કાંદિવલી એજયુકેશન સોસાયટીના ૯૦ વરસની ભવ્ય ઉજવણી

મુંબઈ: પશ્વિમના આ સુંદર સબર્બ ખાતેની અગ્રણી શૈક્ષણિક સંસ્થા કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઇએસ) છે. જેના ૯૦ વરસની ઉજવણીના ભવ્ય કાર્યક્રમનું આયોજન તા. ૨૯ માર્ચના રવિવારે સંસ્થાના પ્રાંગણમાં થયું હતું. આ સંસ્થાની સ્કુલ અને કોલેજના એલ્યુમનાઈ (ભૂતપૂર્વ વિધાર્થીઓ) અદભુત ઉત્સાહ સાથે આ પ્રસંગે હાજર રહયા હતા. આ ઉપરાંત કાંદિવલીના અગ્રણી નાગરિકો, દાતાઓ અને શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક લોકોએ હાજર રહી કાર્યક્રમને માણ્યો હતો. નોંધપાત્ર વાત એ પણ ખરી કે સંસ્થામાં વરસો સુધી શિક્ષક તરીકે ફરજ બજાવનાર સંખ્યાબંધ શિક્ષકો પણ અહીં હાજર હતા, જેમને વિધાર્થીઓ ઉમળકાભેર મળ્યા હતા. આખા મેદાનમાં આનંદ અને ઉત્સાહની લહેરો ફરી રહી હતી.

૯૦ વરસે પણ યુવાન સંસ્થા

યોગેશ સાગરે કેઈએસની ગરિમાને બિરદાવતા કહયું હતું કે ૯૦ વરસનો પ્રવાસ બહુ લાંબો થકવી દે એવો કહેવાય. પરંતુ આવી સંસ્થા ટકે તેના માટે બે ભાવ હોવા જરૂરી છે, એક સેવા અને બીજો સમર્પણનો ભાવ. સેવા સાર્વજનિક છે અને સમર્પણ એ વ્યકિતગત હોય છે. આ સંસ્થા ૯૦ વરસે પણ જુવાન છે. આ સંસ્થા માતૃસંસ્થા છે. તેથી જ તેને અહીં ભણેલા વિધાર્થીઓએ સહયોગ આપવો જોઈએ. સમાજમાં આવી સંસ્થાઓ બહુ ઓછી છે, જે વિધાર્થીઓમાં ચરિત્ર ઘડતર કરે છે, કેઇએસ આવી એક અનોખી સંસ્થા છે.

કેઈએસની જ્ઞાનગંગાનો પ્રવાહ

આ પ્રસંગે હાજર રહેલા સંખ્યાબંધ એલ્યુમનાઇને સંબોધતા કેઈએસના પ્રેસિડન્ટ મહેશ શાહે કહયું કે ગંગાસ્નાન કરીએ ત્યારે જે પાણીમાં સ્નાન કર્યું હોય તે જ પાણી બીજી વાર સ્નાન કરીએ ત્યારે રહેતું નથી. પણ ગંગાનું ગંગાત્વ અને પુણ્યભાવ સતત બધા અનુભવે છે. કેઈએસનો જ્ઞાનનો આવો શિક્ષણપ્રવાહ સતત ચાલુ છે. બીજું એક ઉદાહરણ આપતા તેમણે કહયું કે અખંડ જ્યોત આપણે કહેતા હોઈએ છીએ, પણ એ જ્યોતને સતત પ્રજવલિત રાખવા એમાં ઘી પૂરતા રહેવુ પડે. જેમ એક નાના બીજથી વૃધ્ધિ પામી એક વટવૃક્ષ બને છે તેની શીતલ છાયામાં દરેક માનવ પશુપંખી વિસામો લે છે. વડની વડવાઈ પર ઝૂલે છે તેવું શિક્ષણનું બીજ આજથી ૯૦ વર્ષ પૂર્વે કાંદિવલીમાં ૧૯૩૬ના મે મહિનામાં રોપાયું તે આજે ૯૦ વર્ષના મહત્વપૂર્ણ સમય બાદ કાંદિવલીમાં જ્ઞાન શિક્ષણ સંકુલ વટવૃક્ષ રૂપે પ્રવર્તમાન છે. ૧૩ વિધાર્થીઓ સાથે આરંભાયેલી આ સંસ્થામાં હાલ ૨૨ હજારથી વધુ વિધાર્થીઓ પ્રાઈમરીથી લઈ ઉચ્ચત્તમ અભ્યાસ કરી રહયા છે.

