતરી જાય છે. પણ જેના પ્રતિ આકર્ષણ થયું છે તે જો તમને સરળતાથી પ્રાપ્ત થતું નથી તો તમે વધુ ને વધુ ખેંચાણ અને પ્રેમ અનુભવો છો. આ અનુભવ તમે કર્યો છે ને?

તો આમ તમે પ્રેમમાં પડો છો. પછી શું થાય છે? પછી સોપ ઓપેરા શરુ થાય છે!

કારણ કે, તમે કોઈને પ્રેમ કરો છો, તમે તમારી જાતને અર્પણ કરી દો છો. પણ પછી તમારી અપેક્ષાઓ પણ વધવા લાગે છે. અપેક્ષાઓ હોય ત્યાં પ્રેમ ઓછો થવા લાગે છે. રોમાંચ, ઉત્સાહ બધું જ ઓસરવા માંડે છે. અને તમને લાગે છે કે તમે મોટી ભૂલ કરી છે. તમે દુ:ખી થાઓ છો, દર્દ અનુભવો છો, અને આ સંબંધમાં થી બહાર આવવા માટે તમે સંઘર્ષ કરો છો. એક સંબંધમાં થી તમે બહાર આવી જાઓ છો. ફરી થોડો સમય જાય છે અને તમે ફરીથી કોઈ પ્રત્યે આકર્ષાઓ છો, પ્રેમમાં પડો છો, એક વધુ સંબંધ બંધાય છે  અને જાણે ઘટનાઓનું પુનરાવર્તન થાય છે.

રિલેશનશીપમાં કુશળતાની જરુર પડે ખરી? હા, કારણ કોઈ પણ રિલેશનશીપ હંમેશ માટે રહે, દ્રઢ હોય અને વિશ્વાસથી સભર રહે, એ જ હંમેશા ઇચ્છનીય છે, નહીં ? સંબંધ તોડી નાખવામાં તો કોઈ કૌશલ્યની ક્યાં જરૂર પડે છે? સામી વ્યક્તિને શું નહીં ગમે તે પ્રમાણે વર્તન કરવું સરળ છે. પછી થોડા મતભેદ અને સંબંધોનો કાયમ માટે અંત આવી જાય છે.

તો હું કહીશ કે સંબંધો જાળવી રાખવા માટે આ ત્રણ : યોગ્ય દ્રષ્ટિકોણ, અવલોકન અને યોગ્ય અભિવ્યક્તિ અત્યંત આવશ્યક છે. ઘણી વખત તમે એમ કહો છો કે “મને કોઈ સમજી શકતું નથી”, પણ વાસ્તવમાં તમે તમારી જાતને યોગ્ય રીતે વ્યક્ત કરી શક્યા નથી. જો તમે જર્મની જઈને રશિયન ભાષામાં વાત કરશો તો કોઈ કઈ રીતે સમજી શકશે? તો અન્ય લોકો તમને સમજી શકે તે માટે તમારે યોગ્ય અભિવ્યક્તિ કરવી પડશે. અને પોતાની જાતને પૂર્ણતયા વ્યક્ત કરવા માટે તમારે પરિસ્થિતિઓ , ઘટનાઓ અને લોકોને યોગ્ય દ્રષ્ટિકોણથી જોતાં શીખવું પડશે. વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે ઘટના ને તમે સાચી રીતે ક્યારે મૂલવી શકો? જો તમારો દ્રષ્ટિકોણ, અભિગમ યોગ્ય રીતે મૂલ્યાંકન કરવા કેળવાયેલ હોય તો, અને આવું ક્યારે બને? જયારે તમે સામી વ્યક્તિના સ્થાને પોતાની જાતને મૂકી શકો અને તેમની દ્રષ્ટિથી વિચારી શકો ત્યારે તમારો દ્રષ્ટિકોણ બહુઆયામી બને છે.

