|
કબીર ગાફિલ કયા કરે, આયા કાલ નજીક, કાન પકરિ કે લે ચલે, અજયાહિ ખટીક. |
કરુણામૂર્તિ તથાગત બુદ્ધ ભગવાન જ્યારે ઘવાયેલો હંસ જુએ છે કે વાત્સલ્ય અને દયાના સાક્ષાત્ અવતાર ઈશુ ઘેટાના
બચ્ચાને તરફડતું જુએ છે ત્યારે અનુકંપાનો પ્રપાત કરે છે. કોઈ જીવનું દુઃખ ન જોઈ શકે તે સાચો સંત.
કસાઈ કોઈ પ્રકારની જીવદયાનું મહત્ત્વ સમજ્યા વિના નિર્દોષ પશુઓની કતલ કરે છે, તેમ મૃત્યુ પણ સમય આવ્યે પ્રાણ હરી લે છે. કાળનો યમપાશ કોઈને છોડતો નથી.
માણસ સારું કે ખરાબ જીવન જીવ્યો હોય, પરંતુ મૃત્યુ સમયે એક અજીબ લાગણી થાય છે, મૂંઝવણ થાય છે. ‘મેં આમ કર્યું હોત તો?’ કે ‘આમ ન કર્યું હોત તો?’ તેવી દ્વિધા અનુભવે છે. યોગ્ય જ્ઞાન-સમજણ વિનાનું જીવન કબીરજીના મતે ગફલતભર્યું છે.

વારંવાર મનુષ્યજન્મ નથી મળતો, તેથી જાગૃત મનથી સારાસારનો વિવેક કેળવી જીવન જીવવું જોઈએ. કાળની ક્રૂરતા કસાઈ જેવી છે તે વાતનું સ્મરણ રહે તો પણ માનવી સદ્વર્તન કરવા પ્રેરાય છે.
જે ઈન્દ્રિયોને વશ કરી, મન સ્થિર રાખી અનાસક્ત ભાવથી કર્તવ્ય નિભાવે છે, તેને મૃત્યુનો ભય સતાવતો નથી.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)