મહેશભાઈએ વિધાર્થી સહિતના શ્રોતાના હૃદયનેપાર ઉતરી સ્પર્શે એવી વાત કરતા કહયું કે વડ કદી એવુ વિચારતું નથી કે મારી વડવાઈની વિસ્તરણ મારી મહત્તા ઘટાડશે. તે તો વડવાઈને પૂર્ણ રીતે વિસ્તરવા પોષણ આપે છે તેથી વિધાર્થીઓ આ શાળા-કોલેજોમાં ભણી કોઈ ડોક્ટર બન્યા, કોઈ CA બન્યા, કોઈ મોટા બિઝનેસમેન બન્યા, તો કોઈ બાંધકામ ક્ષેત્રના મોટા બિલ્ડર અને આર્કિટેક્ટ બન્યા છે. આ શૈક્ષણિક સંકુલની મહત્તા ફક્ત ભણતર ઉપરાંત તેના ગણતર અને ઘડતર પર પણ રહી છે. આ શૈક્ષણિક સંકુલ માં ગુજરાત, હિન્દી અંગ્રેજી, સંસ્કૃત ભાષાનું મહત્વ રહયું છે. વૈજ્ઞાનિક, આર્થિકક્ષેત્ર, કાયદાકીય ક્ષેત્ર, ટેકનોલોજી ના વિવિધ પાસા અને ક્ષેત્રને લગતું શિક્ષણ આપવા સંપૂર્ણ સજ્જ છે. હજી તો સંસ્થા નવા યુગ સાથે મેળ ખાય એવા અનેકવિધ કોર્સિસ દાખલ કરવાની મહત્વકાંક્ષા ધરાવે છે.

કેઈએસનો ઈતિહાસ અને એલ્યુમનાઇ પોર્ટલ

નેવું વરસની ઉજવણીના ભાગરૂપ આ દિવસે કેઈએસના ૯૦ વરસના ઈતિહાસને બે ભાષામાં (ગુજરાતી અને અંગ્રેજી) આવરી લેતા કોફી ટેબલ બુકનું સુપ્રસિધ્ધ સાહિત્યકાર દિનકર જોષીના હસ્તે લોન્ચિંગ કરાયું હતું, દિનકરભાઇ પણ અહીની સ્કુલમાં ભણ્યા છે અને મેનેજમેન્ટ કમિટીમાં પણ સ્થાન ધરાવે છે. આ બુકમાં સંસ્થાની તમામ કોલેજો-સ્કુલોની વિગતો અને જુના-નવા યાદગાર ફોટા પણ સમાવી લેવાયા છે. આ ઉપરાંત સંસ્થાએ એલ્યુમનાઈ પોર્ટલ પણ લોન્ચ કર્યુ હતું, જેમાં આ સંસ્થામાંથી શિક્ષણ લઈને ગયેલા સવા બે લાખ વિધાર્થીઓ પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને આ માતૃસંસ્થા સાથેનો સંબંધ સેતૂ જાળવી શકે છે.કાર્યક્રમના આરંભમાં દિનકર જોષી, યોગેશ સાગર અને ટ્રસ્ટીઓના હસ્તે દીપ પ્રાગટય બાદ કેઈએસના સંગીત મહાવિધાલયના સંખ્યાબંધ બાળકોએ મંચ પર એક સરખા ડ્રેસમાં સંગીત મહાવિધાલયના નિયામક ભાવેશ જાનીના સંચાલન હેઠળ મધુર સ્વરમાં પ્રાર્થનાની અને કેઈએસ પરના ખાસ ગીતની રજૂઆત કરી હતી. આ અવસરે સંસ્થાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રમણભાઇ શાહ એ કિરણભાઇ પટેલનું વિશેષ સન્માન કરાયું હતું.

