બ્રહ્માંડનું સંચાલન કઈ રીતે થાય છે?

ધર્મ, કર્મ, પ્રેમ અને જ્ઞાન! બ્રહ્માંડનું કણ કણ આ ચાર લાક્ષણિકતાઓને સતત પ્રતિબિંબિત કરે છે.

ધર્મ એટલે શું?: ધર્મ એટલે સ્વભાવ. સૃષ્ટિમાં સજીવ-નિર્જીવ સહુનો એક નિશ્ચિત સ્વભાવ હોય છે. મનુષ્યનો પોતાનો સ્વભાવ હોય છે. એ જ રીતે ધાતુઓમાં-એલ્યુમિનિયમનો ચોક્કસ સ્વભાવ-ગુણધર્મ હોય છે અને તાંબાનો પણ ચોક્કસ સ્વભાવ-ગુણધર્મ હોય છે. તો સજીવ જીવસૃષ્ટિ અને નિર્જીવ પદાર્થોનો નિયત ગુણ-સ્વભાવ એટલે ધર્મ હોય છે.

સ્વભાવના ગુણધર્મોની સાથે સાથે, સજીવ-નિર્જીવ સૃષ્ટિ દ્વારા નિશ્ચિત કૃત્ય, કાર્ય ઘટિત થતું હોય છે. આ કૃત્ય એટલે કર્મ. કર્મ એ બીજી લાક્ષણિકતા છે.

ત્રીજી લાક્ષણિકતા છે, પ્રેમ. સૃષ્ટિનું કણ કણ પ્રેમ પૂર્ણ છે. પ્રેમ એટલે આકર્ષણ, પ્રેમ એટલે નિકટ જવું. પરસ્પર આકર્ષણથી પરમાણુઓ નિકટ આવે છે અને અણુનું નિર્માણ થાય છે, અનેક અણુઓ સંયોજાઇને પદાર્થની ઉત્પત્તિ કરે છે. અણુ-પરમાણુનાં સંયોજનની લાક્ષણિકતાઓ – ગુણધર્મ દ્વારા આપણે પદાર્થની ઓળખ કરીએ છીએ. એક બળ, જે એકબીજાને નિકટ લાવે છે અને સઘળું જોડી રાખે છે તે પ્રેમ છે. પ્રેમ, બ્રહ્માંડમાં નિત્ય-નિરંતર ઉપસ્થિત હોય છે. જીવનું સર્જન-પ્રજનન ક્રિયાનો આધાર પ્રેમ છે. પ્રેમના બળને કારણે ગ્રહો પોતાની કક્ષામાં પરિભ્રમણ કરે છે. સૂર્ય પ્રકાશે છે અને તારાઓ ચમકે છે. પ્રત્યેક પરમાણુ પ્રેમથી બનેલ છે અને એટલે જ તેનો ઘટક-ઈલેક્ટ્રોન ભ્રમણ કક્ષામાં ફર્યા કરે છે. સૃષ્ટિમાં સઘળું પ્રેમની શક્તિથી ઉર્જિત છે.

ચોથી લાક્ષણિકતા છે: જ્ઞાન! આપ અત્યારે વાંચી રહ્યા છો, ખરું? પણ એ કોણ છે, જે વાંચી રહ્યું છે? અને વાંચન પ્રક્રિયા વડે જે જાણી રહ્યું છે તે કોણ છે? આપણી ભીતર એવું કઈં છે જે જાણે છે, તે શું છે? તે ચેતના છે. જ્ઞાન પણ પ્રકૃતિના કણ કણમાં સમાવિષ્ટ છે. આપણે કઈ રીતે જાણી શકીએ છીએ? શું માત્ર મસ્તિષ્ક કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ આપણે જાણીએ છીએ? ના! આપણાં આખાં શરીરના, પ્રત્યેક કોષમાં જાણવાની ક્ષમતા રહેલી છે. એક ખંડમાં ઘણી બધી વ્યક્તિઓ નિદ્રાધીન છે, ઊંઘમાં છે, પરંતુ બહારથી કોઈ આવીને, ધીરેથી એક નામ બોલશે તો જેનું નામ છે તે વ્યક્તિ તરત જાગી જશે અને ઉત્તર આપશે. આપણી ચેતના, જાણવાની ક્ષમતા વડે સંતૃપ્ત થયેલી છે, અને આ ચૈતન્ય શક્તિ શરીરમાં અને શરીરની બહાર પણ સતત ઉપસ્થિત હોય તે જ્ઞાન છે. સૃષ્ટિની પ્રજ્ઞા શક્તિ એ જ્ઞાન છે.