તો સારું, તમારો દ્રષ્ટિકોણ તો યોગ્ય છે, પણ તમે પ્રતિક્રિયા કઈ રીતે આપો છો? તમારી અંદર કેવી લાગણીઓ ઉઠે છે? તમને શામાંથી પ્રેરણા મળી રહી છે? તમારી અંદરનું કયું તત્ત્વ બહાર વ્યક્ત થઇ રહ્યું છે? જુદા જુદા સંજોગોમાં તમે કઈ રીતે વર્તો છો?

આ સઘળું મનનાં અવલોકન દ્વારા સમજવું જરૂરી છે. તો, દ્રષ્ટિકોણની સાથે સાથે પોતાની જાતનું અવલોકન પણ અગત્યનું છે. તમારી વૃત્તિઓનું અવલોકન કરો, તમારી ભીતર ઉઠતાં સંવેદનોનું અવલોકન કરો, તમારાં મનોવલણનું અવલોકન કરો. અંતર્જગતનું અવલોકન અને બાહ્ય જગત પ્રત્યે સાચો દ્રષ્ટિકોણ, આ બંને વડે તમે તમારી જાતને પૂર્ણતયા વ્યક્ત કરી શકશો.

બારીકાઈથી જોશો ને, તો માત્ર સંબંધ જ નહીં પણ સમગ્ર જીવનની સાર્થકતા આ ત્રણ આયામ : દ્રષ્ટિકોણ, અવલોકન અને અભિવ્યક્તિ પર આધારિત છે. તમે કોઈ પણ ભૂલ જીવનમાં કરો છો તે વાસ્તવમાં ભૂલ નથી, પરંતુ આ ત્રણ આયામ: બહારનાં જગત પ્રત્યે નો તમારો યોગ્ય દ્રષ્ટિકોણ, પોતાનાં અંતર્જગતનું અવલોકન અને સ્વયંની અભિવ્યક્તિ, ને દ્રઢ બનાવવા માટેની એક પ્રક્રિયા જ છે. અને આ ત્રણ આયામ ઉપર જેવું તમે કામ કરવાનું શરુ કરશો કે તરત જ સકારાત્મક પરિવર્તનનો તમને અનુભવ થશે. તમારી પોતાની જાત સાથેનો તમારો સંબંધ સંવાદિત બનશે. વાઈબ્રેશન-સ્પંદન ઉર્જામાં વધારો થશે અને શબ્દો કરતાં તમારી ઉપસ્થિતિની, તમારાં વાઈબ્રેશનની અસર વધુ થતી હોય છે.

સ્વયં સાથે કઈ રીતે તાદાત્મ્ય સાધી શકાય?

તો, પ્રથમ તો પોતાના માટે સમય કાઢો. પ્રકૃતિ નાં સાન્નિધ્યમાં રહો. મૌન થઇ જાઓ. ઊંડો વિશ્રામ લો. વ્યાયામ કરો. હળવો ખોરાક લો. અકારણ કોઈની મદદ કરો, સેવા કરો. અન્તર્યાત્રામાં તમને સહાયરૂપ થાય એવાં સારાં પુસ્તકો વાંચો. કોઈ પણ એક કલા વિકસાવો. આ બધું તમારી પોતાની જાત સાથેની રિલેશનશીપ દ્રઢ કરવા માટે છે. સૌથી અગત્યનું છે, ધ્યાન! ધ્યાન એટલે ઊંડો વિશ્રામ. તમારી આંખો બંધ છે, પણ તમે પોતે જાગૃત છો. સજગતાપૂર્વકનો વિશ્રામ એટલે ધ્યાન. ધ્યાન દ્વારા ટોક્સિન દૂર થાય છે, મન વિશ્રાંતિ પામે છે અને તમે શુદ્ધ અને નિતાંત સુંદર બનો છો, તમારાં પોતાનાં સ્વરૂપને તમે જાણવા લાગો છો.

રિલેશનશિપનું પ્રથમ સોપાન છે, દ્રષ્ટિકોણ, અવલોકન અને અભિવ્યક્તિ દ્વારા સ્વયં સાથેનું તાદાત્મ્ય!

રિલેશનશીપ જાળવી રાખવાનાં અન્ય અગત્યના ઉપાય વિષે આગળ વધુ વાત કરીશું.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)