ઈતિહાસની હ્રદયસ્પર્શી નાટય પ્રસ્તુતિ

સંસ્થાકીય સ્તરે વિધિસરના કાર્યક્રમ બાદ જાણીતા ડિરેકટર-પ્રોડયુસર (આઈડિયાઝ અનલિમિટેડના સ્થાપક) મનોજ શાહની ટીમે ઈસ્કુલ-મારી શાળા નામે એક નાટય પ્રસ્તુતિ કરી હતી. જેમાં કેઈએસના વાસ્તવિક ઈતિહાસને રસપ્રદ તથા સંવેદનશીલ ભાવ સાથે વણી લેવાયો હતો. આ નાટકમાં ૪૫ કળાકારોએ ભાગ લીધો હતો અને ૧૯૩૬થી લઈ ૨૦૨૬ સુધીની સંઘર્ષ તથા ગૌરવપૂર્ણ સ્મૃતિઓ-ઘટનાઓને તાજી કરી હતી.

આભાર સાથે આનંદની લાગણી

કાર્યક્રમના અંતે કેઈએસના વાઈસ પ્રેસિડન્ટ મહેશ ચંદારાણાએ આભાર વિધિમાં કહયું હતું કે મારે ભાર વિનાની આભાર વિધિ કરવી છે, તેથી આને હું આભાર વિધિને બદલે આનંદ વિધિ કહીશ. આ સંસ્થામાં હું પોતે ભણ્યો, આ સંસ્થાના વહીવટ-સંચાલનમાં પણ મને ભૂમિકા ભજવવા મળી. મારી માતૃ સંસ્થાની સેવા કરવાનો મને અવસર મળ્યો, તેથી પ્રથમ આભાર અને આનંદ પરમાત્મા પ્રત્યે વ્યકત કરું છું. ૯૦ વરસનો સમયગાળો એટલે ત્રણ પેઢી સમાઈ જાય એટલો લાંબો સમય. આ સમયના સૌ વિધાર્થીઓ અને લગભગ સવા બે લાખ જેટલાં એલ્યુમનાઈ વિધાર્થીઓ, જેમાંથી આજે ઘણાં અહી હાજર છે, તેમની પોતાની માતૃસંસ્થા પ્રત્યેની લાગણીને બિરદાવું છું અને આગામી પેઢીને તેમનો સહયોગ મળતો રહે એવી અપેક્ષા પણ વ્યકત કરું છું. આ ભવ્ય અવસરને સફળ બનાવવા સંસ્થાની તમામ સ્કુલ અને કોલેજોના પ્રિન્સીપાલ્સ સહિતના તમામ સ્ટાફ મેમ્બર્સે અથાગ મહેનત કરી હતી, જેમાં ડો. લીલી ભૂષણ, ડો. સંગીતા શ્રીવસ્તવ, ડો. વિરલ દવે, શ્રીમતી જોયસ ધનાસિંગ, ક્ષમા વાળંજુ, ડો. કન્નન, એડમિનિસ્ટ્રેટર પારુલ સંપટ, વાઈસ પ્રિન્સીપાલ (એસવીપીવીવી) દિપ્તી રાઠોડ, ગ્રાફિક ડિઝાઈનર અરવિંદ વગેરેનો સમાવેશ થતો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રોફેસર જાનવી જોષીએ કર્યુ હતું.