આ ચારેય લાક્ષણિકતાઓમાં “કર્મ”- બહુ ચર્ચિત છે, અને તેને મહદંશે ખોટી રીતે સમજવામાં આવેલ છે. કેટલાંક કર્મો બદલી શકાય છે, અને કેટલાંક કર્મોને બદલવા શક્ય નથી. પ્રારબ્ધ કર્મ-એટલે કે જેની શરૂઆત થઇ ચુકી છે તે આગળ કરેલાં કૃત્યોનું ફળ મળવાનું શરુ થઇ ગયું છે. આ કર્મને બદલી શકાતું નથી. વર્તમાનમાં જે ફળ મળી રહ્યું છે તે પ્રારબ્ધ કર્મને કારણે છે. તેને અવગણવું કે બદલવું શક્ય નથી.

સંચિત કર્મ એટલે ભેગા કરેલા પૂર્વ કૃત્યો! જે મનોવલણના સૂક્ષ્મ સ્વરૂપમાં અત્યારે હોય છે, જે ફળ આપવાની દિશામાં કાર્યરત તો છે, પરંતુ ગોપીત છે. મન ઉપર તેની છાપ- ઇમ્પ્રેશન છે. એક સ્મૃતિનાં સ્વરૂપમાં છે. જે કાર્યના સ્વરૂપમાં ગતિશીલ પણ થઇ શકે અથવા ગોપીત અવ્યક્ત પણ રહી શકે છે. સંચિત કર્મને બાળી શકાય છે, પરિવર્તિત કરી શકાય છે. બધી જ આધ્યાત્મિક પ્રક્રિયાઓ સંચિત કર્મોને બદલી શકવા સમર્થ છે.

આગામી કર્મ- એટલે એવા કર્મો, કે જે ભવિષ્યમાં ફળ આપવાનું શરુ કરશે. આ કર્મ હજુ ગતિમાન થયાં નથી. ઉદાહરણ માટે, તમે આજે કઈં ગુનો કર્યો છે, તો કદાચ આજને આજ તમે પકડાઈ જતાં નથી, પણ ભવિષ્યમાં પકડાઈ જશો એ સંભાવના સાથે તમે જીવો છો, આ આગામી કર્મ છે.

દરેક આદત એક પ્રકારનું કર્મ છે. તમને રોજ સવારે કૉફી પીવાની આદત છે અને એક દિવસ જો તમે કૉફી નથી લેતાં અને તમને માથું દુઃખે છે, તો તે કૉફી કર્મ છે. ક્યાં તો તમે કૉફી લઇને માથાનાં દુઃખાવાને મુલતવી રાખો છો, અથવા તમે ભવિષ્યમાં કૉફી ન લેવાથી માથાનો દુ:ખાવો ન થાય તે માટે ઉપાય કરો છો અને કૉફી લેવાનું બંધ કરીને કૉફી-કર્મને સમાપ્ત કરો છો. થોડા દિવસ કૉફી વગર માથાનો દુ:ખાવો સહન કરીને, યોગ-ધ્યાન વડે તમે કૉફીની આદતમાંથી મુક્તિ મેળવો છો.

તો, કર્મની ગતિ ગહન છે, કર્મનું વિશ્લેષણ ન કરો. તમારો ધર્મ નિભાવો અને આગળ વધો. હૃદયમાં પ્રેમભાવ અને પ્રાર્થના ભાવ રાખો અને કાર્ય કરતા રહો. જાણો કે એક પરમ સત્તા છે, જે નિરંતર, અતિશય પ્રેમપૂર્વક તમારું ધ્યાન રાખે છે, તમારી સંભાળ લે છે. આ પરમ સત્તા પ્રત્યે કૃતજ્ઞ થઇ જાઓ. સઘળી ચિંતા તેને સોંપી દો. જયારે તમારું હૃદય ભક્તિપૂર્ણ છે, ત્યારે બહારની બધી જ સીમાઓ તૂટી જાય છે, અને તમે કેન્દ્રસ્થ થાઓ છો, અનંતતાનો અનુભવ કરો છો. ઈશ્વરીય સત્તા સાથે એકાત્મ ભાવ અનુભવો છો. આ કેન્દ્ર સ્થાન સઘળા કર્મોથી અલિપ્ત છે! હૃદય કમળને ખીલવો અને જુઓ કે જીવનની પ્રત્યેક ક્ષણ એક ઉત્સવ છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)